“તમારી ચેનલમાં કેટલાક લોકો મને હાડોહાડ નફરત કરે છે”: મોદી

0
242
Photo Courtesy: indianexpress.com

વર્ષો સુધી મિડિયાના ટાર્ગેટ રહ્યા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમય આવે કોઈનીય સાડાબારી રાખતા નથી તે TV9 ભારતવર્ષ કોન્કલેવમાં ફરીથી સાબિત થઇ ગયું.

Photo Courtesy: indianexpress.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના મેઈન સ્ટ્રીમ મિડિયા વચ્ચેના સંબંધોથી કોઈ અજાણ નથી. દેશના નામાંકિત કહેવાતા પત્રકારો ખાઈ ખપૂચીને વડાપ્રધાન મોદીના નામને બદનામ કરવાનો છેલ્લા પંદર વર્ષથી ભરપૂર પ્રયાસ કરે છે. શરૂઆતમાં આ પત્રકારોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નરેન્દ્ર મોદીએ તેમને ઇન્ટરવ્યુ આપ્યા પરંતુ આ પત્રકારોએ તટસ્થતાથી નરેન્દ્ર મોદીને પોતાનો પક્ષ રજુ કરવા દેવાને બદલે પોતાનો ગંદો એજન્ડા ચાલુ રાખ્યો.

આ પ્રકારની બે ત્રણ ઘટનાઓ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા તો કોઇપણ પત્રકારને ઇન્ટરવ્યુ જ આપવાના બંધ કરી દીધા. ત્યારબાદ ગત લોકસભાની ચૂંટણી વખતે કેટલાક પસંદગીના પત્રકારો અને ટીવી ચેનલો તેમજ સમાચાર સંસ્થાઓને જ તેમણે મુલાકાત આપી. આ સિલસિલો સતત પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યો છે અને અમુક તટસ્થ અને ભોળા પત્રકારો આ સમગ્ર પાંચ વર્ષ દરમ્યાન વડાપ્રધાન મોદીના એક ઇન્ટરવ્યુ માટે ઝૂરી રહ્યા છે.

લાગતું વળગતું: DD ન્યૂઝ રૂમ એક સમયે મોદી વિરુદ્ધ વોર રૂમ હતો: અશોક શ્રીવાસ્તવ

જો કે નરેન્દ્ર મોદી પણ જ્યારે લાગ આવે ત્યારે તેમને હસ્તગત કટાક્ષની કળાનો ઉપયોગ કરીને સીધી અથવાતો આડકતરી રીતે ઉપર કહેલા પત્રકારો સાથે હિસાબ લઇ જ લેતા હોય છે. આવી જ એક ઘટના બની ગયા મહિનાના છેલ્લા દિવસોમાં જ્યારે દિલ્હીમાં TV 9 ભારતવર્ષ ચેનલનું કોન્કલેવ આયોજિત થયું. આ કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કી નોટ એડ્રેસ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન જ્યારે આ કાર્યક્રમના વેન્યુ પર પહોંચ્યા ત્યારે TV9 ભારતવર્ષના CEO રવિ પ્રકાશ તેમનું સ્વાગત કરવા ત્યાં ઉભા હતા. રવિ પ્રકાશ પાસે પહોંચતાની સાથેજ જેમ બને છે તેમ તેમણે અને વડાપ્રધાને હસ્તધૂનન કર્યું. ત્યારબાદ અનૌપચારિક વાતચીત થઇ જે એક કેમેરામાં પકડાઈ ગઈ અને તે ઘટના આજકાલ સોશિયલ મિડિયા ખાસકરીને Twitter પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નરેન્દ્ર મોદીએ રવિ પ્રકાશને સીધેસીધું જ કહી દીધું કે “તમારી નવી ચેનલમાં તમે એવા લોકોને લીધા છે જેમના રક્તમાં મારા માટે દ્વેષ છે.” સ્વાભાવિક છે કે રવિ પ્રકાશ દેશના વડાપ્રધાન પાસેથી આવું સાંભળીને સ્તબ્ધ જાય. આથી રવિ પ્રકાશે જવાબ આપતા કહ્યું કે, “અમે તેમાં બદલાવ લાવી રહ્યા છીએ.” તો જવાબમાં વડાપ્રધાન મોદી ખડખડાટ હસતા બોલી પડ્યા કે, “ના એમ ન કરતા, એ લોકોને જીવવા દો, જ્યાં સુધી જીવવું હોય ત્યાં સુધી. જો એમનો આત્મા મૃત્યુ પામશે, તો પછી મજા ક્યાંથી આવશે.”

