ગુજરાત સરકારે પોતાના જ કાયદામાં ફેરફાર કરતા ગઈકાલથી દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવી મરજિયાત કરી દીધી છે. શું કાયદો જ આપણને જીવનની સુરક્ષા કરતા શીખવાડશે?

16 વર્ષે જ્યારે Learning License મળ છે ત્યારે માતા અને પિતાનો હરખ સમાતો નથી. જોરશોરથી નગારા પીટવામાં આવે છે કે મારા સંતાનને license મળ્યું છે. એ સંતાન 18નું થાય ન થાય ત્યાં તો ગિયરવાળું વ્હીકલ આપી દેવામાં આવે છે. એકાદ વર્ષ સુધી તો નક્કી કરતાં હશે કે કયું વાહન લેવું? ક્યાંથી લેવું?
બાળકે પોતે જાતજાતનાં વાહન ત્યાં સુધીમાં ચલાવી લીધેલ હોય એટલે મમ્મીને અને પપ્પાને મનાવી પોતાનું ધાર્યું કરતાં એને વાર નથી લાગતી. પેરેંટ્સ વિચારે છે કે મારા બાળકને ભણતરનો બોજો છે અને સમય બચાવવાનો છે એટલે, “સારામાં સારું” વાહન લઈ દઈએ. 70,000 થી 90000 રૂપિયાનાં એંધાણ મુકતા વાર નથી લાગતી.
નીડરપણે વાહન ચલાવવું એ એક કળા છે. બેલેન્સની સાથે ધ્યાન કેન્દ્રિત કરવું પડે. પડીએ તો વાગે નહીં એનું ધ્યાન રાખવું પડે. પણ આ બધી ગડમથલમાં ટ્રાફિકના નિયમોનું પાલન બાળક કરશે કે નહીં તેની ચકાસણી કોણ કરશે? ટૂ વ્હીલર કે ફોર વ્હીલરની ચાવી આપી દેવાથી જવાબદારી પૂરી નથી થતી. સંસ્કારની જેમ ટ્રાફિક નિયમનો અમલ કરવો એ શીખવાડવું એ પેરેંટ્સની ફરજ છે જ.
એ જ રીતે, ઘરમાંથી હેલ્મેટ લઈને નીકળી જવાથી કાયદાનું પાલન થઈ ગયું એમ ન કહી શકાય. એનાં ફાયદા ફક્ત નિયમ પુરતા સીમિત નથી. એક જવાબદાર નાગરિકની સાથે સાથે આપણે એક ઘરનાં મેમ્બર છીએ એ ભૂલવું જોઈએ નહીં.
સરકારે કહ્યું એટલે હેલ્મેટ પહેરવી પડશે. સરકારે કહ્યું એટલે સિગ્નલ પર એક્દમ નિયમ પ્રમાણે ઊભા રહેવું પડશે. સરકારે જાહેર કર્યું એટલે મેમો ભરવો પડશે. બધું સરકાર કહેશે તો જ થાશે? આપણે ક્યારે જાગશું? કોઈ પણ વ્યક્તિની કે જેની ઉંમર વોટ આપવા જેવડી છે, જો એ પોતાની જવાબદારી પણ ન ઉપાડી શકે તો એનાથી વધારે દુર્દશા કઈ હોઈ શકે? સરકાર તરફથી જાહેરનામું આવે એટલે દરેકનાં ઘરમાં બે પક્ષ બને. એક સરકાર તરફી અને એક સરકાર વિરુદ્ધ.
“હેલ્મેટ સાથે રાખજો, નહીં તો મેમો આવશે” એવું આપણે સાંભળ્યું પણ હશે અને કીધું પણ હશે. આપણા માથાની જવાબદારી કોણ ઉપાડે? સરકાર? સરકારનું કામ છે જાહેર ચેતવણી આપવાનું અને નિયમ ભંગ થાય તો સજા આપવાનું. એનાથી વિશેષ સરકાર પાસેથી અપેક્ષા રાખી શકાય નહીં.
હેલ્મેટ પહેરવાનો કાયદો મરજિયાત બને તો પણ આપણને વાંધો હોવો જોઈએ નહીં. “મારા માથાની અને જીવનની રક્ષા મારા હાથમાં છે”, એ સત્ય સ્વીકારી, નિયમ ન હોય તો પણ નિયમિત રીતે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા માટે સરકારી આમંત્રણની રાહ ન જોવી જોઈએ. એમ જ નથી કહેવાતું કે “નઝર હટી, દુર્ઘટના ઘટી”. આપણી એક નાની ચૂક, આપણા જીવનને જોખમમાં મૂકી દે છે અથવા કોઈનાં જીવનને માઠી અસર પહોંચાડી શકે છે. વાહન ચલાવતી દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી ઉપાડે તો સરકારનાં ઘણાં ટ્રાફિક નિયમોનું પાલન આપોઆપ થઈ જાય.
સમજો અને સમજાવો.
અસ્તુ.
eછાપું