શું કોરોના એ ચાઇનીઝ વાયરસ છે? જીનપિંગ સાથે કાલ્પનિક મુલાકાત

0
288

પંકજ પંડ્યા : સામે ખુરશી પર બેસી જાઓ.

જીનપીંગ : (ખુરશી પર બેસતાં ) અરે આ તે કંઇ રીત છે મહેમાન જોડે વર્તવાની ? કોઈ સ્વાગત નહિ… સીધી વાતચીત..

પંકજ પંડ્યા : એમ જ હોય…

જીનપીંગ : કોઈ ઓડિયન્સ પણ નથી… તમે પણ દૂર બેઠા છો…

પંકજ પંડ્યા : બધી તમારી જ કૃપા છે… નુકશાન વેઠીને આ બધુ કરી રહ્યો છું..

જીનપીંગ : આમાં તમારું શું નુકશાન ?

પંકજ પંડ્યા : દરેક એપિસોડમાં 200-300 શબ્દોનું કન્ટેન્ટ તો મહેમાનના સ્વાગતમાં જ મળી જાય છે પણ આજે એ ટાળવું પડ્યું..

જીનપીંગ : પણ અહી સાવ ઉજ્જડ લાગી રહ્યું છે..

પંકજ પંડ્યા : તમારે જ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન થવું હતું ને ? ભોગવો હવે…

જીનપીંગ : એરંડો પ્રધાન ?  કંઇ સમજાયું નહિ..

પંકજ પંડ્યા : સામે જે ચિત્ર લગાવ્યું છે એ જોઈ લો…. અમારો એરંડો તમારા લાડકા કોરોના જેવો જ દેખાઈ રહ્યો છે..

જીનપીંગ : ઓહ…

પંકજ પંડ્યા : અને સાચું કહું તો મે તમને આમંત્રણ જ નો’તું આપ્યું… તમે કેમ ટપકી પડ્યા ?

જીનપીંગ : મને તો આમંત્રણ મળ્યું છે..

પંકજ પંડ્યા : હોય જ નહીં…

જીનપીંગ : હું જ જીનપીંગ છું…. શી જીનપીંગ

પંકજ પંડ્યા : ઓહ… મે એક જીન પાળ્યો છે… બાટલીમાં પૂરી રાખ્યો છે… ઘણા સમયથી હું એની પ્રત્યે ધ્યાન નહોતો આપતો એટલે એ મને  વારે વારે ping કર્યા કરતો હતો…. એટલે છેવટે એ જીનનું ping કરવાનું અટકે એટલે મેં એને બહાર આવવા આમંત્રણ આપ્યું.. અને આ તો કોઈ બીજો જ જીનping ટપકી પડ્યો…

જીનપીંગ :  હું જ છું શી જીનપીંગ…

પંકજ પંડ્યા : She  જીનપીંગ ? તમે તો He છો…. હીહીહીહીહીહી…. હીહીહીહીહીહી… સારું હવે વિદાય લઈ શકો છો.. આપ કા સમય સમાપ્ત હુઆ..

જીનપીંગ : એમાં કેજરીવાલનો શું વાંક ?

પંકજ પંડ્યા : કેજરીવાલને ક્યાં વચમાં લાવો છો ?

જીનપીંગ : લાવ્યા જ છો..

પંકજ પંડ્યા : તમે એમનું નામ બોલ્યા.. હું તો બોલ્યો જ નથી..

જીનપીંગ : હમણાં તો બોલ્યા.. આપ કા સમય સમાપ્ત હુઆ..

પંકજ પંડ્યા : ઓહ… આપ એટલે તમે…. એ અમારા સંસ્કાર છે કે આટલું માન આપવું પડે છે..

જીનપીંગ : એ તો દેખાઈ રહ્યું છે.. આ મંચ પરથી હું એટલું કહેવા માંગુ છું કે તમે લોકો કોરોના વાઇરસને ચાયનીઝ વાઇરસ કહીને ના બોલાવો..

પંકજ પંડ્યા : અમે એને કોઈ પણ રીતે (અહી) બોલાવવા માંગતા જ નથી.. એ તો તમારી માફક.. બિન બુલાએ મહેમાનની જેમ.. ટપકી પડ્યો છે..

જીનપીંગ : મારો કહેવાનો મતલબ છે કે તમે એને માત્ર કોરોના વાઇરસ જ કહો.. ચાયનીઝ વાઇરસ નહીં… મોદીજી પણ માની ગયા છે..

પંકજ પંડ્યા : એ બની જ ના શકે..

જીનપીંગ : એમણે જ કહ્યું..

