IPL 2020: BCCI દ્વારા ખર્ચમાં જબરદસ્ત કપાત કરાશે

0
288
Photo Courtesy: sportsmonks.com

આવનારી IPL માટે BCCIએ પોતાના ખર્ચમાં કપાત માટે મોટા નિર્ણયો લીધા છે જેમાં વિજેતા ટીમને આપવામાં આવતી પ્રાઈઝ મનીને ઘટાડવાનો પણ નિર્ણય સામેલ છે.

મુંબઈ: IPL 2020ની શરૂઆતને આડે હવે થોડા જ દિવસો બાકી છે. આવા સમયે BCCIએ IPL 2020 સાથે સંકળાયેલા તમામને એક સર્ક્યુલર મોકલ્યો છે જેમાં મોટા પાયે ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવાની માહિતી આપવામાં આવી છે.

Photo Courtesy: sportsmonks.com

સહુથી મોટા નિર્ણયમાં હવેથી IPL જીતનારી ટીમ, રનર્સ અપ અને ત્રીજા તેમજ ચોથા સ્થાને રહેલી ટીમને ગત વર્ષ કરતાં અડધી જ પ્રાઈઝ મની આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ટીમોના પ્રવાસના ખર્ચમાં પણ કપાત મુકવામાં આવી છે.

ગત વર્ષે એટલેકે IPL 2019માં વિજેતા ટીમને રૂપિયા 20 કરોડ, રનર્સ અપને 12.5 કરોડ, ત્રીજા તેમજ ચોથા સ્થાને રહેલી બંને ટીમોને 8.75 કરોડ આપવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે વિજેતા ટીમને રૂ. 10 કરોડ, રનર્સ અપને 6.25 કરોડ તેમજ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને 4.375 કરોડ આપવામાં આવશે.

આટલુંજ નહીં દરેક ફ્રેન્ચાઇઝી જે મેચ પર પોતાની હોમ ગેમ રમતી હોય છે તેને અત્યારસુધી પ્રતિ મેચ જે-તે સ્ટેટ ક્રિકેટ બોર્ડને રૂ. 20 લાખ આપવામાં આવતા હતા, હવે તે રકમ વધારીને પ્રતિ મેચ રૂ. 50 લાખ કરી દેવામાં આવી છે. તો BCCI પણ આ સ્ટેટ ક્રિકેટ બોર્ડને પ્રતિ મેચ રૂ. 50 કરોડ આપશે, જેથી પ્રતિ મેચ એ સ્ટેટ ક્રિકેટ બોર્ડને રૂ. 1 કરોડ મળશે.

અગાઉ ત્રણ કલાકથી લાંબી એર ટ્રાવેલમાં ટીમના સિનીયર અધિકારીઓને બિઝનેસ ક્લાસની ટીકીટ આપવામાં આવતી હતી, હવે આઠ કલાકથી ઓછી એર ટ્રાવેલમાં એક કે બે સિનીયર અધિકારીઓને બાદ કરતા દરેકને ઈકોનોમી ક્લાસની જ ટીકીટ આપવામાં આવશે.

લગભગ તમામ ફ્રેન્ચાઇઝીઓને BCCIના આ નિર્ણય પસંદ નથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને લગભગ ત્રણથી ચાર ફ્રેન્ચાઇઝી માલિકો પોતાનો વિરોધ BCCI સમક્ષ રજુ કરવાના છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here