સન 2012માં પરેશ રાવલ અને અક્ષય કુમાર અભિનીત સુપર ડુપર હીટ ફિલ્મ OMG ‘ઓહ માય ગોડ’ આવેલી. ‘ધર્મ’ના નામે આપણા દેશમાં કઈ રીતે ગોરખધંધો ચાલે છે તેનું તાદ્ય્શ વર્ણન તે ફિલ્મમાં દર્શાવેલું. ફિલ્મમાં કોર્ટરૂમમાં થતી દલીલબાજી દરમિયાન કાનજીભાઈ (પરેશ રાવલ) એવા પાસાઓ પર પ્રકાશ પાડે છે જે જાહેર જનતાને ખબર છે, લોકો એવું કરતા આવ્યા છે પરંતુ ‘પરંપરા’ના નામે બધું ચલાવતા આવ્યા છે. કોર્ટમાં એક ડાયલોગમાં તેઓ બોલે છેઃ યે સબ દુકાનદાર હૈ, જીન્હોને અલગ અલગ દુકાનો કા એક મૉલ બનાયા હુઆ હૈ. ઈનકો કભી રીસેશન (Recession) કી દિક્કત નહીં આતી. ટૂંકમાં મંદી આમને ન નડે. ઊલટાનું મંદીમાં તો આમનો ધંધો બમણો થઈ જાય. ધર્મની દુકાનોને તો ટેક્સ પણ ભરવાનો ન હોય અને ખાતાવહી પણ જાળવવાની ન હોય. ધર્મના આવા ધંધાનો પૂરેપૂરો શ્રેય મૂર્ખ જનતાને જાય છે.

આ જ કારણે શિક્ષિત યુવાનોને અને ઉદ્યોગ સાહસિકોને નવી નવી તકો દેખાઈ રહી છે. ધર્મ પોતે જ જ્યારે ઉદ્યોગ બની જાય ત્યારે ધર્મના આધારે ઘણી નવી શક્યાતાઓ ઊભી થઈ શકે છે. આવા જ એક ઉદ્યોગ સાહસિકનું નામ છે – ગૂંજન મલ (Goonjan Mall).
ગૂંજન એક સોફ્ટવેર એન્જીનિયર છે અને રાજસ્થાનની સુપ્રસિદ્ધ યુનિવર્સિટી BITS-Pilani માંથી એન્જીનિયરીંગનું શિક્ષણ લીધું છે. BITS માંથી ગ્રેજ્યુએટ થયા પછી ગૂંજન Bain & Company નામની એક કન્સલ્ટન્સી ફર્મમાં સિનિયર ડેટા એનાલિસ્ટ તરીકે જોડાયો. તેની જવાબદારી ગ્રાહકોના વેપાર, ઉદ્યોગ અને કામનું ધ્યાન રાખવાની. લગભગ સન 2001માં સ્ટાર પ્લસ પર દિપ્તી ભટનાગર સંચાલિત એક અનોખી સિરીયલ પ્રસારીત થતી, જેનું નામ હતું – યાત્રા! આ સિરીયલમાં ભારતવર્ષના જુદા જુદા ધાર્મિક સ્થળોએ જઈને દિપ્તી દર્શન કરાવતી, જે તે ધાર્મિક સ્થળોની દંતકથાઓ સંભળાવતી અને લોકોને ઘેર બેઠાં આ ધર્મસ્થળોના દર્શનનો લાભ મળતો. ગૂંજનના મગજમાં આ વાત ઘર કરી ગયેલી.
ડેટા એનાલિસીસ કરતા કરતા એક દિવસ ગૂંજનને વિચાર આવ્યો કે ભારતીયોની ધાર્મિક સ્થળોના પ્રસાદ પ્રત્યે પ્રચંડ શ્રદ્ધા છે. જો ઘરમાં બેઠા બેઠા ઈન્ટરનેટ પર એક ક્લિક કરો ને કોઈ ધાર્મિક સ્થળનો પ્રસાદ મળી જાય તો થોડા રૂપિયા ચૂકવવામાં શું વાંધો હોય? આ વાતના આધારે ગૂંજને 2012માં એક વેબસાઈટ શરૂ કરી – ઓનલાઈનપ્રસાદ ડોટકોમ (onlineprasad.com). આ બધો શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે એટલે વેબસાઈટની ટેગલાઈન રાખીઃ આસ્થા કી ડોર!
