બજારુ ઠંડા પીણાં તરસ મટાડવાને લીધે વધારે છે, ઉપરાંત તે આરોગ્ય માટે પણ અયોગ્ય છે. આવામાં આપણે ઘરમાં જ બનાવી શકીએ તેવા ત્રણ પીણાંની રેસિપી શીખીએ?
ગરમીના દિવસોમાં સૌથી વધુ ઈચ્છા આપણને કઈક પીણું પીવાની થતી હોય છે. જ્યારે આપણા શરીરમાં પાણી ઓછું થાય છે ત્યારે આપણને તરસની અનુભૂતિ થાય છે, જેને લીધે આપણે પ્રવાહી લેવા માટે જરૂરી ક્રેવિન્ગ્સ અનુભવીએ છીએ. ઉપરાંત આપની શરીર રચના જ એવી છે કે જો આપણે પીણાંને સંપૂર્ણપણે અવગણીએ તો તે મોતના મુખમાં જવાનો સૌથી ઝડપી રસ્તો છે એમ કહીએ તો ચાલે! જળ એ જીવન પણ છે અને ઘણા રોગોનું વાહક પણ છે.
પાણી અને દૂધ પહેલેથી જ માનવજાત માટે મૂળભૂત પીણાં રહેલા છે. ગરમીના દિવસોમાં આમપણ સાદું પાણી પીવા કરતા કઈક અવનવું પીવાની ઈચ્છા થતી રહેતી હોય છે, તેવામાં કાર્બોનેશનની પ્રક્રિયાથી બનેલા પીણાં આ તરસ બૂઝાવવા કરતા તરસ વધારવાનું કામ વધારે કરતા હોય છે. તેથી જ આજે આપણે આ ઉનાળામાં કામ લાગે અને આપણી તરસ મટાડે એવા અલગ અલગ પ્રકારના પીણાં જોઈશું.
લાગતું વળગતું: વિવિધ પીણાં – આકરા ઉનાળામાં આત્માને પરમ શાંતિ આપતું અમૃત |
કુકુમ્બર મીંટ વોટર

સામગ્રી:
1 કાકડી
8 થી 10 ફુદીનાના પાન
1-2 પાન લીલી ચા
પાણી, જરૂર મુજબ
રીત:
- કાકડી, ફુદીનાના પાન અને લીલી ચાને એક મોટા જગમાં લો.
- હવે તેમાં પહેલા થોડું પાણી ઉમેરો અને વેલણ કે વલોણીની મદદથી સામગ્રીને સહેજ છૂંદો.
- હવે બાકીનું પાણી ઉમેરી, જગને ફ્રીજમાં કે કોઈ ઠંડી જગ્યા એ 8 થી 10 કલાક માટે રહેવા દો.
- એકદમ ઠંડુ પીરસો.
નોંધ: આ પીણાંને સાદા પાણીની જગ્યા પણ લઇ શકાય છે.
વોટરમેલન-કોકોનટ એગ્વા ફ્રેસ્કા:

સામગ્રી:
1 તરબૂચ, ટુકડા કરેલું (લગભગ 5 કપ જેટલું)
4 કપ નારિયેળ પાણી
2 ટેબલસ્પૂન લીંબુનો રસ
રીત:
- તરબૂચને બ્લેન્ડરમાં ફેરવી, તેની પ્યુરી બનાવી લો. આ પ્યુરીને બરાબર ગાળી લો જેથી ફક્ત જ્યુસ રહે. બાકીનો પલ્પ ફેંકી દો.
- હવે તેમાં નારિયેળ પાણી અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી દો.
- મિશ્રણને જગમાં ભરી, ઓછામાં ઓછું 1 કલાક માટે ઠંડુ થવા દો.
- બરફ સાથે ઠંડુ ઠંડુ સર્વ કરો.
વરિયાળી નું શરબત

સામગ્રી:
100 ગ્રામ વરિયાળી
100 ગ્રામ સાકર
અડધી ચમચી સંચળ પાવડર
4 થી 5 ગ્લાસ પાણી
અડધી ચમચી મરી પાઉડર
2 નંગ લીંબુનો રસ
સ્વાદમુજબ મીઠું
અડધી ચમચી શેકેલાં જીરુનો પાવડર
થોડા ફુદીનાનાં પાન
રીત:
- 1 ગ્લાસ પાણીમાં વરિયાળી લઇ, 8 થી 10 કલાક પલાળી રાખો.
- સવારે પલાળેલી વરિયાળીને પાણી સાથે જ વાટી લો.
- હવે તેમાં જ બીજું પાણી ને બીજી સામગ્રી નાંખી સરખું હલાવીને બ્લેન્ડરમાં ફેરવી લો.
- શરબતને ગાળીને ઠંડુ કરીને પીઓ ને પીવડાવો.
અહીં ફક્ત થોડા બેઝીક આઈડિયા આપ્યા છે, આ જ રીતથી ઠંડક આપતી અન્ય સામગ્રીઓ લઈને બીજા પીણાં પણ સરળતાથી બનાવી શકાય છે. વધુમાં આ જ આઈડિયામાં તખમરીયા કે ચિઆ સીડ્સ ઉમેરીને આ જ પીણાંને વધુ રસપ્રદ બનાવી શકાય છે.
eછાપું
તમને ગમશે: ભારત સાથે ડોકલામ મુદ્દે ચીનને જ યુદ્ધ પાલવે તેમ નથી