વેકેશન એટલેકે નાનપણમાં દરેક બાળકને મળતો ખુશીઓનો લખલૂટ ખજાનો

0
265
Photo Courtesy: zeenews.india.com

બાળપણ..એક એવો સમય છે વ્યક્તિનો કે ત્યારના કોઈને કોઈ સંસ્મરણો આજે  પણ આપણા ચેહરા પર સ્મિત લાવી દેતા હોય છે. એવી વાતો કે જે આપણે અત્યારે વિચારીએ તો આપણે તદન મુર્ખ લાગીએ..જેમકે પેન્સિલના છોલમાંથી રબ્બર બને!, ગોરસઆંબલીના બીયા આખા ફોલીને પાણીમાં રાખવાથી તે રૂપીયો બને, નોટબૂકના પાનામાં વિદ્યા (એક છોડ આવતો જેને વિદ્યાનો છોડ કહેવામાં આવતું) રાખવાથી વિદ્યા વધે, પાટીમાં થૂક લગાવવાથી પરીક્ષામાં નાપાસ થવાય વગેરે વગેરે વગેરે. આવીતો અનેક વાતો અને યાદો છે, પણ સૌથી વધારે મજા આવે એવી યાદ હોય તો એ છે વેકેશન!

Photo Courtesy: zeenews.india.com

કેમ?યાદ આવી ગયુંને આપણું પ્યારું વેકેશન? સાચું કહેજો પરીક્ષાઓ પૂરી થવામાં હોય અને “હવે તો વેકેશન પડશે હો!!” એ વિચાર જ કેટલો આનંદદાયક હતો? આટલો આનંદ તો આજે કોઈ વિદેશની ટુર પર જતા પહેલા પણ નથી આવતો અને એમાં પણ આપણું સૌનું માનીતું વેકેશનનું સ્થળ એટલે મામાનું ઘર!

હા..મામાનું ઘર. “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે!” ત્યારે તો વેકેશનનો પર્યાય એટલે મામાનું ઘર જ થતું. એમાં આપણા કરતા તો આપણી મમ્મીને વધારે ઇન્તેઝાર હોય વેકેશનનો, બરોબરને? ત્યારની આપણી મમ્મી, માશી, ફુઇ, બેન વગેરે દરેકની વાત માં એક વાત સામાન્ય હોય.. આ વેકેશનમાં આવજોને, ના અત્યારે ના નીકળાય આ વેકેશનમાં પાક્કું આવીશ, આ વેકેશનમાં તો બે-ત્રણ મહિના રોકાવું છે! અરે..લગ્ન જેવા પ્રસંગ પણ વેકેશનમાં રાખવામાં આવતા જેથી કરીને દરેક વ્યક્તિ તેમાં ઉપસ્થિત રહી શકે અને સાચું કહું તો આપણા સૌના પપ્પાને પણ ક્યાંક ને ક્યાંક વેકેશનનો ઇન્તેઝાર રહેતો જેથી એમને પણ એટલા દિવસ આઝાદી મળી શકે! અને હા આપણા શિક્ષકોને પણ વેકેશનની રાહ રહેતી જેથી આપણા જેવા તોફાની વિદ્યાર્થીઓથી છુટકારો મળે અને મન ફ્રેશ થઇ જાય. (જોકે આમ પણ સૌથી વધુ વેકેશનનો ફાયદો એમને જ થાય છે ને આટલી લાંબી રજા તો મળે)

આતો થઈ બીજા બધાની વાત. હવે આપણે આપણી વાત કરીએ. હા તો પેહલાતો પેપર પુરા થવાના બે-ત્રણ દિવસ અગાઉથી જ આપણે વેકેશન નામના સ્થળમાં મહાલવા માટે સ્વપ્નમાં ખોવાઈ જતા અને જયારે છેલ્લું પેપર હોય અને એ પેપર પૂરું થયા પછી બહાર આવીને જે આનંદ થાય..!અહા! જાણેકે ચૌદ વર્ષનો આજીવન કારાવાસ ભોગવીને બહાર ન નીકળ્યા હોઇએ? પછી આપણા ભાઈ-બહેન સંગાથે જવાનું મામાના ઘરે.

