શું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું?

0
253

પહેલા દેશનું મિડિયા અને હવે તો ભારતના જાણીતા ઉદ્યોગપતિ એવા રાહુલ બજાજે પણ કહ્યું છે કે મોદી સરકારના શાસનમાં દેશ ભયનો અનુભવ કરી રહ્યો છે, શું આ સાચું છે ખરું? – એક વિશ્લેષણ.

જ્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ રાહુલ બજાજ એમ કહેતા હોય અને એ પણ જાહેરમાં અને દેશના ગૃહમંત્રી સમક્ષ કે જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારેથી દેશમાં ભયનું વાતાવરણ છે તો એમની વાતને ધ્યાનથી અને પુરેપુરી ગંભીરતાથી સાંભળવી જોઈએ. રાહુલ બજાજે થોડા દિવસો અગાઉ મુંબઈમાં જે રીતે ગૃહમંત્રી અમિત શાહને કહ્યું કે તેમની સરકાર આવ્યા બાદ દેશમાં ભયનું વાતાવરણ છે તેને જો ધ્યાનથી સાંભળીયે અને ગંભીરતાપૂર્વક તેના પર વિચાર કરીએ તો સ્પષ્ટ થાય છે કે રાહુલ બજાજના એ નિવેદનમાં ભારોભાર અસમાનતા જોવા મળે છે.

જેમણે પર રાહુલ બજાજના એ નિવેદનનો વિડીયો જોયો/સાંભળ્યો હશે એમને ચોક્કસ એવું સ્પષ્ટ થયું હશે કે એક તરફ બજાજ આમતો બધું સારું છે પણ તોય લોકો ડરે છે એવું કહે છે. એક વખત તો તેઓ એ સ્વીકાર પણ કરે છે કે આ સરકારે ઘણા સારા કાર્યો કર્યા છે, પણ વળી પાછા ઉમેરે છે કે તેમ છતાં અમે બધાં તમારાથી ડરીએ છીએ. આ ઉપરાંત રાહુલ બજાજે તેમના એ નિવેદન પહેલા કે પછી ક્યારેય પોતાના આરોપને સમર્થન આપતા કોઇપણ પુરાવા આપ્યા નથી.

પરંતુ રાહુલ બજાજ ત્યારે પકડાઈ ગયા જ્યારે તેમણે ખુદ અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે અને જેમના પર તેઓ ભય ફેલાવવાનો આરોપ મૂકી રહ્યા હતા તેમની સામેજ તેમણે વગર કોઈ ડર દેખાડે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કરી દીધી. જો રાહુલ બજાજ ખરેખર મોદી સરકારને કારણે ભય અનુભવી રહ્યા હોય તો તેમની હિંમત એ જ સરકારના બીજા નંબરના શક્તિશાળી મંત્રી સમક્ષ આ વાત કહેવાની હિંમત હોત ખરી?

રાહુલ બજાજ ઉદ્યોગપતિ હતા, હવે તેમના જ કહેવા અનુસાર બધીજ જવાબદારી તેમણે પોતાના પુત્રોને સોંપી દીધી છે, પણ તેમ છતાં બજાજ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો નાનો મોટો ચંચુપાત તો હશે જ એવું માની લઈએ. જો આવું હશે તો તેમના કહેવા અનુસારના ‘ટેક્સ ટેરરના’ કેટલાક દાખલા તેમની સામે જરૂરથી આવ્યા હોવા જોઈએ અને જો એમ હોત તો તેમની પાસે એ તક હતી જ્યારે દેશના ગૃહમંત્રી સાથે દેશના નાણામંત્રી પણ તેમની સમક્ષ બેઠા હતા તેમની સામે એ પુરાવા રજુ કરત, પરંતુ તેમણે એમ ન કર્યું અને માત્ર પોતાને જે કહેવું હતું તે કહીને બેસી ગયા.

‘મોદીરાજ’ આવ્યા બાદ દેશમાં ભયનું વાતાવરણ છે એ પ્રકારના ઢોલ તો દેશનું લુટીયન્સ મિડિયા 2015થી જોરશોરથી પીટી રહ્યા છે, પરંતુ જેમ રાહુલ બજાજે કહ્યું તેમ એમાંથી કોઇપણ માંગવામાં આવે તો પુરાવા આપવા માટે ઉભું રહેતું નથી. તેમ છતાં જ્યારે દેશના વરિષ્ઠ પત્રકારો કે પછી રાહુલ બજાજ જેવા ઉદ્યોગપતિ જ્યારે એમ કહેતા હોય કે મોદી સરકારના સત્તા સંભાળ્યા બાદ દેશમાં ભયનું વાતાવરણ છે તો જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે તેની તપાસ કરીએ અથવાતો તેના પર મંથન કરીએ.