હવે આટલી મોટી વાત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે મોદી એ કયા વ્યક્તિ માટે આવું કહી રહ્યા હશે. તો એ પત્રકાર મહાશયનું નામ છે વિનોદ કાપરી. વિનોદ કાપરીમાં મોદી દ્વેષ ઠાંસી ઠાંસીને ભર્યો છે. તેઓ ખુદ તો મોદી વિરુદ્ધ દ્વેષપૂર્ણ કાર્યક્રમો કરતા જ હોય છે પરંતુ પોતાની ન્યૂઝ ચેનલને પણ પોતાના રસ્તે લઇ જતા હોય છે. આ વિનોદ કાપરી એ TV9ના ગ્રુપ એડિટર છે.

અગાઉ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં ડૂબકી લગાવી હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે કુંભ મેળામાં સ્નાન કરનારા પ્રથમ વડાપ્રધાન બન્યા છે, ત્યારે આ વિનોદ કાપરીએ સોશિયલ મિડીયામાં જવાહરલાલ નહેરુનો ગંગાસ્નાન કરતો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે મોદી વિષેની આ વાત ખોટી છે. પછી સોશિયલ મિડીયામાં જ કેટલાક લોકોએ એ સાબિત કરી દીધું કે જવાહરલાલ નહેરુનો આ ફોટો 1931નો છે જ્યારે તેઓ મોતીલાલ નહેરુના અસ્થી વિસર્જન કરવા પ્રયાગરાજ ગયા હતા.

વિનોદ કાપરી વડાપ્રધાન મોદી અને ભાજપ શાસિત રાજ્યો અંગે પણ ફેક ન્યૂઝ ચલાવવા માટે જાણીતા છે. અગાઉ તેમણે બુલંદ શહેર અંગે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા હતા અને ઝડપાઈ ગયા હતા અને જ્યારે તેઓ પકડાઈ ગયા ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ વિષે બેફામ નિવેદનો કરવા લાગ્યા હતા.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિ પ્રકાશને નામ લીધા વગર જે વ્યક્તિ વિષે ટોણો માર્યો હતો તે વિનોદ કાપરી જ હતા અને મજાની વાત એ હતી કે આ સમયે વિનોદ કાપરી જાતે પોતે રવિ પ્રકાશની બરોબર બાજુમાં જ ઉભા હતા. તેમણે પોતાનો મોદી દ્વેષ નવી ચેનલ શરુ થઇ તે જ દિવસે ફરીથી દેખાડી દીધો જ્યારે તેમણે નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર કાર્યક્રમને તેમની એન્કર દ્વારા એક નહીં પરંતુ બે વખત ચોકીદાર ચોર હૈ કાર્યક્રમ કહેવડાવ્યું હતું.

બાદમાં કાપરીએ આ સ્લિપ ઓફ ટંગ કહીને બચવાની કોશિશ કરી હતી પરંતુ વિનોદ કાપરીનો ભૂતકાળ જાણનાર તમામ જાણી ગયા હતા કે તેઓ ખોટું બોલી રહ્યા છે.

eછાપું

તમને ગમશે: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત મેક્સિકોની સરહદ પરની દીવાલ શું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here