“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો!!” કેજરીવાલની હતાશા અને ઉતાવળ

    0
    280
    Photo Courtesy: hindustantimes.com

    એકસમયે જે વ્યક્તિ કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અગ્રેસર રહ્યો હતો તે જ વ્યક્તિ એટલેકે અરવિંદ કેજરીવાલ આજકાલ એ જ કોંગ્રેસ સમક્ષ પોતાની પાર્ટી સાથે ગઠબંધન કરવા રીતસર ભિક્ષાપાત્ર લઈને ઉભો છે.

    Photo Courtesy: hindustantimes.com

    અરવિંદ કેજરીવાલ આ નામ ભારતના રાજકારણના ઇતિહાસમાં સદાય યાદ રહેશે. પરંતુ તેમનું નામ ભારતનો ઈતિહાસ કોઈ મહાન સિદ્ધિ માટે નહીં પરંતુ દરરોજ પોતાના રાજકીય સ્તરને નીચે લઇ જવા માટે યાદ રાખશે. અન્ના હઝારે આંદોલનના ઉત્પાદનોમાંથી જો કોઈ સહુથી વધારે ચર્ચિત ઉત્પાદન થયું હોય તો તે છે અરવિંદ કેજરીવાલ. આ મહાશયના તો સમર્થકો પણ એમનાથી ચાર ચાસણી ચડે એવા છે અને એ પણ શરૂઆતથી જ.

    જેને પણ અન્ના આંદોલન યાદ હશે તેમને એ પણ યાદ હશે કે આ જ અરવિંદ કેજરીવાલના સમર્થકોએ દેશભરમાં એવી તો હવા ફેલાવી હતી કે જો તમે કેજરીવાલ સાથે નથી તો તમે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ સાથે છો. આ જ અરવિંદ કેજરીવાલે અન્ના હઝારેના ઉપવાસ મંચ પરથી એવા સોગંધ લીધા હતા કે તેઓ ક્યારેય રાજકારણમાં નહીં જોડાય અને સદાય ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા રહેશે. પરંતુ અન્ના આંદોલન પૂરું થવાની સાથેજ તેમણે આમ આદમી પાર્ટી બનાવી લીધી.

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા બાદ અરવિંદ કેજરીવાલે ફરીથી સમ ખાધા કે તેઓ પોતાની જ કારમાં ઓફીસ આવ-જા કરશે અને મુખ્યમંત્રીને મળતા સરકારી બંગલાનો તેઓ ત્યાગ કરશે. ગણતરીના જ દિવસોમાં કેજરીવાલે આ સોગંદ તોડી નાખ્યા અને પોતાના માટે મોંઘામાં મોંઘા બંગલાની વ્યવસ્થા પણ કરી લીધી.

    પહેલીવાર જ્યારે દિલ્હી વિધાનસભામાં બહુમતિ મેળવવા માટે પનો ટૂંકો પડ્યો ત્યારે અરવિંદ કેજરીવાલે વટ કે સાથ કહ્યું હતું કે તેઓ પોતાના બાળકોના સમ ખાઈને કહે છે કે તેઓ સત્તા મેળવવા ક્યારેય કોંગ્રેસનું સમર્થન નહીં લે. અમુક મહિના સુધી રાહ જોયા બાદ આ જ વ્યક્તિ કોંગ્રેસનો બહારથી ટેકો લઈને દિલ્હીની ગાદીએ બેસી ગયો હતો.

    આ તો અરવિંદ કેજરીવાલના નાનામોટા નાટકો હતા પરંતુ જે મુદ્દે તેમણે દિલ્હીની ગાદી પર જંગી બહુમતિ દ્વારા કબ્જો જમાવ્યો હતો તેનાથી સાવ વિરુદ્ધના પગલાં તેઓ આજકાલ લઇ રહ્યા છે. યાદ હોય તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલીવાર લડતી વખતે અરવિંદ કેજરીવાલ પોતાની જાહેરસભાઓમાં અને પ્રેસ કોન્ફરન્સમાં એક દળદાર પુસ્તક જેવી ફાઈલ હવામાં લહેરાવીને કહેતા કે આ બધા પૂરાવા તે સમયના દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતના ભ્રષ્ટાચારને લગતા છે.

    જે શીલા દિક્ષિતને તેમણે કરેલા કહેવાતા ભ્રષ્ટાચારના મુદ્દે હરાવીને અરવિંદ કેજરીવાલ સત્તાસ્થાને આવ્યા તે જ શિલા દિક્ષિતની આગેવાની હેઠળની દિલ્હી કોંગ્રેસને વાયા રાહુલ ગાંધી આજકાલ અરવિંદ કેજરીવાલ વિનંતી પર વિનંતીઓ કરી રહ્યા છે કે પ્લીઝ, આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અમારો ટેકો લ્યો નહીં તો આ મોદી અને શાહ ફરીથી દેશની ગાદી પર ચડી બેસશે!

    શરૂઆતમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ પર દબાણ લાવીને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર ગઠબંધન લગભગ તૈયાર કરાવી લીધું હતું પરંતુ શીલા દિક્ષીતે પોતાના કેન્દ્રીય નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કોઇપણ સંજોગોમાં આમ આદમી પાર્ટી એટલેકે અરવિંદ કેજરીવાલ સાથે ગઠબંધન નહીં જ થાય. એક વાર કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાની ના પાડી પછી અરવિંદ કેજરીવાલની હતાશા દિવસેને દિવસે વધતી ચાલી છે.

