IPL 2019 | મેચ 25 | ધોનીની બિનજરૂરી દખલે CSKના વિજયને ઝાંખો પાડ્યો

0
116
Photo Courtesy: iplt20.com

કોઇપણ રમત ન્યાય અને અન્યાય વચ્ચે પણ તેના નિયમોની અંદર રમાય તો જ તેની મજા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીએ આ મેચમાં કદાચ પહેલીવાર નિયમોની લક્ષ્મણરેખા ઓળંગી હતી.

Photo Courtesy: iplt20.com

એવું તે કેવું ટેન્શન હશે કે જેણે કેપ્ટન કૂલની ઉપમા પોતાના નામે કરી દીધી હોય એવા મહેન્દ્ર સિંગ ધોનીનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો અને તેણે અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ મેદાનમાં ઉતરી આવવું પડ્યું હોય?

ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં IPLની લગભગ એકમાત્ર એવી ટીમ છે જેને ઘર હોય કે બહાર જીત મેળવવામાં કોઈજ તકલીફ નથી પડતી કારણકે આ ટીમ બહારની પીચો અને વાતાવરણ સાથે તરતજ અનુકુલન સાધી લે છે. ટોસ જીતીને ચેન્નાઈએ હોમ ટીમ રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું જેનો ફાયદો રાજસ્થાને ઉઠાવ્યો હતો.

અજીન્ક્ય રહાણે અને જોસ બટલરે RRને ચેન્નાઈ જેવી ટીમ સામે જે સ્ટાર્ટની આશા હોય તેનાથી પણ બહેતર સ્ટાર્ટ અપાવ્યું હતું. તેમાં પણ જોસ બટલર આજે કઈક નવાજૂની કરવાની ફિરાકમાં હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ ફાસ્ટ રમવાની કોશિશમાં એક સમયે રાજસ્થાન રોયલ્સ 47 પર માત્ર 1 વિકેટના સ્કોર પર હતું તે બીજા 55 રન ઉમેરવા જતા પાંચ વિકેટ ગુમાવી બેઠું હતું. બાદમાં લેગ સ્પિનર શ્રેયસ ગોપાલે ચારેતરફ શોટ્સ ફટકારતા રાજસ્થાને 151નો ફાઈટીંગ ટોટલ મુક્યો હતો.

CSKની શરૂઆત તો અત્યંત ખરાબ રહી હતી. ધવલ કુલકર્ણીના એક અદભુત બોલ પર શેન વોટ્સનના ક્લીન બોલ્ડ થયા બાદ સુરેશ રૈના જે પોતાની રનિંગ બિટવીન ધ વિકેટ્સ માટે જાણીતો છે તે રન આઉટ થયો અને અધૂરામાં પૂરું છેલ્લી બે મેચોથી ચેન્નાઈ સુપર કિંગ્સને જે મજબૂત શરૂઆત આપે છે તે ફાફ દુ પ્લેસી પણ સસ્તામાં આઉટ થઇ ગયો.

પરંતુ IPLની અન્ય ટીમો કરતા ચેન્નાઈની ટીમ કેમ અલગ છે તે આજે ફરીથી જોવા મળ્યું હતું. પરિસ્થિતિ ગમે તેટલી પણ ખરાબ ન હોય પણ જીત માટેની લડાઈ મૂકી ન દેવી તે આ ટીમની ઓળખ છે. પહેલા અંબાતી રાયુડુએ RR સામે આક્રમણ શરૂ કરતા તેને બેકફૂટ પર લાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીએ તેનો ઓરીજીનલ અંદાજ દેખાડ્યો હતો અને જબરદસ્ત ફટકાબાજી શરુ કરી હતી. ધોનીની આ પ્રકારની બેટિંગ કદાચ ક્રિકેટ ચાહકોએ ઘણા મહિનાઓ બાદ જોઈ હતી.

છેવટે રાયુડુ અને ધોની બંનેના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા અને મિચેલ સેન્ટનર પર છેલ્લા 3 બોલમાં 8 રન કરવાની જવાબદારી આવી પડી હતી. સ્ટ્રાઈક પર સેન્ટનર હતો અને બેન સ્ટોક્સના ફૂલ ટોસ પર સેન્ટનરે બે રન લીધા. આ દરમ્યાન બોલિંગ એન્ડ પર રહેલા અમ્પાયર ઉલ્હાસ ગંધેએ એ બોલ કમરથી ઉપર હોવાને લીધે નો બોલ જાહેર કર્યો જેને સ્ક્વેર લેગ પર ઉભેલા અમ્પાયર બ્રુસ ઓક્સેનફર્ડે નકારી દીધો અને ધોનીનો ગુસ્સો ફાટી નીકળ્યો. ધોની તેના સ્વભાવ વિરુદ્ધ મેદાન પર આવી ગયો અને અમ્પાયર સાથે ચર્ચા કરવા લાગ્યો.

છેવટે, છેલ્લા બોલમાં જ્યારે 3 રનની જરૂર હતી ત્યારે સેન્ટનરે જ લોન ઓન બાઉન્ડ્રી પર એક લાંબી સિક્સર મારીને ચેન્નાઈ સુપર કિંગ્સને એક યાદગાર પરંતુ વિવાદીત સંજોગો વચ્ચે જીત અપાવી દીધી હતી.

મહેન્દ્ર સિંગ ધોની વિવાદ

મહેન્દ્ર સિંગ ધોનીના ગેરવર્તન બદલ તેને યોગ્ય રીતે જ મેચ ફીસના 50%નો દંડ કરવામાં આવ્યો હતો. અમ્પાયરનો નિર્ણય સાચો કે ખોટો હોઈ શકે તેને ખેલાડીઓએ સ્વીકારવો જ પડે અને તેમાં પણ ધોની તો ટીમનો કેપ્ટન છે તેને અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ મેદાન પર આવવાની કોઈજ જરૂર ન હતી અને એમ કરવા માટે તેને કોઈ નિયમ મંજૂરી પણ આપતો નથી. બીજું, એક અમ્પાયરનો નિર્ણય બીજો અમ્પાયર તરત જ ફેરવી શકે છે એ પણ ક્રિકેટના નિયમમાં સામેલ છે, પછી તે યોગ્ય હોય કે અયોગ્ય તેનાથી કોઈજ ફરક પડતો નથી. મેચ પત્યા બાદ જેમ અમ્પાયરો અને મેચ રેફરીઓ દરેક ખેલાડીના વર્તન અંગે રિપોર્ટ આપતા હોય છે તેમ કેપ્ટન પણ પોતાનો રિપોર્ટ આપે છે. ધોનીએ આ નિર્ણય અંગે પોતાના રિપોર્ટમાં ફરિયાદ કરી હોત તો વધુ યોગ્ય રહેત.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 25 | રાજસ્થાન રોયલ્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

રાજસ્થાન રોયલ્સ 151/7 (20) રન રેટ: 7.55

બેન સ્ટોક્સ 28 (26)

જોસ બટલર 23 (10)

રવિન્દ્ર જાડેજા 2/20 (4)

દીપક ચાહર 2/33 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 155/6 (20) રન રેટ: 7.75

મહેન્દ્ર સિંગ ધોની 58 (43)

અંબાતી રાયુડુ 57 (47)

બેન સ્ટોક્સ 2/39 (3.0)

ધવલ કુલકર્ણી 1/14 (3.0)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 4 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: મહેન્દ્ર સિંગ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો: ઉલ્હાસ ગંધે અને બ્રુસ ઓક્સેનફર્ડ | ક્રિસ ગેફની (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here