પંકજ પંડ્યા : હોય જ નહીં…

જીનપીંગ : એમણે જાતે જ મને કહ્યું..

પંકજ પંડ્યા : એ તો ચાયનીઝમાં ચાય આવે એટલે.. વો ઠહરે.. ચાયવાલે… એટલે મને પણ એ કહેતા હતા કે આને આપણે ચાયનીઝ વાઇરસ ના બદલે કોફીનીઝ વાઇરસ નામ આપો… પણ પછી મે એમને સમજાવ્યું એટલે માની ગયા.. હવે પૂછી જુઓ..

જીનપીંગ : ઓહ.. તમે લોકોએ ચીન માટે ખોટી ધારણાઓ બાંધી રાખી છે.. હકીકતમાં અમારી પ્રજા અતિ સારી છે..

પંકજ પંડ્યા : અતિસારી ? તમને પણ અતિસાર નથી થયાને ? નહીં તો મારે તમારા ગયા પછી સ્ટેજને સેનિટાઈઝ ઉપરાંત બીજી પણ સફાઈ કરાવવી પડશે..

જીનપીંગ : ઓહ… યુ આર રિયલી રબીશ

પંકજ પંડ્યા : હું રબીશ નથી… તમે ઇચ્છો તો એની જોડે પણ તમારી મુલાકાત કરવી આપીશ.. તમને બંનેને એકબીજાની મુલાકાત કરવી ગમશે..

જીનપીંગ : આગળ વધો….

પંકજ પંડ્યા : ખૂબ આગળ વધવું હતું પણ વચ્ચે આ ચાઇનીઝ વાઇરસ આવી ગયો….

જીનપીંગ :તમે એને વારંવાર ચાઇનીઝ વાઇરસ ના કહો..

પંકજ પંડ્યા :  દુનિયા એને માત્ર ચાઇનીઝ વાઇરસ કહીને નથી  અટકી રહી પણ એને આયોજન પૂર્વક દુનિયાભરમાં ફેલાવવા માટે પણ તમને જવાબદાર ગણી રહી છે.

જીનપીંગ : પણ હકીકતમાં એવું કશું છે જ નહીં..

પંકજ પંડ્યા : તો પછી તમારો આ વાઇરસ વુહાન પૂરતો જ કેમ સીમિત રહ્યો બેજિંગ કે ચીનના બીજા કોઈ પણ શહેરમાં ના ફેલાયો અને દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે..

જીનપીંગ : તમારા અમદાવાદમાં જ એવા ઘણા લોકો હશે કે જેમને દિલ્હી, મુંબઈ કે ભારતનું કોઈ મોટું શહેર નહીં જોયું હોય પણ આજે તેઓ અમેરિકા, કેનેડા, ઈટાલી, ફ્રાંસ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા અને બીજા ઘણા દેશોમાં વસવાટ કરી રહ્યા હોય…

પંકજ પંડ્યા : તમારી વાત સાચી છે પણ તમે સંદર્ભ ખોટો આપી રહ્યા છો.. અમારા લોકો વિદેશમાં વસવાટ કરીને જે તે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.. નહિ કે તમારા વાઇરસની માફક મોત…

જીનપીંગ : હવે તમે હદ વટાવી રહ્યા છો..

પંકજ પંડ્યા : હદ તો તમે વટાવી છે.

જીનપીંગ : કઇ રીતે ?

પંકજ પંડ્યા : જેમ બ્રિટિશ સરકારે પોતાના દેશની હદ વટાવીને  એમની કોલોનીયલીઝમ પોલિસી અંતર્ગત અસંખ્ય દેશોમાં હકૂમત સ્થાપી હતી.. એમ આજે ચીન  કોરોનીયલીઝમ પોલિસી અંતર્ગત બ્રિટન કરતાં અનેક ઘણા દેશોમાં પગપેસારો કરી રહ્યું છે..

જીનપીંગ : શું મન ફાવે તેમ બકો છો ?

પંકજ પંડ્યા : આજે આખું વિશ્વ લોકડાઉન હેઠળ છે.. એમ કરીને બધા કોરોના વાઈરસની CHAIN તોડવા માંગે છે.. એ CHAIN CHINAમાં જ સમાયેલ છે… માત્ર A અને N નો સ્થાનફેર કરવાથી.. હવે જોઈએ ચેઇન પહેલાં તૂટે છે કે ચાઈના..

જીનપીંગ : અમે તો યોગ્ય પગલાં લીધાં અને ઝડપભેર ટ્રેક પર આવી રહ્યા છીએ..

