IPL 2019 | મેચ 46 | કેપિટલ્સ પ્લેઓફ્સમાં ક્વોલિફાય; ચેલેન્જર્સની ચેલેન્જ પૂરી

0
284
Photo Courtesy: india.com

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ વગર કોઈ ઉત્સાહે રમાઈ હતી પરંતુ તેણે બે સ્પષ્ટ પરિણામ આપ્યા હતા, દિલ્હીને પ્લેઓફ્સમાં પહોંચાડ્યું અને બેંગ્લોરને રેસમાંથી બહાર કાઢ્યું.

Photo Courtesy: india.com

જેમ જેમ પ્લેઓફ્સ નજીક આવતા જાય છે તેમ તેમ તેમાં ક્વોલિફાય થનારી ટીમોની યાદીમાં નવા ઉમેરા થતા જાય છે. આ મેચ દિલ્હી કેપિટલ્સ માટે અત્યંત મહત્ત્વની હતી કારણકે તેઓ પ્લેઓફ્સથી માત્ર એક જ વિજય દૂર હતા. છેલ્લી પાંચ મેચોમાં DCએ ચાર વિજય મેળવ્યા છે જેણે તેને જરૂરી ગતિ પૂરી પાડી હતી અને તેને લીધે આજની મેચમાં આ ટીમના દરેક ખેલાડીઓનો આત્મવિશ્વાસ જોવા લાયક હતો.

દિલ્હી કેપિટલ્સે શિખર ધવન અને કેપ્ટન શ્રેયસ ઐયરની મદદથી 187 રનનો વિશાળ સ્કોર તો ઉભો કર્યો જ હતો, પરંતુ આજે તેમની બોલિંગ અને ખાસ કરીને ફિલ્ડીંગ જબરદસ્ત રહી હતી. એક જ મેચમાં ત્રણ થી ચાર અદભુત કેચ જોવા મળે એ ઘટના બહુ ઓછી બનતી હોય છે પરંતુ આજની આ મેચમાં એ પણ શક્ય બન્યું હતું. આવું એટલેજ શક્ય બની શકે જ્યારે ખેલાડીઓનો આત્મવિશ્વાસ ભરપૂર હોય.

શ્રેયસ ઐયર યુવાન કેપ્ટન છે અને તેની કપ્તાનીની ધાર ગઈ સિઝનમાં જ્યારે તેને સિઝનમાં મોડી કપ્તાની આપવામાં આવી હતી ત્યારે પણ દેખાઈ હતી જ્યારે આ સિઝનમાં તેને પહેલેથી જ આગેવાની સોંપીને દિલ્હી કેપિટલ્સે ડાહ્યું કામ કર્યું હતું. આ ઉપરાંત કોચિંગ સ્ટાફમાં વિશ્વના ક્રિકેટ ઇતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી બે કેપ્ટનો એટલેકે કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને મેન્ટર તરીકે સૌરવ ગાંગુલીનું હોવું પણ DCને ફાયદો કરાવી ગયું છે. હા, તેમનો વિજય રથ શરૂઆતમાં થોડો મોડો પાટા પર આવ્યો હતો પરંતુ આજની મેચ પૂર્ણ થયા બાદ તેઓ પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઈને ચેન્નાઈ સુપર કિંગ્સની ઉપર ટેબલ ટોપની પોઝિશન પર છે તેની અવગણના બિલકુલ ન કરી શકાય.

તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છેલ્લી અમુક મેચો જીતીને હારી ગયેલી બાજીને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમણે ફરીથી પોતાનું નીરસ પ્રદર્શન દેખાડ્યું હતું. કોઈ ગમે તે કહે પરંતુ આ સિઝનમાં RCB માટે પાર્થિવ પટેલ જેટલી સાતત્યપૂર્ણ બેટિંગ તેના એક પણ બેટ્સમેને નથી કરી અને એ જ તેની નિષ્ફળતા દર્શાવે છે. એક વાત નોંધવા જેવી છે કે જે-જે મેચમાં પાર્થિવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સારી શરૂઆત આપી હતી ત્યારબાદ કોઈ બીજા બેટ્સમેને સારી બેટિંગ કરી બતાવી તે તમામ મેચ તેઓ જીત્યા હતા.

RCB માટે પ્લેઓફ્સની રેસમાંથી બહુ જલ્દીથી નીકળી જવું કોઈ નવાઈની વાત નથી. છેલ્લે તેઓ 2012માં પ્લેઓફ્સમાં ક્વોલીફાય થયા હતા આમ છેલ્લા 7-7 વર્ષથી રોયલ ચેલેન્જર્સ પ્લેઓફ્સથી દૂર રહ્યા છે. ભારતના કપ્તાન વિરાટ કોહલી પણ વર્ષોથી આ ટીમની કપ્તાની કરી રહ્યા છે પરંતુ તેમ છતાં આ ટીમના દેખાવમાં કોઈજ ફરક પડ્યો નથી. હવે તો આવતા ઓક્શનમાં RCB પોતાની સમગ્ર ટીમ બદલી નાખે, કપ્તાન સહીત, તો જ કોઈ ફરક પડે એમ છે, અથવાતો દિલ્હીની જેમ નામ બદલીને એક અખતરો કરી લેવામાં પણ કોઈ વાંધો તો નથી જ.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 46 | દિલ્હી કેપિટલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફિરોઝશાહ  કોટલા, દિલ્હી

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બેટિંગ)

દિલ્હી કેપિટલ્સ 187/5 (20) રન રેટ: 9.35

શ્રેયસ ઐયર 52 (37)

શિખર ધવન 50 (37)

યુઝવેન્દ્ર ચાહલ 2/41 (4)

વોશિંગ્ટન સુંદર 1/29 (4)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 171/7 (20) રન રેટ: 8.55

પાર્થિવ પટેલ 39 (20)

માર્કસ સ્ટોઈનીસ 32* (24)

અમિત મિશ્રા 2/29 (4)

કાગીસો રબાડા 2/31 (4)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 16 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: બ્રુસ ઓક્સેનફર્ડ અને કે એન અનંત પદ્મનાભન | સી શમ્સુદ્દીન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here