CAB વિરુદ્ધની હિંસા મુદ્દે લેફ્ટ લિબરલોનું ત્રાડ પાડતું મૌન!

1
135
Photo Courtesy: ANI

ગઈકાલે દિલ્હીમાં તેમજ અલ્હાબાદ યુનિવર્સીટીમાં નવા CAB વિરુદ્ધ માત્ર હિંસા જ નહોતી થઇ પરંતુ દેશની બહુમતિને ધમકી આપતા સુત્રોચ્ચાર પણ થયા હતા, તેમ છતાં દેશના લેફ્ટ લિબરલો શાંત બેઠા છે.

Photo Courtesy: ANI

નાગરીકતા સુધારા બીલ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઇ ગયું છે અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ હવે કાયદો પણ બની ગયો છે. સંસદના બંને ગૃહોમાં ચર્ચા સમયે ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ કાયદો એક પણ ભારતીય નાગરીકની નાગરીકતા પરત નહીં લે પરંતુ દેશ બહાર એટલેકે પડોશી દેશોમાં વસ્તી લઘુમતિને ભારતનું નાગરીકત્વ આપવાનું કામ કરશે.

પરંતુ, છેલ્લા સાત દાયકાથી પણ વધુ સમય સુધી દેશની લઘુમતિઓ, ખાસકરીને મુસ્લિમોના કલ્યાણની ચિંતા ન કરતા માત્ર તેમની ધાર્મિક લાગણીઓની આળપંપાળ કરીને ફક્ત તેમને મતબેંક બનાવનાર પક્ષોને અમિત શાહની આ સ્પષ્ટતા કેવી રીતે ગળે ઉતરે? એમને તો આ વાત ગળે ન ઉતરે તે સમજી શકાય છે પરંતુ તેમણે કામ એવું કર્યું કે ભારતમાં આ કાયદા વિરુદ્ધ ભ્રમ ફેલાવી દીધો. આ ભ્રમને કારણે પહેલા ઉત્તરપૂર્વના રાજ્યોમાં અને ગઈકાલે દિલ્હીની જામિયા (JMU) તેમજ અલ્હાબાદ મુસ્લિમ યુનિવર્સીટીમાં (AMU) મન મુકીને હિંસાચાર થયો.

JMU અને AMUમાં જો કાયદાની વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો થયા હોત તો તે લોકશાહીની પ્રક્રિયારૂપ હોવાથી તેનો સ્વીકાર પણ થયો હોત. પરંતુ, અહીં તો હિંસાચાર થયો અને એટલુંજ નહીં હિંદુઓ વિરુદ્ધના સુત્રોચ્ચાર પણ થયા. આ સુત્રોચ્ચારમાં હિંદુઓથી આઝાદી લેવા સુદ્ધાંની વાત કરવામાં આવી. આ પ્રકારની હિંસાને કડક શબ્દોમાં વખોડી નાખવાને બદલે દેશના લેફ્ટ લિબરલોએ JMUમાં દિલ્હી પોલીસે કરેલી કાર્યવાહીને વખોડી નાખી અને ગઈકાલે રાત્રે લોકોને દિલ્હી પોલીસ મુખ્યમથક પર એકઠા થવા માટે પ્રોત્સાહિત પણ કર્યા!

Liberal શબ્દનો સીધો અર્થ ઉદારવાદી થાય, પરંતુ આ કેવી ઉદારતા જે માત્ર એક ધર્મના અનુયાયીઓને પંપાળવા માટે બીજા ધર્મના અનુયાયીઓને ધમકાવવાની પ્રવૃત્તિઓને ઈજન આપે? આ કેવી ઉદારતા જે હિંસાચારને પ્રોત્સાહન આપે? ગઈકાલની હિંસાને કારણે દિલ્હી મેટ્રોને વિવિધ મેટ્રો સ્ટેશનો બંધ કરવાની ફરજ પડી જેને કારણે અનેક લોકો રવિવારની રજાની મજા માણ્યા બાદ ઘરે જતી વખતે અટવાઈ ગયા હશે. શું આનું નામ જ ઉદારતા છે?