પંકજ પંડ્યા :  અહી લોકો એટલા પરેશાન છે કે કોરોનાની સાઇકલ પૂરી ના થાય એટલે એની ચેઇન તોડવા.. હતાશામાં પોતાની સાઈકલો ચેઇન સહિત તોડી રહ્યા છે અને તમને માત્ર ચીનની પડી છે ?

જીનપીંગ : હું જાઉં છુ.. તમારી આવી વાહિયાત વાતોમાં મને જરા પણ રસ નથી…

પંકજ પંડ્યા : Whyરસ નથી ?

જીનપીંગ : હું જવાની વાત કરું છું એમાં ય વાઇરસ લઈ આવ્યા…. disgusting…

પંકજ પંડ્યા : હું તો  “કેમ રસ નથી..” એમ પૂછવા માંગતો હતો… પણ તમે હવામાં એટલા વાઇરસ તરતા મૂકી દીધા છે કે ગમે તે સ્વરૂપે આવી જાય છે..

જીનપીંગ : મહેમાન જોડે વ્યવહાર કરવાની આ રીત નથી..

પંકજ પંડ્યા : એ તો હું પણ જાણું છું.. પુન કી બાત ના મંચ પર આવતા દરેક મહેમાનનું  અહી શાનદાર સ્વાગત કરવામાં આવે છે.. પણ તમને પાણી સિવાય કંઇ નહીં મળે.. કોરો નાસ્તો પણ નહીં..

જીનપીંગ : ઓહ… કોરોના.. કોરોના… કોરોના….. હવે હું એક પળ માટે પણ અહી રોકાવા નથી માંગતો.. હું જાઉં છું…

પંકજ પંડ્યા :  અરે હજુ તો તમારે ઘણા મહાનુભાવોના પ્રશ્નોનાં ઉત્તરો આપવાના છે…

જીનપીંગ : આવવા દો..

પંકજ પંડ્યા : ગુજરાતના એક પ્રખ્યાત લેખક અને પત્રકાર પૂછવા માંગે છે કે વાઇરસ ચીને જ પેદા કર્યો છે તો પછી લોકો એને ચાઇનીઝ વાઇરસ કહે એમાં વાંધો શું છે ?

જીનપીંગ : તમને ચીનથી વાંધો હોય એવું લાગે છે… કોઈ રોગ જોડે દેશનું નામ જોડી દેવાથી એના વ્યાપાર વાણિજયને બિનજરૂરી કેટલું નુકશાન થઈ શકે એનું તમને ભાન છે ?

પંકજ પંડ્યા : તો દુનિયાભરના દેશોને વગર વાંકે કેટલું નુકશાન થઈ રહ્યું છે એનું તમને ભાન નથી ?

જીનપીંગ : ઓહ… તમે મને કોઈ પણ રીતે આરોપીના પિંજરામાં ઊભો રાખવા માંગો છો.. મારે કશું કહેવું નથી..

પંકજ પંડ્યા : મારા બીજા એક મિત્ર કે જેઓ ખૂબ મોજીલા છે… તેઓ પૂછવા માંગે છે કે તમે આ વાઇરસ બનાવ્યો એમાં ટ્રંપ કે  બીજા કોઈએ મદદ કરેલી ?

જીનપીંગ : ના… કોઈએ મદદ નથી કરી..

પંકજ પંડ્યા : એટ્લે કે તમે પોતાના દમ પર જ વાઇરસ બનાવ્યો…

જીનપીંગ : ઓહહ..

પંકજ પંડ્યા : હવે તમે જઇ શકો છો..

જીનપીંગ :  જતાં જતાં કોઈ સંદેશ આપું ?

પંકજ પંડ્યા : અમારે તમારો કોઈ સંદેશ નથી જોઈતો… સંદેશ તો હું તમને આપીશ..

જીનપીંગ : આપો..

પંકજ પંડ્યા : જિંદગી આખી… લોકો પર અત્યાચાર કર્યા હોય… ગમે તેટલી મજા કરી હોય… ભલેને ઠાઠથી જીવ્યા હોઈએ પણ જ્યારે 6×2ની ઠાઠડીમાં જવાનું આવે ત્યારે કશું પણ સાથે નથી આવતું.. બધા ઠાઠ અહી જ રહી જાય છે.. અને હા… હું સૌ દેશવાસીઓને પણ એક સંદેશ આપવા માંગીશ કે… ઘરેથી જ પ્રાર્થના કરો….. घर पे ही ईबादत करें…. pray at home only… Or else corona is ready for a mass prey

જીનપીંગ : ઓકે.. થેંક્સ..  બાય..

પંકજ પંડ્યા : બાય.. બાય..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here