ઉત્તર પ્રદેશ સ્થિત ભારતીય રેલવેની મોડર્ન કોચ ફેક્ટરી વિક્રમો પર વિક્રમ સ્થાપી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે સતત વિક્રમોની હારમાળા સર્જી છે તેમાં એક નવો વિક્રમ પણ ઉમેરાઈ ગયો છે.

રાય બરેલી: અત્રે આવેલી મોડર્ન કોચ ફેક્ટરી (MCF) જે ભારતીય રેલવેના નેજાં હેઠળ કાર્યકર્ત છે તેણે હાલમાં ચાલી રહેલા નાણાંકીય વર્ષમાં એક નવું કિર્તિમાન સ્થાપ્યું છે. હજી આ નાણાંકીય વર્ષને માત્ર 9 મહિના જ થયા છે પરંતુ MCF દ્વારા અત્યારસુધીમાં 1,402 જેટલા કોચ ઉત્પાદિત કરી દેવામાં આવ્યા છે.
આ આંકડો એટલે પણ મહત્ત્વનો છે કારણકે ગત સંપૂર્ણ નાણાંકીય વર્ષમાં MCF દ્વારા કુલ 1,425 જેટલા કોચ ઉત્પાદિત કરવામાં આવ્યા હતા જે પણ એક વિક્રમ હતો. 2017-18ના વર્ષમાં અહીં કુલ 711 જેટલા કોચ ઉત્પાદિત કરવામાં આવ્યા હતા.
આટલું ઓછું હોય તેમ MCFએ ગઈકાલે પૂર્ણ થયેલા ડિસેમ્બર મહિનામાં જ 220 જેટલા કોચનું ઉત્પાદન કર્યું હતું જે અત્યારસુધીના તેના ઇતિહાસમાં એક મહિનામાં થયેલું સહુથી વધુ ઉત્પાદન રહ્યું છે.
આ સિદ્ધિને MCFના જનરલ મેનેજર વિનય મોહન શ્રીવાસ્તવ અને મુખ્ય મિકેનીકલ એન્જીનીયર અનૂપ કુમારે MCFની સમગ્ર ટીમની મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવ્યું હતું. MCF આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં અગાઉનો વિક્રમ પણ તોડશે તે અંગે મજબૂત આશા પણ વ્યક્ત કરી હતી.
eછાપું