ગૂંજનનો આઈડીયા તો સારો હતો પણ ભંડોળ નહોતું. તેણે પોતાની વાત થોડા મિત્રોને કરી અને સદભાગ્યે ભારતના જાણીતા સ્ટાર્ટ-અપ રોકાણકાર મીના કૃષ્ણન અને ગણેશ કૃષ્ણન ગૂંજનની મદદે આવ્યા. તેમને ગૂંજનની વાતમાં સબળ શક્યતાઓ દેખાઈ અને ઓનલાઈનપ્રસાદ.કોમમાં પોતાના નાણાં રોક્યા.
જ્યારે આ વેબસાઈટ શરૂ થઈ ત્યારે ભારતવર્ષના પાંચ મંદિરો (કેદારનાથ, વૈષ્ણોદેવી, તિરુપતી બાલાજી, જગન્નાથ પુરી અને દ્વારકા)ના પ્રસાદ ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. જેમ જેમ આર્થિક સપોર્ટ વધતો ગયો તેમ ગૂંજનનો વ્યવસાય પણ વધુ ખીલ્યો. પાંચના દસ, દસના પંદર અને લગભગ પચાસેક જેટલા મંદિરના પ્રસાદ તેમની વેબસાઈટ પર ઉપલબ્ધ થવા લાગ્યા. આજે તેમની વેબસાઈટ પર ઉપર દર્શાવેલા પાંચ મંદિરો સિવાય શિરડી સાઈબાબા મંદિર, શનિ શિંગણાપુર મંદિર, મુંબઈ મહાલક્ષ્મી મંદિર, નાથદ્વારા શ્રીનાથજી મંદિર અને કોલકાતાના દક્ષિણેશ્વર કાલી મંદિરના પ્રસાદ વેચાય છે.
પ્રસાદથી શરૂ થયેલી આ યાત્રા આજે બીજા ઘણાં ક્ષેત્રોમાં પ્રવેશી છે. ગૂંજનની આ વેબસાઈટ પરથી ઓનલાઈન પૂજા પણ થાય છે જેમાં ગણેશ પૂજા, સરસ્વતી પૂજા, રૂદ્ર અભિષેક, પાર્થિવ શિવલિંગ પૂજા, શિવ અભિષેક અને નવરાત્રીમાં કન્યા પૂજાનો સમાવેશ થાય છે. બ્રાહ્મણ ભોજમાં હરિદ્વાર, બોધગયા, કાશી વિશ્વનાથ અને રામેશ્વરમના બ્રાહ્મણોને ભોજન પણ કરાવી આપે છે. કન્યાપૂજા કે બ્રાહ્મણ ભોજમાં ગ્રાહકની ઉપસ્થિતીની જરૂર નથી. ઓનલાઈન પૈસા ભરો એટલે ગૂંજનની ટીમ કન્યાઓ અને બ્રાહ્મણોને જમાડીને તેના ફોટા તમને ઈમેઈલ પર મોકલી આપે.
ધર્મની હાટડીમાં ઈનોવેશન ઉમેરાયું છે એટલે ગૂંજને જ્યોતિષવિદ્યા અને ‘જેવોશન’ બ્રાન્ડ હેઠળ ગણેશ રૂદ્રાક્ષ, એકમુખી રુદ્રાક્ષ, શ્રીયંત્ર, ધનપ્રાપ્તિ રુદ્રાક્ષ, માળાઓ, રત્નો, શાલીગ્રામ, પોસ્ટર અને દેવી-દેવતાઓની પ્રતિમાઓનું વેચાણ પણ ઓનલાઈન શરૂ કર્યુ છે.
તહેવારોમાં તેમની ઓફર પણ હોય છે જેમ કે શ્રાદ્ધપક્ષમાં ગંગા કિનારે પૂજા કરાવીને બ્રાહ્મણ ભોજન, જન્માષ્ટમીમાં એક જ ઓર્ડરથી વૃંદાવન, દ્વારકા, પંઢરપુર, ગિરીરાજધરણ મંદિર અને શ્રીનાથજીનો પ્રસાદ એક સાથે મળી જાય, શિવરાત્રીમાં બારેય જ્યોતિર્લિંગનો પ્રસાદ કે પછી ચારધામનો પ્રસાદ એક ઓર્ડરમાં મળે એવી સુવિધા પણ છે.
ઓનલાઈનપ્રસાદ.કોમના કામની નોંધ ટાઈમ્સ ઑફ ઈન્ડીયા, ઈકોનોમિક ટાઈમ્સ, CNBC, દૈનિક જાગરણ અને Entrepreneur મેગેઝીને પણ લીધી છે.
હરિ અનંતા હરિ કથા અનંતા!!
eછાપું