લોકડાઉન પત્યા પછીની હાસ્યકથા – અભી ખુશી, અભી ગમ

0
377

21 દિવસનું લોકડાઉન પૂર્ણ થયા બાદ આજે પહેલી વખત ઓફિસે જવાનો ઉત્સાહ હતો…  ટાઈ વ્યવસ્થિત કરી કોટ ચઢાવી હું બુટ પહેરવાની તૈયારી કરતો હતો ને શ્રીમતિનું ટિફિન લઈને આગમન થયું..

“ઑ હો..હો… ઓફિસ જવાનો આટલો બધો હરખ છે… ત્રણ અઠવાડીયા અહી ઘરમાં પડ્યા રહેવું પડ્યું એ નર્ક જેવુ લાગ્યું હશે…”

“ના.. ના… એવું કઈ જ નથી… ” હું વદ્યો.. [” આમ તો એવું જ છે.. પણ આને કઈ રીતે ખબર પડી ગઈ ?” સ્વગત]

“તો પછી આ ચડ્ડા ઉપર જ શર્ટ પહેરીને ટાઈ અને કોટ કેમ ઠઠાડયા છે ? ”

“એમાં એવું છે.. કે.. આજે ઘણા સમય પછી ઓફિસ જઇ  રહ્યો છુ.. આટલા લાંબા વેકેશનની પ્રેક્ટિસ નથી એટલે થોડો નર્વસ છુ..”

“ઠીક છે.. ઠીક છે.. ઉપડો હવે..”

કોરોના વાયરસથી મુક્ત થયો હોઉ એટલી ખુશીથી ઝૂમતો ઝૂમતો હું ઓફિસના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો.. દ્વાર પાસે જ સેનિટાઇઝીંગ બૂથ બનાવેલું હતું… એમાંથી પસાર થઈએ એટ્લે વિષાણુ મુક્ત થઈ જવાય… મેં એમાં મારા ચરણો મૂક્યા અને સુગંધ મિશ્રિત સેનિટાઇઝરથી મન એટલું પ્રફૂલ્લિત થઈ ગયું કે હું બે હાથ પહોળા કરીને ચકરડીઓ લેવા માંડ્યો.. હું સુગંધિત દ્રાવણનું વર્ષાસ્નાન મન ભરીને માણી રહ્યો હતો ત્યાં જેમ મેનકાએ વિશ્વામિત્રનું તપોભંગ કરેલું લગભગ એ જ તર્જ ઉપર મારી પાછળ થઈ રહેલ કોલાહલે મારૂ સ્નાનભંગ કર્યું..

“સર, આ સેનિટાઇઝીંગ બૂથ છે સેનિટાઇઝીંગ બાથ નહીં.. હવે તમે નીકળો તો અમે પણ લાભ લઈએ”

ના છૂટકે મારે આહ્લાદક સ્નાનના અનુભવનો પરિત્યાગ કરવો પડ્યો.. એ પછી મે રિસેપ્શન કાઉન્ટર તરફ ડગ માંડ્યા.. કોરોના સામેના જંગમાં જીતીને આવેલા વિરલાઓનું રિસેપ્શનિસ્ટ પુષ્પા સુગંધિત પુષ્પ ગુચ્છ આપીને સસ્મિત સ્વાગત કરી રહી હતી… મે તો પુષ્પગુચ્છ ગ્રહણ કરીને મારી કેબિન તરફ પ્રયાણ કર્યું પણ હજુ ઘણા સ્ટાફમિત્રો રિસેપ્શનિસ્ટ પુષ્પાની આસપાસ ગુચ્છો થઈને મંડરાયેલા હતા.

ત્રણ અઠવાડીયાના અંતરાલ પછી કાર્યસ્થળે આવેલા આટલા બધા સકારાત્મક બદલાવથી મન પ્રફુલ્લિત થઈ ગયું.. કેબિનમાં મારા સિંહાસનસમી  ખુરશીમાં સ્થાન ગ્રહણ કરી મે એવા કરીને પ્રાધાન્ય આપ્યું જે ઘરેથી બેસીને શક્ય નહોતું બન્યું..

