પાકિસ્તાન બાદ હવે ભારતમાં પણ લાઈવ ટીવી ડિબેટમાં શરમજનક ટિપ્પણીઓ અને ઘટનાઓ બનવાની શરુ થઇ ગઈ છે. અહીં કહેવામાં આવેલી ઘટના પણ તેનો જ એક ભાગ છે પરંતુ અહીં એન્કર પણ સામેલ છે.

વિવિધ રાજકીય પક્ષોના પ્રવક્તાઓ વચ્ચે થતી ટીવી ડિબેટ કેટલા નીચા સ્તરે પહોંચી ગઈ છે તેની આપણને બધાને ખબર છે જ. દરરોજ અને ચોવીસે કલાક ચાલતી આ ચર્ચા દરરોજ નવું ને નવું તળિયું શોધી કાઢે છે. પક્ષના પ્રવક્તાઓ મૂળ મુદ્દા સિવાય બધી જ વાતો કરતા હોય છે પછી તે ગમે તે પક્ષનો પ્રવક્તા કેમ ન હોય. આ ઉપરાંત ચર્ચા કરતા તે એટલો ઉત્તેજિત થઇ જાય છે કે તેને સમય અને સ્થળનું ભાન નથી રહેતું અને કારણવગરનો બકવાસ ચાલુ કરી દે છે.
હાલમાં એક ચેનલ પર ની લાઈવ ચર્ચામાં કોંગ્રેસી પ્રવક્તાએ ભાજપના પ્રવક્તા પર પાણી ફેંક્યું હતું એન્કરે લાખો વખત તેને માફી માંગવાનું કહ્યું તો પણ એ ભાઈ ન માન્યા એટલે છેવટે એમને ચર્ચામાંથી જતા રહેવાનું કહી દેવામાં આવ્યું હતું. પરંતુ જો એન્કર ખુદ નકામી વાતોમાં ફસાય અને એક ગંભીર ચર્ચાને પર્સનલ બનાવી દે તો?
આવી જ એક ઘટના બની હતી સબસે તેઝ કહેવાતી આજતક નામક ન્યૂઝ ચેનલ પર જ્યાં કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી એન્કર અંજના ઓમ કશ્યપ સાથે જીભાજોડીમાં ઉતરી પડ્યા હતા. વાત ચાલી રહી હતી રફેલ મામલે સુપ્રિમ કોર્ટે સ્વીકાર કરેલી પુન:વિચારની યાચિકા અંગે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પોતાનો મુદ્દો આગળ રાખ્યો અને અંજના ઓમ કશ્યપે ત્યારબાદ પ્રિયંકા ચતુર્વેદીને જવાબ આપવા કહ્યું.
પ્રિયંકા ચતુર્વેદીએ શરૂઆતમાં જ ગૌરવ ભાટિયા પર વ્યક્તિગત ટિપ્પણી કરી. જો કે ભાટિયા પણ ઓછા ન હતા તેમણે પણ પોતાનો મુદ્દો રાખતી વખતે અને રાખ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસી પ્રવક્તાઓ પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ જેવી પેલી ટિપ્પણી કરી એટલે અંજના ઓમ કશ્યપે બંને પક્ષને ચર્ચાનું સ્તર નીચે ન લઈ જવાની વિનંતી કરી.
લાગતું વળગતું: બરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્ર! |
બસ આટલું હતું અને પ્રિયંકા ચતુર્વેદીએ અંજના ઓમ કશ્યપને બહેનજી કહી દીધા! હવે અંજના ઓમ કશ્યપ જેવી મહિલાને કોઈ બહેનજી કહી જાય એ તો એનાથી કેમ સહન થાય? એટલે એણે પણ પોતાના મગજ પરનો કાબુ ગુમાવ્યો અને પ્રિયંકા ચતુર્વેદીને આંટીજી કહી દીધું. બસ પછી તો આ બહેનજી અને આંટીજી વચ્ચે આ શબ્દપ્રયોગ પર જ ચર્ચા થવા લાગી!
છેવટે જો કે પ્રિયંકા ચતુર્વેદીએ બે વાત કરી. એક તો એમ કે તેને કોઈજ ફરક નથી પડતો કે કોઈ તેને આંટીજી કહી જાય, fair enough! અને બીજી વાત તેણે એમ કરી કે ટીવી ચેનલો પર તેઓ પોતાનું અપમાન કરાવવા નથી આવતા.
સામાન્ય ચર્ચામાં અને સોશિયલ મિડીયામાં ન્યૂઝ ચેનલો પર થતી ચર્ચા અંગે ઘણી ટીકાઓ થતી હોય છે. સોશિયલ મિડીયાને મત મેળવવાનું સાધન ગણતા નેતાઓ કદાચ ક્યારેય આ બાબતે સોશિયલ મિડિયાની ટીકાને ગંભીરતાથી નહીં લેતા હોય. જ્યારે એન્કર્સ અથવાતો પત્રકારો અમસ્તા પણ પોતાની ટીકા કરનારને ટ્રોલથી વધુ નથી ગણતા એટલે એમને સલાહ આપવાથી કોઈ ફાયદો છે જ નહીં.
આવામાં બહેનજી અને આંટીજીથી જ આ મામલો પતી ગયો તે માટે આપણે અંજના ઓમ કશ્યપ અને પ્રિયંકા ચતુર્વેદીનો આભાર માનવો જોઈએ.
eછાપું
લાગતું વળગતું: જમ્મુ અને કાશ્મીર માટે ખાસ એવો આર્ટીકલ 35 A શું છે અને તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે?