રસપ્રદ કથાઓઃ ‘ક્વિક હીલ’ વાઈરસ કો ‘કાટકર’ રખ દેતા હૈ…

0
398
Photo Courtesy: YouTube

વાઈરસ શબ્દ આજકાલ નવો નથી. વ્હોટ્સેપ યુનિવર્સિટીમાં એક મેસેજ પણ વાઈરલ થયો છે – હે ભગવાન, આ 2020 uninstall કરી ને નવું install કરી દો કારણ કે આમાં વાઈરસ આવી ગયો છે. કોમ્પ્યુટર, મોબાઈલ અને સોફ્ટવેરની થોડીઘણી માહિતી રાખનારને પણ ખબર હશે કે વાઈરસ એ પૂરા તંત્ર કે સિસ્ટમને કોરી ખાય છે અને ‘એન્ટી-વાઈરસ’ નામનું એક સોફ્ટવેર નાખવાથી વાઈરસના હુમલાથી બચી શકાય છે.

Photo Courtesy: YouTube

1966 માં મહારાષ્ટ્રના સાતારા નજીકના નાનકડા ગામ રહીમતપુર ખાતે મરાઠી પરિવારમાં જન્મેલા કૈલાસ કાટકરનો જન્મ થયો. રહેમરપુરથી ખૂબ જ નાની ઉંમરે પુણેમાં આવીને વસ્યા. નાનપણથી જ વર્ગખંડના સત્રોમાં ભાગ લેવાના રિયોટાઇપને તેઓ પસંદ કરતા નહીં અને પોતાની સખત મહેનતને કારણે કોઈ વ્યવસાય-ધંધો કરવાની જીજીવિષા રહેતી. કૈલાસ એક નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતા જ્યાં દરેક ચીજવસ્તુઓની અછત રહેતી.

શાળામાં હતા ત્યારે જ તેમને પોતાના બે નાના ભાઈ-બહેનને મોટા કરવાની જવાબદારી આવી અને શાળાનો અભ્યાસ પૂરો કરી ક-મને બેંકોની ખાતાવહી પોસ્ટીંગ મશીનોની દેખરેખ કરતી એક કંપનીમાં કામ કર્યું. ફક્ત ચાર જ વર્ષની નોકરીમાં કૈલાસને સમજાઈ ગયું કે આનાથી તો પરિવારને ગરીબીમાંથી મુક્તિ અપાવવી અશક્ય છે. ચાર વર્ષની નોકરીમાં કૈલાસે કોમ્પ્યુટર રીપેરીંગનું કામ શીખી લીધું. અને 1990માં પોતે કોમ્યુટર રીપેરીંગનું પોતાનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે પોતે નોકરીમાં કમાતા તેના કરતાં વધું કમાવા લાગ્યા.

બીજા ચાર વર્ષ પછી 1994માં કૈલાસના નાના ભાઈ સંજય કાટકર પણ આ વ્યવસાયમાં જોડાયા. સંજય એક એન્જિનિયર હતા અને તેમણે એક એન્ટી વાઈરસ સોફ્ટવેર બનાવેલું. પોતે બનાવેલા સોફ્ટવેરને મોટા ભાઈ જે કોમ્પ્યુટર રીપેર કરતાં તેમાં ઈન્સ્ટોલ કરી દેતા. ગ્રાહકોનો પ્રતિભાવ ખૂબ જ હકારાત્મક હતો. માટે જ ફાઈનલી, 1995માં બંને ભાઈઓએ નિર્ણય લીધો કે તેઓ એન્ટી વાઈરસ સોફ્ટવેર જ વેચશે.

બંને ભાઈઓએ મળીને એવું એક સોફ્ટવેર તૈયાર કર્યું જે બહુવિધ વાઈરસને એક જ સોફ્ટવેરથી બચાવી શકે. સોફ્ટવેર તો બની ગયું પણ તેને વેંચવું સહેલું નહોતું. તે સમય એવો હતો કે ઘરે ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ નહોતા. તેના વગર સોફ્ટવેર વેચવું કઈ રીતે આ મૂંઝવણ બંને ભાઈઓને થઈ. ઈન્ટરનેટયુગ હજી શરૂ જ થયો હતો. અવનવા મોબાઈલ ફોન અને લેપટોપનો ભારત દેશમાં પ્રવેશ થયો નહોતો. જે પણ લોકો પહેલાથી કોમ્પ્યુટર વાપરતા હતા તે લોકો ઓલરેડી કોઈને કોઈ એન્ટી વાઈરસ વાપરતા હતા – આવામાં પોતાનું નવું સોફ્ટવેર લોકો સમક્ષ મૂક્વું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.

