ચાલો આજે જ આપણે આપણા જીવનને કહીએ, ચાલ જીવી લઈએ!

  0
  426

  જીવનને જીવવાની કળા પર તો હજારો ભાષણો થઇ ચૂક્યા છે, પરંતુ શું જીવન જીવવા આપણે જાતને સવાલ કરવાની જરૂર નથી લાગતી?

  આજ વાત કરવી છે જીવવાની. આમ તો આપણે બધા જીવી જ રહ્યા છીએ પણ ખરા અર્થમાં જીવવું એટલે શું? આજે હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી મુવી ‘ચાલ જીવી લઈએ’ જોઈ, ત્યારે જીવનને પૂછવા લાયક આ પ્રશ્ન ફરી વખત મનમાં ઘુમરાયા કરે છે કે, ખરેખર આપણે સાચા અર્થમાં જીવીએ છીએ? આપણે આપણા પોતાના માટે કેટલો સમય આપીએ છીએ? ક્યાંક કોઈક પડાવ પર એવું નથી લાગતું કે આપણે ફક્ત આપણો ભાર વેંઢારીએ છીએ?

  Photo Courtesy: medium.com

  કેટલા લોકો છાતી ઠોકીને કહી શકે કે ‘હા મોજ હા’? મજામાં, જલસા કરીએ છે ને આવા બધા શબ્દો ખરેખર તો ફક્ત શબ્દ બનીને રહી જતા હોય છે. આ જીવનને જીવવાની કળા એ ખરેખર કોઈ પુસ્તકમાંથી નથી શીખી શકાતું. એના માટે ખરેખર જીવવું પડે ભાઈ. ‘આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય’ તે વાત જેટલી સત્ય છે તેટલી જ એ વાત સત્ય છે કે ખરું જીવવા માટે દરેકે દરેક ક્ષણમાં જીવંતતા જરૂરી છે. અહી મોટીવેશનલ લેક્ચર્સ કે સ્પીકર્સ આપણી મદદ નથી કરી શકતા પરંતુ  HELP YOURSELF વાળો નિયમ જ લાગુ પડે.

  આપણે નાની નાની વાતમાં બીજા લોકો ઉપર આધારિત હોઈએ છીએ. બહાર આઈસ્ક્રીમ ખાવા જવું છે તો કોઈક કંપની જોઈએ, મુવી જોવા જવું છે તો કોઈક કંપની જોઈએ, શોપિંગ કરવા જવું છે તો કોઈક કંપની જોઈએ. આપણે ક્યારેય આપણી જાતને સમય જ નથી આપતા અથવા તો એમ કહી શકાય કે આપણે નાની નાની ખુશીઓ માટે પણ બીજાઓ ઉપર આધારિત હોઈએ છીએ. આપણે ક્યારેય MY TIME આપતા જ નથી આપણને.

  હવે જ્યારે આપણે એ સત્ય સમજી ગયા છીએ કે કોઈના એ જીવનનો ભરોસો નથી, ગમે ત્યારે ગમે તે થઇ શકે છે, તો પછી કેમ આપણે ‘એ’ સમય ની રાહ જોવી છે કે જ્યારે ગમગીન થઈને ડોક્ટર આપણને અથવા આપણા કુટુંબીજનને કહે કે ‘સોરી, હવે ફલાણા ભાઈ/બહેન પાસે હવે વધુ સમય નથી’ અથવા તો એકદમ જ કોઈ એક્સિડન્ટમાં આપણે હતા ના હતા થઇ જઈએ, અથવા તો કોઈ રાત્રે અચાનક હાર્ટ એટેક આવે અને ૩૦ સેકન્ડમાં પ્રાણ પંખેરું ઉડી જાય. અથવા કોઈ હોસ્પિટલનાં બિછાને સુતાસુતા….

  જીવનની સમી સાંજે જોવી હતી મારે જખમોની યાદી,
  બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

  જેવું કૈક ગણગણવું પડે.