એકાદ કલાકમાં એમ.ડી,ની આસિસ્ટન્ટનો ફોન આવી ગયો… એમ.ડી.એ મેઇન કોન્ફરન્સ રૂમમાં બાર વાગ્યે મિટિંગ બોલાવેલી અને બધાનું હાજર રહેવું ફરજિયાત હતું. મે વિચાર્યું કે હવે પ્રેશર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો લાગે છે.. અને એમાં ય આટલા દિવસનો સ્ટોક… વિસ્ફોટક હશે…

બરાબર બારના ટકોરે મિટિંગ શરૂ થઈ.. એમ ડી સાહેબ બહુ મૂડમાં લાગતાં હતા.. મને સારું એવું ફૂટેજ મળ્યું… મારો કામ પ્રત્યેનો પોઝીટીવ અભિગમ, ક્લાયેંટસ અને સહકર્મચારીઓ જોડેનો પોઝીટીવ વ્યવહાર, કંપનીના કોઈ પણ કામમાં પોઝીટીવ એપ્રોચ  અને લોક ડાઉન દરમ્યાન પણ મારી કામ પ્રત્યેનું પોઝીટીવ વલણ… જે પોઝીટીવ શબ્દ સાંભળીને 21 દિવસ  સુધી ટેન્શન લીધેલું એ જ શબ્દનો સહારો લઈને મારા પર વખાણના એટલા તીર છોડયા એના પરથી ખાતરી પૂર્વક કહી શકું કે એમના તરકશમાં બીજાઓ માટે એક પણ તીર બચ્યું નહીં હોય.. ગાળો સાંભળવાની અપેક્ષા હતી ત્યાં ગાળી ગાળીને મારૂ અભિવાદન થઈ રહ્યું હતું એ બાબત મારા માટે સ્વપ્નસમાન હતી..

મિટિંગમાંથી બહાર નીકળ્યા પછી પોઝિટિવ રિપોર્ટના આધારે બધા મારાથી દસ મીટરનું અંતર જાળવવા લાગ્યા… મને બધાની આંખોમાં મને શ્વાન સમાન સન્માન થકી હૈડ હૈડના અઘોષિત ઉચ્ચારણો સંભળાઈ રહ્યા હતા… આજે મને ” હૈડ ઓફ ધ ડિપાર્ટમેંટ” હોવાની લાગણી થઈ રહી હતી…

ચાર વાગ્યે ઓફિસનો પટાવાળો મારા માટે કોફીનો મગ લઈને ઉપસ્થિત થયો… એણે જિંદગીમાં પહેલીવાર પોઝિટિવ શબ્દ છેલ્લા દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે સાંભળ્યો હતો અને આજે મારા માટે એ જ શબ્દનું એમ ડી  દ્વારા વારંવાર ઉચ્ચારણ અને ત્યારબાદ સ્ટાફમિત્રોનું મારા પ્રત્યેનું વલણ જોઈને એ બિચારો એમ જ સમજી બેઠેલો કે હું કોરોનાગ્રસ્ત છુ.. એટલે એ કોફીનો મગ મારા ટેબલ પર પ્રસ્થાપિત કરવા માટે વર્કશોપમાં કામમાં આવતો દોઢ મિત્ર લાંબો સાણસો લઈને આવ્યો હતો… એ કોફીનો મગ મારા ટેબલ પર મૂકવા ગયો અને એણે સાણસા (ફોર્ક) નો  સાણસો (કંટ્રોલ) ગુમાવતાં મારા હાથ પર ગરમા ગરમ કોફી પડી અને હું જોરથી ચીસ પાડી ઊઠ્યો..

મારી ચીસના પ્રત્યુત્તરરૂપે મને એવો ચિર પરિચિત આવાજ સંભળાયો જે  લોક ડાઉન દરમ્યાનના દિવસોમાં મને કંટ્રોલ કરી રહ્યો હતો…

“આ શું ત્યારના ઊંઘમાં બબડ્યા કરો છો.. આજથી ઓફિસ ચાલુ થઈ ગઈ હોત તો સારું હતું.. આ બીજા ઓગણીસ દિવસ તમને આખો દિવસ વેંઢારવાના.. ગરમ પાણીનું આખું ડબલું ઢોળ્યુ તો ય છે કોઈ અસર ”

અને વેકેશન – 2 ના પ્રારંભની ખુશી મનાવવી કે એને કરમની કઠણાઇ મનાવવી એ અંગે વિમસણમાં  અભી ખુશી, અભી ગમનાં ગોથાંની ગાથા ગાતાં ગાતાં  મેં  બાથરૂમ તરફ દોટ મૂકી…

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here