બોલ ટેમ્પરિંગ – ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચોરીની સજા ફાંસી નથી તેનું ધ્યાન રાખે

0
192
Photo Courtesy: foxsports.com.au

ક્રિકેટની રમત એકતરફી રમત છે એમ કહીએ તો ખોટું નથી. આજના જમાનામાં દર્શકોને ચોગ્ગા છગ્ગા પડતા જોવા વધુ ગમે છે નહીં કે બેટ્સમેનને બોલરો તકલીફમાં મુકે એ જોવાનું. અંગત મત અનુસાર બોલ ટેમ્પરિંગ જો કાયદેસર બનાવી દેવામાં આવે તો ક્રિકેટની રમતમાં બેલેન્સ આપોઆપ આવી શકે છે. પરંતુ આ મતની તરફેણ અને વિરોધમાં અલગ અલગ મત પણ ઉપસ્થિત છે જ અને તેની ઉપેક્ષા પણ કરી શકાય એમ નથી.

Photo Courtesy: foxsports.com.au

જેમ આગળ જણાવ્યું તેમ ક્રિકેટ એ સંપૂર્ણ બેટ્સમેન તરફી રમત બની ગઈ છે. બહુ વર્ષ પસાર નથી થયા જ્યારે 50 ઓવરમાં 300 રન કરવા પણ અઘરા બની જતા. ટેસ્ટ મેચમાં એક રાહત રહેતી કે અહીં બોલરોને પણ ન્યાય આપવામાં આવે છે, પરંતુ પર્થ, જમૈકા અને ડર્બન જેવી બોલર ફ્રેન્ડલી અને ખોપરી તોડ પીચો પણ હવે ધીમી અને નીચી રહેવા લાગી છે જેનો સીધેસીધો ફાયદો બેટ્સમેનોને મળે છે. પરિણામે હવે ટેસ્ટ મેચોમાં પણ મોટા મોટા સ્કોર ઉભા થવા લાગ્યા છે.

બેટ્સમેન ક્રિઝથી બે ડગલાં આગળ વધીને શોટ મારી શકે છે પણ બોલર ક્રિઝની બહાર એક સેન્ટીમીટર પણ પોતાનો પગ બહાર રાખે તો તેને નો બોલનો દંડ તો ભોગવવો જ પડે છે પરંતુ સાથેસાથે હવે તો ફ્રી હીટની સજા પણ મળે છે.

આવી પરિસ્થિતિમાં જો બોલરોને બોલ સાથે થોડાઘણા પણ ચેડાં કરવા દેવામાં આવે તો ગમેતેવી સપાટ પીચ પર પણ તેને બેટ્સમેનની વિકેટ લેવાની આશા રહે અને બેટ્સમેન પણ બોલરોનું સન્માન કરતા થાય એમ બની શકે છે. પરંતુ તકલીફ અહીં એ છે કે બોલ સાથે રમત કરવામાં આવે તો તે ક્રિકેટની રમતની ભાવનાની વિરુદ્ધ ભરવામાં આવેલું પગલું થઇ જાય છે, અને બોલરની સાચી કસોટી જ એ છે કે તેને હાથમાં આપવામાં આવેલા શસ્ત્રનો તે કાયદાની લિમિટમાં રહીને ઉપયોગ કરે અને સફળતા મેળવે.

બોલ ટેમ્પરિંગ ફરીથી સપાટી પર આવ્યું છે અને આ વખતે ક્રિકેટના બેડ બોય્ઝ તરીકે પંકાયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો ખોપચામાં આવી પડ્યા છે. એ બાબતે કોઈજ શંકા નથી કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો hard cricket રમવામાં વિશ્વાસ ધરાવે છે અને વિજય મેળવવા માટે કોઇપણ હદે જવા તેઓ તૈયાર હોય છે. પરંતુ અત્યારે બોલ ટેમ્પરિંગ જેવા વિવાદમાં કેપ્ટન (હવે કદાચ ભૂતપૂર્વ) સ્ટિવ સ્મિથ અને તેના સાથીદારો ભરાઈ પડ્યા છે એ ગુનો કદાચ દુનિયાની દરેક ટીમ ભૂતકાળમાં કરી ચૂકી છે.