    એકાદી જાહેરસભામાં પણ તેમણે નિરાશ સ્વરે કહ્યું હતું કે તેઓતો મોદી-શાહની જોડીને હરાવવા માંગે છે પણ યે કોંગ્રેસ હૈ કે માનતી નહીં! હવે અરવિંદ કેજરીવાલે એક નવો દાવ રમ્યો છે. તેમણે કોંગ્રેસને સંદેશ મોકલાવ્યો છે ચલો દિલ્હી નહીં તો  હરિયાણામાં તો ગઠબંધન કરી લ્યો? ત્યાં ક્યાં શીલા દિક્ષિત છે? તેમણે ગઈકાલે કોંગ્રેસને ઉદ્દેશીને એક Tweet કરી હતી અને કહ્યું હતું કે જો હરિયાણામાં JJP, AAP અને કોંગ્રેસ મળીને ભાજપ સામે લડશે તો રાજ્યની દસેય  બેઠકો પર તેમના ગઠબંધનનો વિજય નિશ્ચિત છે.

    લાગતું વળગતું: લોકસભા ચૂંટણીઓ જીતવા અરવિંદ કેજરીવાલે શરુ કર્યો ઈમોશનલ અત્યાચાર

    ટૂંકમાં જે કોંગ્રેસને તેઓ માત્ર પાંચ કે છ વર્ષ પહેલા ભ્રષ્ટાચારની ગંગોત્રી કહી રહ્યા હતા એ જ કોંગ્રેસનો સાથ ગમેતે રીતે લેવા અરવિંદ કેજરીવાલ ઉતાવળા થયા છે. થોડા દિવસ અગાઉ એક ઇન્ટરવ્યુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અત્યારે મહત્ત્વનું એ છે કે મોદી-શાહને હટાવવા અને એટલેજ તેઓ કોંગ્રેસનો સાથ લેવા પણ તૈયાર છે.

    પણ એ બાબત સમજવામાં અઘરી પડે છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશ એવો તો કેવો મુશ્કેલીમાં આવી ગયો કે તમારે તમારા ભ્રષ્ટાચાર નિર્મૂલનના મૂળ હેતુથી દૂર થઈને પણ કોંગ્રેસનો સાથ લેવો છે જેની ગત સરકાર જ ભયંકર ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાઈ ગઈ હતી? ઉલટું આ પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનું એક પણ કલંક લાગ્યું નથી!

    હકીકત એ છે કે હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો કોઈ ભાવ પણ પૂછતું નથી. દિલ્હીમાં મોટા મોટા વચનો આપીને જીતી તો ગયા પરંતુ થોડા જ વર્ષોમાં એમની પોલ ખુલ્લી પડી જતા પંજાબમાં જ્યાં તેમની જીતની સહુથી વધુ શક્યતાઓ હતી ત્યાં પણ તેઓ કોંગ્રેસને રોકવા માટે અસમર્થ બન્યા હતા. અરવિંદ કેજરીવાલ સાથે રહીને પાર્ટી બનાવનારા કુમાર વિશ્વાસ, યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને કાઢી મુકવામાં આવ્યા.

    જે ભ્રષ્ટાચારના નામે અરવિંદ કેજરીવાલ સત્તા પર આવ્યા હતા તેમના ખુદના મંત્રીઓ પર માત્ર ભ્રષ્ટાચાર જ નહીં પરંતુ બળાત્કાર અને ગુંડાગીરીના ગંભીર આરોપો લાગ્યા. નોટબંધી પર સહુથી વધુ નુકશાન આમ આદમી પાર્ટીને થયું અને અત્યારે પણ તેમને મોટી રકમનો ફાળો આપવા માટે કોઇ તૈયાર નથી. ગયા મહીને ચંડીગઢની સભામાં પાંખી હાજરી જોઇને પાંચ મીનીટમાં પોતાનું પ્રવચન પતાવીને અરવિંદ કેજરીવાલને ભાગી જવું પડ્યું હતું. આવામાં અરવિંદ કેજરીવાલ માટે હવે અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થઇ ગયો છે અને કદાચ આ લોકસભાની ચૂંટણી તેમને માટે અભી નહીં તો કભી નહીં જેવો ઘાટ લઈને આવી છે.

    આવતે વર્ષે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવશે આથી આ વર્ષની લોકસભાની ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીએ સારો દેખાવ કરવો જરૂરી છે, પરંતુ એકલે હાથે એ શક્ય ન હોવાથી અરવિંદ કેજરીવાલ સાનભાન ભૂલીને કોંગ્રેસના શરણે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    એક વાત તો પાક્કી જ છે કે ભારતીય રાજકારણમાં  અરવિંદ કેજરીવાલ જેવો દરરોજ રંગ બદલતો રાજકારણી અગાઉ ક્યારેય આવ્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવે તેવી કોઈજ શક્યતાઓ અત્યારે તો દેખાતી નથી.

    eછાપું 

    તમને ગમશે: Sapiens: (એગ્રી) કલ્ચર, વ્યાપાર, ધર્મ અને આપણો વર્તમાન

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here