અહેમદ પટેલ: કોરોના ફેલાયેલો છે એટલે નહીં આવી શકાય, મને માફ કરશો!

0
501
Photo Courtesy: indianexpress.com

સાંડેસરા કૌભાંડના મામલે ED દ્વારા પૂછપરછના સમન્સના જવાબમાં વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન અહેમદ પટેલે કોરોનાને કારણ ગણાવીને પોતે હાજર નહીં થઇ શકે તેવું કારણ આપ્યું છે.

Photo Courtesy: indianexpress.com

નવી દિલ્હી: લગભગ 14,000 કરોડથી પણ વધુ એવા સાંડેસરા કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન એહમદ પટેલને પૂછપરછ માટે સમન્સ મોકલાવવામાં આવ્યું હતું. જેના જવાબમાં હાજર થવાના એક દિવસ અગાઉ અહેમદ પટેલે EDને જવાબ આપતા પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં કોરોનાની મહામારી ફેલાઈ છે અને તેમની ઉંમર 65 વર્ષથી વધુ હોવાથી હાલપૂરતા તેમને હાજર થવાથી માફ કરવામાં આવે.

પટેલે EDને જણાવ્યું હતું કે સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન્સ અનુસાર તેમની ઉંમરના લોકોએ કોરોનાના ચેપથી સહુથી વધુ અસર પામે તેવી શક્યતા હોવાથી તેમણે ચેપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ. જો કે EDએ વળતા જવાબમાં અહેમદ પટેલને પૂછપરછ માટે નવી તારીખો આપી હતી અને જણાવ્યું હતું કે EDના ઓફિસર્સ અહેમદ પટેલના ઘરે આવીને તેમની પૂછપરછ કરશે.

આ દરમ્યાન EDએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દીકીએ પૂછપરછ દરમ્યાન સ્વીકાર્યું છે કે પોતે સ્ટર્લીંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાના નાના ભાઈ ચેતન સાંડેસરાને ઓળખે છે.

સાંડેસરા કૌભાંડમાં EDને અહેમદ પટેલનું નામ એક સાક્ષીએ ગયા વર્ષે આપ્યું હતું જેણે અહેમદ પટેલની સાથે તેમના પુત્ર ફૈસલ અને જમાઈ ઈરફાન સિદ્દીકીની કહેવાતી સંડોવણી અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં EDએ ફૈસલ પટેલને સ્ટર્લીંગ બાયોટેક મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા હતા.

ગયા વર્ષે જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે રૂ. 400 કરોડના હવાલા કૌભાંડ મામલે સમન્સ પાઠવ્યા હતા ત્યારે પણ અહેમદ પટેલે શ્વાસ લેવામાં તકલીફ હોવાનું કારણ આપીને પોતે હાજર રહેવા માટે અક્ષમ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અહેમદ પટેલને ફરીદાબાદમાં આવેલી મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એ સમયે અહેમદ પટેલને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી તરીકે ઇન્કમ ટેક્સ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here