કંકોત્રીમાં આમંત્રણ એક વ્યક્તિનું અને Canada PM સહકુટુંબ પહોંચી ગયા

1
181
Photo Courtesy: theshillongtimes.com

Canada નાં વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો હાલમાં અમદાવાદ આવ્યા હતા, પણ જાણે નેપાળનાં કોઈ રાજનેતા અમદાવાદ આવ્યા હોય એ રીતે એમની ‘ભવ્ય’ આગતાસ્વાગતા થઇ હતી. અમદાવાદમાં મોટાભાગના લોકોને તો ખબર પણ ન હતી કે કોઈ મોટા દેશના વડાપ્રધાન આપણા અમદાવાદમાં આમ સાવ એકલા એકલા ફરી રહ્યા છે. કદાચ Canada ના આ દેખાવડા વડાપ્રધાન તમારી બાજુમાં ઉભા રહીને પાણીપુરી ખાઈને જતા રહે તો પણ તમને ખબર ના પડે એવી સાદગીથી એ અમદાવાદમાં ફર્યા હતા. પણ આવું બન્યું કેમ? Canada જેવા સુપરપાવર ટાઈપ દેશના વડાપ્રધાનને અમદાવાદમાં કોઈ મહત્વ જ કેમ આપવામાં ન આવ્યું?

Photo Courtesy: theshillongtimes.com

અમદાવાદમાં Canada ના વડાપ્રધાનનું સ્વાગત એ રીતે થયું હતું જાણેકે એમને આપવામાં આવેલ  આમંત્રણ પત્રિકામાં એક વ્યક્તિ સામે ટિક માર્યું હતું અને તેઓ સહકુટુંબ પધારી ગયા હોય. કદાચ એવું પણ હોય કે જાપાન જોડેથી ટ્રેન લેવાની હતી, ઇઝરાયલ જોડેથી સમુદ્રનું પાણી મીઠું કરતું મશિન લેવાનું હતું પણ કેનેડા જોડેથી એવું કશું લેવાનું ન હતું એટલે એમના પર ઓછું ધ્યાન અપાયું હોય.  Canada PM જોડે “ગીફ્ટ લાવો તો Welcome, ન લાવો તો ભીડકમ” જેવી વર્તણુક કરવામાં આવી હતી. આસપાસ સરકારી અધિકારીઓ સિવાય એમની સાથે કોઈ દેખાયું ન હતું.

Canada વડાપ્રધાન બિચારા ગઈ દિવાળી વખતનો સિવડાવેલો ઝભ્ભો લેંઘો પહેરીને પણ ફર્યા હતા. એ જ ડ્રેસમાં એ ગાંધી આશ્રમ પણ જઈ આવ્યા તોય કોઈ મોટો રોડ શો નહીં, રસ્તા બંધ નહીં, આગતા સ્વાગતામાં આપણા દેશના વડાપ્રધાન નહીં, પણ મુખ્યમંત્રી પણ નહીં, જાણે કે કેનેડાથી જસ્ટિન ટ્રૂડો નહીં પરંતુ કપૂરથલાથી જસવિંદર તલવાર આયા હોય.

થોડું-ઘણું મીડિયા એટેન્શન એમના છોકરાને મળ્યું પણ એણે પીળો ઝભ્ભો પહેરેલો હોવાથી એના પર કેટલી બધી મસીઓ ચોંટી ગઈ હશે એવું વિચારીને આ લેખકને અત્યારે ત્રીસ ડિગ્રીમાં પણ ધ્રુજારી છૂટી જાય છે. એક તરફ તૈમુરને પણ ડર છે કે જો કેનેડાના વડાપ્રધાનનો નાનો દીકરો આટલો ક્યુટ છે એવું મીડિયાની નજરે પડશે તો એનું TRP ઘટી જશે.

સૌથી આઘાતજનક બાબત તો એ બની કે કેનેડાના વડાપ્રધાન અમદાવાદમાં હોવા છતાં કોઇપણ જગ્યાએ રોડ રી-સર્ફેસ પણ કરવામાં ન આવ્યા. કદાચ એ જોઇને જ અમદાવાદી પ્રજાને ખ્યાલ નથી આવ્યો કે આપણા શહેરમાં કેનેડાના વડાપ્રધાન આવ્યા છે.

અજ્ઞાનગંગા:

કોઈ સ્વેગ સે કરેગે સબ કા સ્વાગત ગીત વગાડતું હોય એટલે તમારું સારું જ સ્વાગત કરે એવું જરૂરી નથી .

eછાપું

તમને ગમશે: વિરુષ્કા એ જ્યારે અમુક લોકોના દંભનો પર્દાફાશ કર્યો

1 COMMENT

  1. I am not unable to copy-paste my Gujarati comments here so from now NO comments from me on this site.
    Due to my poor English.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here