અગાઉ JNUમાં પણ ભારત વિરોધી સુત્રોચ્ચાર સમયે જેમાં ભારતના ટુકડેટુકડા કરી નાખવાની વાત કરવામાં આવી હતી ત્યારે પણ આ લેફ્ટ લિબરલો તેને શાંત કરવાને બદલે તેને અભિવ્યક્તિની આઝાદી ગણાવીને તેને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. દેશ વિરુદ્ધ બોલનારાઓનો જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ જ લિબરલ જમાતે તેને અતિરાષ્ટ્રવાદીઓ કહીને તેમની ટીકા કરી હતી.

જે દેશમાં તમે રહેતા હોવ પછી કોઇપણ ધર્મના અનુયાયી હોવ તો પણ દેશના ટુકડા થવા સુધી વાત આવે ત્યારે તમે કેવી રીતે શાંત રહી શકો? અરે, શાંત ન રહેતા તે પ્રવૃત્તિને વધુને વધુ ઉંચે લઇ જવાનો ખુલ્લો પ્રયાસ પણ કરવાનો? શા માટે? કોઈ એક ખાસ ધર્મના લોકોને પોતાની તરફ લાવવા માટે? જ્યારે વાત સ્પષ્ટ છે કે ભારતના એક પણ નાગરીકની નાગરીકતા આ નવા કાયદાથી જવાની નથી તો પછી આટલો હિંસાચાર કરવા દેવાનું પ્રોત્સાહન કેમ આપો છો?

જ્યારે ગૌરક્ષાના નામે થતા અવિચારી મોબ લીન્ચિંગના વિરોધ માટે તો મીણબત્તીઓ લઈને તમે નીકળી પડો છો તો દેશની સંપત્તિને થયેલા નુકસાન માટે કે પછી દેશના એક ધર્મના લોકોને ખુલ્લામાં આપેલી ધમકીનો વિરોધ કરવા માટે મીણબત્તી પ્રગટાવવાનું તો દૂર તમે એક શબ્દ પણ ન બોલો? યાદ રાખજો દેશની બહુમતિ બધું જુએ જ છે. હવે તે હિંસા વિરુદ્ધ પ્રતિહિંસા નહીં આચરે. તમે જે લોકોને આ પ્રકારનો ભેદભરમ ફેલાવીને તેમને પ્રોત્સાહિત કરીને જે સરકારને ઉથલાવવાનાં સપનાઓ જોઈ રહ્યા છો તેની વિરુદ્ધ બહુમતિ પ્રજા આ મૂંગી અને શાણી બહુમતિના પ્રતાપે હજી મોટી બહુમતિ સાથે સત્તામાં પરત લાવશે જે તમે ગુજરાતમાં જોઈ ચૂક્યા છો.

જો મોબ લીન્ચિંગ અવિચારી અને ટીકાપાત્ર હિંસા છે તો જે AMU અને JMU કે પછી અગાઉ JNUમાં થયું એ પણ એટલાજ ધિક્કારને પાત્ર છે. જો દેશ હશે તો તમે હશો લિબરલો, અને દેશની બહુમતિ પ્રજા દેશને ટકાવી રાખવા માટે ભલે મૂંગા મોઢે પરંતુ ગમેતે હદે જવા માટે તૈયાર છે. આથી એવું ન બને કે અવિચારી હિંસાને પ્રોત્સાહિત કરી તેને સમર્થન આપી તમે બહુમતિ પ્રજાના મનમાંથી હજીપણ નીચે ઉતરી જાવ અને આવનારા પાંચ વર્ષમાં સાવ અપ્રસ્તુત થઇ જાવ.

૧૬ ડિસેમ્બર ૨૦૧૯, સોમવાર

અમદાવાદ     

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here