ગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ

0
280
Photo Courtesy: indianexpress.com

વારંવાર ગુજરાતની દારૂબંધીની હાંસી ઉડાવતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની ઊંઘ ઉડાડી દે તેવો એક સરવે બહાર પડ્યો છે જેમાં રાજસ્થાનને ક્યાંય પાછળ છોડી દઈને ગુજરાતે એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

Photo Courtesy: indianexpress.com

કેટલાક મહિના અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં ઘેરઘેર દારૂ મળે છે. ગેહલોતના આ નિવેદન બાદ ગુજરાતી દારૂરસિયાઓએ તો પોતાના ઘર ફંફોસી કાઢ્યા હતા પરંતુ એમના એ નિવેદનની અતિશયોક્તિને દરેકે વખોડી દીધી હતી. હમણાં થોડા દિવસો અગાઉ પક્ષના કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અશોક ગહેલોત ફરીથી અમદાવાદ આવ્યા હતા અને પોતાનું દારૂ અંગેનું નિવેદન ફરીથી પરંતુ જુદી રીતે રજુ કરી દીધું હતું.

ખરેખર તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં તેની ચિંતા ગહેલોતે ગુજરાત સરકાર અને તેના મુખ્યમંત્રી પર છોડી દેવી જોઈએ. ગહેલોત માટે વધુ ચિંતાની બાબત હાલમાં જ સામે આવી છે તેમના જ રાજ્યના લોકોનો એક મત જેમાં તેઓ કહે છે કે રાજસ્થાનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. હાલમાં જ એક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે દેશના તમામ રાજ્યોમાંથી રાજસ્થાનમાં સહુથી વધુ ભ્રષ્ટાચાર થાય છે.

રાજસ્થાનના 78% લોકો કહે છે કે તેમને નાના મોટા સરકારી કાર્યો કરાવવા માટે લાંચ આપવી પડે છે. તેની સામે આ જ સરવેનું એક તારણ એમ પણ કહે છે કે ગુજરાત દેશનું સહુથી ઓછું ભ્રષ્ટ રાજ્ય છે. આ હકીકત બીજું કોઈ નહીં પરંતુ ખુદ ગુજરાત રાજ્યના નાગરિકો જ કહી રહ્યા છે. આથી ગુજરાતમાં દારૂ મળે કે ન મળે એ એક સમસ્યા હોઈ શકે છે પરંતુ એ સમસ્યા ગુજરાત રાજ્યની છે રાજસ્થાનની નહીં. ખરેખર તો અશોક ગહેલોતે હવે પોતાના રાજ્યના સરકારી બેડામાં થતા ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાનો સમય આવી ગયો છે અને તેને માટે તેમણે ગુજરાતની ચિંતા છોડીને પોતાના રાજ્યની ચિંતા કરવાની જરૂર પડી ગઈ છે.

ગુજરાત રાજ્યમાં સરકારી કાર્યો ટેક્નોલોજીની મહત્તમ મદદથી થાય છે જેને લીધે શાસન અત્યંત પારદર્શી બન્યું છે અને આ જ કારણ છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેશના તમામ રાજ્યોમાં સહુથી ઓછો થાય છે. ગુજરાતમાં કોઇપણ પ્રકારના સરકારી દાખલા કે દસ્તાવેજ ઓનલાઈન થાય છે અને આથી અહીં માનવ દખલ સહુથી ઓછી છે અને તેથી લાંચ આપવાનો સવાલ ખૂબ ઓછો ઉપસ્થિત થતો હોય છે.

બિલ્ડીંગ પરમીશન, MSME પરમીશન કે પછી ખાણોની હરાજી વગેરે પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે. ભૂખનન કાયદેસર થાય તે માટે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોને ખુલે હાથે કાર્યવાહી કરવાની છૂટ પણ આપવામાં આવી છે જેને કારણે તે મોર્ડન ટેક્નોલોજી જેવી કે બટન કેમેરા, પેન કેમેરા, વોઈસ રેકોર્ડર અને સ્પેક્ટોગ્રાફી જેવા સાધનોથી સજ્જ થયું છે અને આથી તે ભ્રષ્ટાચાર સાથે આસાનીથી કામ પાર પાડી શકે છે.

ઉપરોક્ત સરવેમાં ગુજરાત ઉપરાંત ગોવા, હરિયાણા અને ઓડિશા પણ ઓછા ભ્રષ્ટાચાર ધરાવતા રાજ્યો જાહેર કરવામાં આવ્યા છે. આ આકલન પરથી પણ અશોક ગહેલોતે સમજવાની જરૂર છે કે કેમ કોંગ્રેસ પક્ષનું એક પણ રાજ્ય આ યાદીની ટોચમાં નથી પરંતુ તેને સ્થાને તેમનું ખુદનું રાજ્ય તેમના જ લોકો દ્વારા સહુથી ભ્રષ્ટ જાહેર કરવામાં આવ્યું છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here