કોંગ્રેસથી ગુસ્સે નવજોત સિંગ સિદ્ધુ; ન ઘરના રહ્યા ન ઘાટના

0
239
Photo Courtesy: dailyhunt.in

ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા નવજોત સિંગ સિદ્ધુ પંજાબમાં કેબિનેટ મંત્રી તો બન્યા પરંતુ આજકાલ તેઓ ગુસ્સે છે અને તેની પાછળ કારણ છે કે તેમનો કોઈજ ભાવ ક્યાંય પૂછાતો જ નથી.

Photo Courtesy: dailyhunt.in

નવજોત સિંગ સિદ્ધુ જેમના વિષે એવું કહેવાય છે કે રાહુલ ગાંધીનું પપ્પુ નામકરણ તેમણે જ કર્યું હતું. અમૃતસર લોકસભા બેઠક પરથી ભાજપ માટે સતત ત્રણ વખત ચૂંટાયા હતા જેમાંથી એક પેટાચૂંટણી હતી. પરંતુ 2014માં ભાજપે સિદ્ધુને રિપીટ ન કરતા હાલના નાણામંત્રી અરુણ જેટલીને અમૃતસરથી મેદાનમાં ઉતાર્યા. સ્વાભાવિકપણે નવજોત સિદ્ધુ ઘા ખાઈ ગયા.

જો કે અરુણ જેટલી પણ હાલના પંજાબના મુખ્યમંત્રી અમરીન્દર સિંગ સામે હારી ગયા હતા અને કદાચ ભાજપનો દાવ નિષ્ફળ ગયો. આ જ દિવસથી નવજોત સિંગ સિદ્ધુ ભાજપ અને તેની નેતાગીરીથી ગુસ્સામાં હતા. છેવટે 2017માં ભાજપે તેમને રાજ્યસભામાં નોમિનેટ કર્યા, પણ સિદ્ધુને હવે ભાજપમાં કદાચ ગુંગળામણ થઇ રહી હતી એટલે તેમણે પહેલા રાજ્યસભામાંથી અને બાદમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું.

આ દરમ્યાન પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ આવી પહોંચી અને સિદ્ધુના ભાવ વધી ગયા. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સાથે સિદ્ધુએ અસંખ્ય મુલાકાતો કર્યા બાદ પોતાનો પક્ષ રચ્યો પણ છેવટે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ વખતે સિદ્ધુ અમૃતસરથી ધારાસભ્ય બન્યા અને રાજ્યના કેબિનેટમાં પણ તેમને સ્થાન મળ્યું. જો કે મુખ્યમંત્રી અમરીન્દર સિંગ સાથે નવજોત સિદ્ધુને સદાય છત્રીસનો આંકડો રહ્યો છે.

ભાજપ જેમાં વર્ષો સુધી સેવા કર્યા બાદ અંગત મહત્ત્વકાંક્ષા પૂર્ણ કરવા નવજોત સિદ્ધુ કોંગ્રેસમાં ભલે જોડાયા પરંતુ સરહદ પાર પાકિસ્તાનમાં ઇમરાન ખાન જે તેમના ક્રિકેટિંગ મિત્ર રહ્યા છે તે વડાપ્રધાન બન્યા ત્યારથી નવજોત સિદ્ધુની મતી ફરી ગઈ. તેમને અચાનક પાકિસ્તાન એટલું બધું ગમવા માંડ્યું કે તેમણે દક્ષિણ ભારતીય ખાણાને વાહિયાત કહીને પાકિસ્તાની ફૂડના ભરપેટ વખાણ કર્યા.

એટલુંજ નહીં અમરીન્દરના ના પાડવા છતાં વાઘા બોર્ડર થઈને ઈમરાનની શપથવિધિમાં ગયા અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના કહેવાતા વડાપ્રધાનની બાજુમાં બેઠા. આ હજી ઓછું હોય તેમ પાકિસ્તાનના સેનાધ્યક્ષ બાજવાને બાજી એટલેકે ભેટી પડ્યા. નવજોતના પાકિસ્તાનથી પરત આવ્યા બાદ અમરીન્દર સિંગે જાહેરમાં કહ્યું કે તેમને નવજોતનો વ્યવહાર ગમ્યો નથી.

પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ જ્યારે સમગ્ર ભારતમાં પાકિસ્તાન પર રોષ હતો ત્યારે નવજોત સિદ્ધુએ કહ્યું કે આ ઘટના માટે આખા પાકિસ્તાનને દોષ ન આપી શકાય. બસ ત્યારથી કદાચ અમરીન્દર સિંગે નવજોત સિંગ સિદ્ધુથી તોબા કરી દીધી.

લાગતું વળગતું: સિદ્ધુ અને વડાપ્રધાન મોદી પાકિસ્તાન જાય એ બન્ને ઘટનામાં ફેર ખરો કે નહીં?

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પંજાબના મોગા માં ગયે મહીને એક જાહેરસભા સંબોધીત કરી જેમાં સ્ટેજ પર હાજર હોવા છતાં કદાચ અમરીન્દરના ઈશારે સિદ્ધુને બોલવાનો મોકો ન આપવામાં આવ્યો. બસ સિદ્ધુને ત્યારથી ચાટી ગઈ અને તેમણે કોંગ્રેસથી દૂર રહેવાનું નક્કી કરી લીધું.

તાજા સમાચાર અનુસાર નવજોત સિંગ સિદ્ધુ છેલ્લા પંદર દિવસથી પોતાના કાર્યાલય નથી જઈ રહ્યા. એક કેબિનેટ મંત્રી હોવા છતાં સિદ્ધુ પોતાના કામથી આટલા બધા દિવસ અળગા રહ્યા તે કરદાતાઓના નાણાનો બગાડ જ છે. આટલું જ નહીં સિદ્ધુ આજકાલ ટીવી ચેનલો કે પછી Twitter પરથી પણ ગાયબ છે. એમાં હવે નવજોત સિદ્ધુ જે બે બેઠકો અમૃતસર અને ચંડીગઢ માટે પોતાના પત્ની નવજોત કૌર સિદ્ધુ માટે લોબીઈંગ કરી રહ્યા હતા તે  બંને બેઠકો કોંગ્રેસે અન્યોને આપી દીધી છે.

હવે આવામાં સિદ્ધુનો ગુસ્સો વધુ વધે જ એ સ્વાભાવિક છે.

નવજોત સિદ્ધુની તકલીફ હવે એ છે કે તેણે એક અપમાનથી રોષે ભરાઈને ભાજપ છોડ્યું તો કોંગ્રેસમાં તેઓ હજાર અપમાન સહન કરી રહ્યા છે. ઘણીવાર આપણે ખોટા સમયે ખોટા નિર્ણયો લઇ લેતા હોઈએ છીએ. ભાજપે સિદ્ધુને રાજ્યસભામાં નોમિનેટ કર્યા હોવા છતાં તેમણે ગમ ખાઈને પણ  ભાજપમાં રહી જવાનું પસંદ કર્યું હોત તો તેમને કદાચ આટલું નુકશાન ન જાત.

આ બધું થયું એમાં પાકિસ્તાન પ્રત્યે ભરપૂર પ્રેમ દેખાડવા બદલ રોષે ભરાયેલા દર્શકોના જબરદસ્ત વિરોધને લીધે  સિદ્ધુ પાસેથી ધ કપિલ શર્મા શોનું કો-હોસ્ટીંગ પણ જતું રહ્યું. અત્યારે હાલત એ છે કે સિદ્ધુ કોંગ્રેસમાં હોવા છતાં કોંગ્રેસમાં નથી. કેબિનેટ મંત્રી હોવા છતાં ઓફિસે જતા નથી. લોકસભાની ચૂંટણી માથે છે અને તેમને પંજાબ કોંગ્રેસ રાજ્યની અંદર કે કોંગ્રેસ અન્ય રાજ્યમાં તેમને સ્ટાર પ્રચારક બનવા માટે પણ નથી બોલાવી રહી. અધૂરામાં પૂરું ટીવી શો પણ તેમના હાથમાંથી જતો રહ્યો છે.

ખરેખર ઘણીવાર અતિશય આત્મવિશ્વાસ તમારું ધનોતપનોત કાઢી શકે છે.

eછાપું

તમને ગમશે: આવી પત્રકારિતાનું અથાણું કરીએ તોય બેસ્વાદ જ લાગે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here