  લાગતું વળગતું: ખુશવંત સિંઘ દ્વારા આપવામાં આવેલા ખુશ થવાના નવ નુસ્ખાઓ

  તો દેવીઓ ઔર સજ્જનો, અપની કુર્સી કી પેટી બાંધ લીજીયે ઔર હો જાઈએ તૈયાર, રોલર કોસ્ટર રાઈડ કે લીએ. જી હા, જીવનને માણવું એટલે રોલર કોસ્ટર રાઈડ જેવું જ ને? તમારી જે ઉમર હોય, તમે સ્ત્રી હોય, પુરુષ હોય કે LGBT. તમે શારીરિકરીતે ફીટ હોવ કે કોઈ બીમારીઓથી ઘેરાયેલા. આજ થી જ શરુ કરી દો જીવનને જીવવાનું. જીવનને માણવાનું, પોતાના માટે સમય આપવાનું, પોતાને ગમતા કાર્ય કરવાનું, બની શકે તો થોડી ઘણી ચેરીટી કરવાનું.

  જો તમે આજ સુધી હંમેશા દુનિયા માટે, પોતાનાઓ માટે જીવ્યા છો તો હવે પોતાની જાત માટે પણ જીવો. પોતાની જાત માટે અને જાત પાછળ શક્તિ અનુસાર ખર્ચ કરો. તમારા અધૂરા સપનાઓ જાતે જ પુરા કરો. તમારી અધુરી ઈચ્છાઓ જે દબાવી રાખી છે વર્ષોથી, સમાજના ડર થી અથવા તો સંકોચથી એને પૂરી કરો. કારણ કે, જ્યારે તમે નહિ હોય ત્યારે આ એ જ સમાજ હશે જે કહેશે કે ‘ બિચારા મરી મરી ને જીવ્યા, COME ON GUYS AND GALS  GROW UP, GET A LIFE.

  જીવનને મજ્જાની લાઈફમાં કન્વર્ટ કરી દો, ખરેખર મજ્જા આવશે. ક્યારેક એકલા મુવી જોવા જાવ, આઈસ્ક્રિમ ખાવા જાવ અથવા તો ક્યાંક ફરવા જશો ત્યારે પોતાની જાતને મળ્યાની ખુશી મળશે. પોતાના માટે અને પોતાનાઓ માટે સમય કાઢો, મિત્રો સાથે પાગલની જેમ હસો, પોતાની જાત ને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો, હરો-ફરો ત્યારે ખરેખર એમ લાગશે કે ‘હા મોજ હા’.

  આપણે તો શરમમાં ને શરમમાં અથવા તો ‘સોફેસ્ટીકેટેડ’ બનવાની લ્હાયમાં ‘પુ’ અથવા ‘પાદ’ ઉપર હસવાનું કે એના જોક બનાવવાના એ બંધ કરી દીધા છે. ક્યારેક બાળક બનીને નાની નાની વાત ઉપર laughing on the floor કરી જુઓ ત્યારે ખબર પડશે કે આપણી અંદર હજુયે એક તોફાની બાળક વસી રહ્યું છે. એ બાળકને ક્યારેક બહાર આવવાનો મોકો આપો. એ બધું જ કરો જે જીવનના કોઈક વળાંકે કોઈક કારણોસર છોડ્યું હતું.

  બધું જ હોવા છતાં આપણે અભાવો વચ્ચે આપણા જીવનને જીવીએ છીએ. એ અભાવો આપના સ્વભાવમાં આવી ગયા છે. પણ ખરેખર તો હવે આ સદીને જીવંતતાનો અભાવ છે જે આપણે દુર કરવો જ પડશે. આપણને  પારકી પંચાત (FACEBOOK) માટે સમય છે તો એવા સમયનો સદુપયોગ કરવો જ રહ્યો.

  તો આજ થી જ શરુ કરો જીવનને જીવવાનું, જીવનની દરેક ક્ષણમાં જીવંતતા લાવવાનું. પછી જુઓ લાઈફ કેવી ‘મજ્જાની લાઈફ’ બની જાય છે.

  નોંધ : ‘ચાલ જીવી લઇએ’ મુવી એક વાર ખરેખર જોવા જેવી. બની શકે તો કુટુંબ સાથે જોવા જજો.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: શું તમારામાં અબજોપતિ થવાની આ 10 વિશેષ આદતો છે?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here