ત્યાં આપણી ભાણેજ તરીકેની જે આગતા-સ્વાગતા થાય તેનાથી તો જાણે આપણે એકાએક કૈક મહાન કાર્ય કરીને આવ્યા હોઇએ એવું લાગે. પછી મામાના ઘરની બહાર બીજા લોકો દ્વારા જે બીજું વધારાનું એટેન્શન મળે એતો બોનસમાં અને ત્યાં ખબર નહીં પણ કેમ? મામાના છોકરાઓ કરતા આપણને વધારે એટેન્શન મળે. જે વાત માટે આપણી ઘરે ધોલાઈય થતી હોય તે બાબત માટે આપણને ત્યાં સહાનુભુતિ મળે. જેમ કે, કૈક વસ્તુ તોડી નાખી, કોઈકને ટપલા માર્યા, કૈક જીદ કરી વગેરે. મામાના ઘરે આપણો પક્ષ લેનારા ઘણા બધા હોય (કદાચ આપણને મામાનું ઘર એટલે જ ગમતું).

પછી ભાઈ-બહેન સાથે રખડવાની મોજ હોય, અંતાક્ષરીમાં એકને એક ગીત ફરીથી આડું-અવળું કરીને જીતવાનો આનંદ હોય, બાજુના ઘરના આંગણામાંથી કેરી ચોરીને ખાવાની મજા હોય, ક્રિકેટમાં ચિટીંગ કરવાની મજા હોય, આપણો પ્રિય ટીવી પ્રોગ્રામ વેકેશનમાં બધાની સાથે જોવાની મજા હોય, બધાની સાથે સાયકલ શીખવાની અને ચલાવવાની મજા, મામા દ્વારા લાવેલા નાસ્તા ખાવાની મજા, ચાર ચિઠ્ઠી રમવાની મજા ,શક્તિમાનના કપડા પેહરીને ગોળ-ગોળ ફરવાની મજા અને સંતાકડીની રમતમાં આંખમાંથી જોઇ ને પકડવાની મજા, નવા નવા આવેલા લેન્ડલાઈન ફોનમાંથી રોંગ પર ફોન કરવાની મજા, આપણા ભાઈ-બહેનને હેરાન કરવાની પછી એને મનાવાની મજા…અને સૌથી વધુ મામાના ઘરમાં મમ્મીને અને બીજા બધાને એકદમ ખુશ જોવાની મજા. ટૂંકમાં વેકેશન એટલે મજા મજા મજા.

અને વેકેશન પૂરું થવાનું હોય અને ઘરે જવાનું થાય ત્યારે ફરીથી જાણે પેલી ચૌદ વર્ષની કારાવાસની સજા થઈ હોય એવી લાગણી અને છેલ્લે જયારે પાછા ઘરે આવતા હોઈએને ત્યારે જાણે કૈક રહી ગયું છે એવી ભાવના અને સાવ જ છેલ્લે ફરીથી આવતા વર્ષે વેકેશનમાં મામાના ઘરે આવાનું નિમંત્રણ…

અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે એટલે સ્વાભાવિક પણે વેકશન યાદ આવી જાય તો મને પણ મારું વેકેશન યાદ આવી ગયું. આ વાંચીને તમને પણ તમારું વેકેશન જરૂરથી યાદ આવી ગયું હશે.      મારા માટે તો વેકેશન એટલે મામાનું ઘર જ હતું, તમારા માટે વેકેશન એટલે શું હતું?? જવાબ જરૂર આપજો..COMMENT માં.. અને હા હેપ્પી વેકેશન…

eછાપું

તમને ગમશે: ICC એ જાહેર કરેલી નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગ શું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here