તમામ પ્રકારનું મંથન કર્યા બાદ એક વાત સામે આવે છે કે જો ખરેખર દેશમાં આ સરકાર પ્રત્યે ભય છે તો એ ભય શેનો છે? જો નોટબંધીથી ભય ઉભો થયો હતો તો એ ભય કાળુંનાણું જેની પાસે હતું તેને માટે ભયજનક પરિસ્થિતિ હતી, જો GST લાગુ પાડવાથી ભય ઉભો થયો હતો તો તે એ લોકો માટે ભયજનક પરિસ્થિતિ હતી જેઓ અત્યારસુધી ખોટા ચોપડા બનાવીને સરકાર જે કર મેળવવા માટે લાયક હતી તે ચુકવતા ન હતા, જો આતંકવાદ સામે સખત પગલાં લઈને છેલ્લા સાડા પાંચ વર્ષ સુધી 26/11 જેવી દેશમાં એક પણ મોટી આતંકવાદી ઘટના ન ઘટવા દીધી હોય તો એ ભયજનક પરિસ્થિતિ આતંકવાદીઓ માટે હોવી જોઈએ અને છેલ્લે જો સરકારી લાભ સીધા જ લાભાર્થીઓના ખાતામાં જમા થવાથી ભય ઉભો થતો હોય તો એ પેલી કટકીબાજો માટે ભયજનક પરિસ્થિતિ હતી જે ગરીબોના લાભ ચાઉં કરી જતા હતા.

જો ઉપર કહેલા જ ભય રાહુલ બજાજ માટે ખરેખરા ભય હોય તો આ ભય તો સારા કહેવાયને? રાહુલ બજાજના નિવેદનને દેશના લુટીયન્સ મિડિયાએ બે હાથે વધાવી લીધું છે અને તે જોઇને કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ, કારણકે આ એ જ મિડિયા છે જે રાહુલ બજાજે જે કહ્યું તે કોઇપણ પુરાવા આપ્યા વગર છેલ્લા સાડા પાંચ વર્ષથી કહી રહ્યું છે. પરંતુ હકીકત ઉલટી છે, જેટલી નરેન્દ્ર મોદી સરકારની ટીકા મેઈન સ્ટ્રીમ મિડીયામાં થઇ છે એટલી ટીકા ભાગ્યેજ કોઈની થઇ છે.

જ્યારે કાયદો અને વ્યવસ્થા રાજ્યની હસ્તકનો વિષય હોય પરંતુ જ્યાં બિનભાજપ સરકાર હોય અને કાયદો અને વ્યવસ્થા બગડે તો મોદી સરકારનો વાંક ગણતા આ લુટીયન્સ મિડિયાને એમ કરતી વખતે કોઇપણ પ્રકારનો ભય લાગતો નથી. અફવા ફેલાવવાના ગુનાસર દંડરૂપે અમુક કલાક ચેનલ સરકાર  બંધ કરાવે તેને પ્રેસ પર હુમલો ગણાવીને કે માલિકો પર થતી કાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ સ્ક્રિન કાળો કરનારા પત્રકારો આજે પણ બેધડક મોદી સરકાર વિરુદ્ધ અફવા ફેલાવીને બીજે દિવસે ભયજનક પરિસ્થિતિના રોદણાં ફેસબુક પર આવીને રડે જ છે.

જે પત્રકારો મોદી સરકારની દિવસ શરુ થાય ત્યારથી રાત્રે સુવા જાય ત્યાં સુધી ટીકા કરે અને તેમ છતાં એ જ મોદીના બે-બે ભવ્ય વિજયોના વખાણ કરતા પુસ્તક લખીને તેને ચપોચપ વેંચી દે અને તેમ છતાં દેશમાં ભયનું વાતાવરણ છે એવા રાહુલ બજાજના નિવેદનને વખાણે અથવાતો તેને સમર્થન આપે ત્યારે આ પ્રકારના લોકોનો કે પછી ઇવન રાહુલ બજાજનો કેટલો વિશ્વાસ થાય એ તમારે અને મારે સમજવાનું છે. જ્યારે ખુદ રાહુલ બજાજ આરોપ મુકતા અગાઉ અમિત શાહને એમ કહે કે મારું નામ રાહુલ છે જે તમને નહીં ગમે, ત્યારે તેમના આરોપો કેવા ‘પાયા’ પર ઉભા હશે એ આપણને ખબર પડી જ જાય છે.

અને રાહુલ બજાજના નિવેદન બાદ અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં અને સોય ઝાટકીને કહ્યું છે કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, તેમ છતાં આ ભયજનક વાતાવરણનું ગુણગાન ઓછામાં ઓછું આવનારા સાડા ચાર વર્ષ સુધી તો ચાલવાનું જ છે તેની ગેરંટી અહીંથી આપવામાં આવે છે.

૩ ડિસેમ્બર ૨૦૧૯, મંગળવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here