MAKE IN INDIA: માલવહનની સિકલ ફેરવી નાખશે WAG 12 લોકોમોટીવ

0
323
Photo Courtesy: swarajyamag.com

ભારતમાં જ નિર્મિત એવા નવા શક્તિશાળી WAG 12 લોકોમોટીવ દ્વારા આવનારા વર્ષોમાં ભારતમાં માલવહનની સમગ્ર સિસ્ટમમાં આમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે.

Photo Courtesy: swarajyamag.com

નવી દિલ્હી: ભારતીય રેલવેએ દેશનું અત્યારસુધીનું સહુથી શક્તિશાળી લોકોમોટીવ WAG 12 ને સેવામાં પ્રવૃત્ત કર્યું છે. ગઈકાલે ભારતીય રેલવેએ 118 ગૂડ્સ વેગનને આ WAG 12 સાથે જોડીને ઉત્તર પ્રદેશના દીન દયાલ ઉપાધ્યાય જંક્શનથી ઝારખંડના બરવાડીહ સુધીની સફર શરુ કરાવી હતી.

રેલવેનું WAG 12 સંપૂર્ણપણે MAKE IN INDIA કાર્યક્રમ અંતર્ગત બનાવવામાં આવ્યું છે અને હવે ભારત આ પ્રકારે હાઈ હોર્સપાવર ધરાવતું એન્જીન ઉત્પાદિત કરનારું વિશ્વનું 6ઠ્ઠું રાષ્ટ્ર બની ગયું છે. આ ઉપરાંત બ્રોડગેજ લાઈન પર આટલું શક્તિશાળી એન્જીન ચલાવનાર ભારત પ્રથમ રાષ્ટ્ર બની ગયું છે.

WAG 12ને બિહારના મધેપુરા ઇલેક્ટ્રિક લોકો ફેક્ટરીમાં ઉત્પાદિત કરવામાં આવ્યું છે જેની ક્ષમતા દર વર્ષે 120 લોકોમોટીવ ઉત્પાદિત કરવાની છે. WAG 12 માં 12,000 હોર્સપાવરની ક્ષમતા છે અને તે એક સાથે 6,000 ટન જેટલું વજન 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વહન કરી શકે છે.

આ નવનિર્મિત લોકોમોટીવ GPS ટ્રેકિંગ સિસ્ટમ સાથે જોડાયેલું છે અને તેના ડ્રાઈવરની કેબીન બંને તરફ વાતાનુકુલિત છે. આ લોકોમોટીવ ભારતીય રેલવેના હાલના ટ્રેક્સ ઉપરાંત આવનારા સમયમાં જે ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર બનવાનો છે તેના ખાસ પ્રકારના ટ્રેક પર પણ દોડી શકશે.

WAG 12 પોતાની સફર દરમ્યાન મોટા પ્રમાણમાં ઉર્જાની બચત પણ કરશે. એક અંદાજ અનુસાર મધેપુરા ઇલેક્ટ્રિક લોકો ફેક્ટરી આવનારા 11 વર્ષના સમયમાં સીધી અને આડકતરી રીતે 10,000 નવી રોજગારી ઉભી કરશે.

WAG 12નો ઉપયોગ જ્યારે ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરમાં કરવામાં આવશે ત્યારે ભારતની માલવહનની સમગ્ર સિસ્ટમમાં આમૂલ પરિવર્તન આવશે તેમજ ભારતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલવહન કરવું સરળ અને ઝડપી બનશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here