સંજય અને કૈલાસ કાટકરે એક વિચાર આવ્યો કે કેમ નહીં ‘ક્વિક હીલ’ (Quick Heal) નામનું પોતાનું સોફ્ટવેર બધાંને ફ્રી સેમ્પલ આપવામાં આવે. એક વાર લોકોને આદત લાગી જાય પછી તેનો શુલ્ક લેશું, છતાં બંને ભાઈઓને જોઈએ તેવી સફળતા ન મળી. બંને ભાઈઓ લગભગ તૂટી પડ્યા.

પરંતુ ઉપરવાલે કે ઘર દેર હૈ અંધેર નહીં એટલે જેમ જેમ કોમ્પ્યુટરનો વપરાશ વધ્યો, ઈન્ટરનેટનું ચલણ વધ્યું, લોકોમાં એન્ટી-વાઈરસ વિશે જાગૃતિ વધતી ગઈ. 2000ની સાલથી એન્ટી વાઈરસનો પ્રોડ્ક્ટનો વપરાશ વધવા લાગ્યો. બંને ભાઈઓએ પોતાની કંપનીમાં 30 નવા લોકોની નિમણૂક કરી અને 2003માં નાસિકમાં પોતાની પ્રથમ શાખા ખોલી – કંપનીનું નામ રાખ્યું ‘ક્વિક હીલ ટેક્નોલોજીસ’!

2005માં તે સમયની કોમ્પ્યુટરની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે બંને કાટકર બંધુઓને પાર્ટનર બનવાની ઓફર આપી અને રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!

બંને ભાઈઓને આગળ વધતા ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. પણ તેમની કંપનીએ ફક્ત અને ફક્ત ઓછા ભાવમાં ગ્રાહકોની તમામ જરૂરિયાતો પૂરી કરતું સોફ્ટવેર લોકો સમક્ષ મૂકવું હતું. વિદેશી કંપનીઓના પ્રોડક્ટમાં નવા પણ વપરાશમાં ન આવતા એવા લક્ષણ (feature) હતા અને એટલે જ તે બધાં પ્રોડક્ટ મોંઘા હતા. આ સિવાય, લેપટોપ અને મોબાઈલનો વપરાશ ભવિષ્યમાં વધશે એવી દૂરદ્રષ્ટી કાટકર બંધુઓમાં હતી એટલે તેઓ પોતાના પોડક્ટને વધુ ને વધુ વિકસાવવા લાગ્યા. જેમ કે ‘ટ્રેક માય લેપટોપ’ નામનું પ્રોડક્ટ ખોવાયેલા લેપટોપનું લોકેશન બતાવવામાં મદદ કરે છે.

2017 માં, ચિત્કાર યુનિવર્સિટીએ કૈલાસ કાટકરને વ્યવસાય, શિક્ષણ અને માનવતામાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ માનદ ડોકટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા. સંજય કાટકર પણ વિવિધ ઉદ્યોગ મંચો પર પ્રતિષ્ઠિત વક્તા છે અને વિવિધ આઈ.આઈ.એમ. અને આઈ.આઈ.ટી. કાર્યક્રમોમાં વક્તા પણ રહી ચૂક્યા છે. તેમણે એશિયાના એન્ટી વાઈરસ સંશોધનકારોના એસોસિએશનના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. અને વિવિધ ડી.એસ.સી.આઈ. અને નાસ્કોમ કાર્યક્રમોમાં પણ ભાગીદાર રહ્યા છે. સંજયે પુણે યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી પરંતુ વર્ષ 2019 માં, એમ.આઈ.ટી. – એ.ડી.ટી. યુનિવર્સિટી, પૂણેએ સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં ફાળો આપવા બદલ સંજય કાટકરને પણ માનદ ડોકટરેટની પદવીથી સન્માનિત કર્યા. અત્યાર સુધી ક્વિક હીલ ટેક્નોલોજીસને જુદી જુદી સંસ્થાઓ તરફથી 30 જેટલા એવોર્ડ મળેલા છે.

2012માં યુ.એસ.એ., કેનિયા અને જાપાનમાં પોતાની ઓફિસ ખોલીને લગભગ 60 દેશોમાં તેમનું મજબૂર નેટવર્ક બનાવ્યું. આજે ‘ક્વિક હીલ ફાઉન્ડેશન’ લોકોના કલ્યાણ, શિક્ષણ અને સાયબર સલામતીની આસપાસ જાગૃતિ લાવવાના ક્ષેત્રોમાં કાર્યરત છે. આ ફાઉન્ડેશન દ્વારા લાખો વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

સંદર્ભઃ

https://www.quickheal.co.in/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here