અહીં સ્ટિવ સ્મિથ કે બેન્ક્રોફ્ટને કે પછી સ્મિથે કહ્યું એ મુજબ ટીમના સિનીયર ખેલાડીઓને બચાવવાનો કોઈજ હેતુ નથી કારણકે બોલ ટેમ્પરિંગ અંગે અંગત મત ગમેતે હોઈ શકે પરંતુ અત્યારે એ ક્રિકેટના કાયદા હેઠળ ગુનો બને છે. સ્મિથ અને તેના ઉપકપ્તાન ડેવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આજીવન પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યું હોવાના સમાચાર છેલ્લા ચોવીસ કલાકથી સાંભળવા મળી રહ્યા છે.

ICCએ પોતાની રૂલબુક અનુસાર સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ અને 100% મેચ ફી નો દંડ કરીને પોતાનું કામ કરી દીધું છે પણ સ્મિથ પર આજીવન પ્રતિબંધ જરા વધુ પડતી સજા કહી શકાય. ક્રિકેટના નાના નહીં તો મધ્યમ ગુનાઓમાં બોલ ટેમ્પરિંગનો સમાવેશ થઇ શકે છે. ક્રિકેટનો જો સૌથી મોટો ગુનો હોય તો તે છે મેચ ફિક્સિંગનો. આજથી ચારેક વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં ચાર પાકિસ્તાની ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ સિદ્ધ થયો હતો અને ચારેય ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ મુકવાની સજા થઇ હતી.

પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલા મોહમ્મદ આમિર પર નાની ઉંમરનો હવાલો આપીને તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની આજીજી ICC સામે કરી. ત્યારબાદ ICCએ આ અરજીને માન્ય પણ રાખી હતી અને આજે આમિર પહેલાની જેમજ પાકિસ્તાની ટીમનો હિસ્સો છે. જો પૈસા આપીને મેચ જોનારા દર્શકો સાથે ચીટિંગ કરનાર આમિર સાથે આવી દયા રાખી શકાતી હોય તો સ્ટિવ સ્મિથ અને એના સાથીઓનો ગુનો એ ખૂનના ગુનાની સરખામણીએ માત્ર ચોરી જેટલોજ છે.

ભૂતકાળમાં લેજન્ડરી શેન વોર્ન પણ ડ્રગ્સ લેતા પકડાઈ ગયો હતો ત્યારે તેના પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જે યોગ્ય હતો. આથી જો પબ્લિકની ભાવના જે કાયમ ઉગ્ર હોય છે તેનાથી ન દોરાઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સ્મિથ બેન્ક્રોફ્ટ અને વોર્નરને પણ બોલ ટેમ્પરિંગ જેવા ગંભીર પણ સ્પોટ કે મેચ ફિક્સિંગ જેવા અત્યંત ગંભીર નહીં એવા મામલામાં એક વર્ષનો પ્રતિબંધ મુકે તો તે વધુ યોગ્ય રહેશે. આમ કરવાથી ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયાઈ અને અન્ય દેશોના ખેલાડીઓને પણ એક મેસેજ જશે અને તેઓ બોલ ટેમ્પરિંગ કરતા બે વાર વિચાર કરશે.

ઘણીવાર લાગણીઓમાં તણાઈ જઈને અતિશય કડક નિર્ણયો લઇ તો લેવામાં આવે છે પરંતુ સમય જતા જ્યારે પ્રજા પણ મામલાને ભૂલી ચૂકી હોય છે ત્યારે અધિકારીઓને પોતે કરેલી ભૂલનો ખ્યાલ આવે છે જેવું મોહમ્મદ આમિરના મામલામાં થયું છે. આથી આશા કરીએ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ અધિકારીઓ ઠંડા દિમાગ સાથે વિચાર કરીને આ મામલે યોગ્ય નિર્ણય લે જેથી ખરેખર ન્યાય થયો હોવાની લાગણી અને સંદેશ ક્રિકેટ ફેન્સમાં પ્રસારિત થાય.

eછાપું

તમને ગમશે: સહારા રણ વિસ્તારના લોકોને થયો અભૂતપૂર્વ અનુભવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here