આન્દ્રે રસલનો પાવર આ મેચમાં ફરી એકવાર જોવા મળ્યો હતો. તો સામે પક્ષે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હાર્દિક પંડ્યાએ પણ પોતાની શક્તિશાળી બેટિંગનું પ્રદર્શન કરી બતાવ્યું હતું.

આ મેચ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ તેમની છ મેચો સળંગ હારી ચૂક્યા હતા અને પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાન રોયલ્સથી પણ નીચેના ક્રમે આવી ગયા હતા. બે વખતના ચેમ્પિયન્સ માટે આ શરમજનક પરિસ્થિતિ હતી. આ મેચ તેમના ગઢ એટલેકે હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર હતી જેમાં તેમણે કોઇપણ હિસાબે વિજય મેળવવાનો જ હતો નહીં તો પ્લેઓફ્સની તેમની આશા એકદમ ધૂંધળી થઇ જવાની હતી.
KKRને વિજય અપાવવાની જવાબદારી જાણેકે આન્દ્રે રસલે એકલે હાથે ઉપાડી લીધી હતી. તેણે પોતાની ધમાકેદાર સ્ટાઈલમાં બેટિંગ તો કરી જ પરંતુ બોલિંગમાં પણ તેણે બે મહત્ત્વની વિકેટો પણ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શુભમન ગીલે પણ આજે આંખોને ઠારે એવા શોટ્સ લગાવ્યા હતા. KKRના પહેલા ત્રણ બેટ્સમેનો જેમાં ક્રિસ લીન પણ સામેલ છે તેમની આતશબાજી વડે જ કોલકાતાએ IPLના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર એટલેકે 232 રન ઉભો કરી દીધો હતો અને તેમની માત્ર બે જ વિકેટો પડી હતી!
મુંબઈ ઇન્ડિયન્સ માટે આ ટાર્ગેટ સિદ્ધ કરવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય હતો તેનું એક કારણ એ હતું કે તેમનો અત્યારસુધીનો સહુથી મોટો સ્કોર 199 રનનો હતો અને જ્યારે અત્યંત ઉંચી રીક્વાયર રન રેટ સતત નજર સામે દેખાતી હોય ત્યારે તેના દબાણ હેઠળ ભલભલા બેટ્સમેનો ઘૂંટણિયે પડી જતા હોય છે. તેમ છતાં હાર્દિક પંડ્યાએ તેનાથી બનતી તમામ કોશિશ કરી અને તેની સિક્સરો પણ આન્દ્રે રસલની સિક્સરો કરતા વેંત નીચી પણ ન રહી હતી, પરંતુ છેવટે તો કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર જ એટલો વિશાળ હતો કે MI માટે તે લક્ષ્ય સતત દૂર રહ્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સ જો આ મેચ જીતી ગયા હોત તો પ્લેઓફ્સમાં તેમણે પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હોત, પરંતુ આ મેચમાં હાર મળતા હવે તેમણે થોડી રાહ જોવી પડશે. MIને હજી પણ બે મેચો રમવાની બાકી છે અને હાલમાં તેઓ ટેબલ પર 14 પોઈન્ટ્સ સાથે ત્રીજે નંબરે છે એટલે બાકીની બે મેચોમાંથી એક મેચમાં પણ જો તેઓ જીત મેળવશે એટલે તેઓ પ્લેઓફ્સમાં ક્વોલિફાય થઇ જશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે હજી દિલ્હી થોડું દૂર છે. સતત છ હાર પછી મેળવેલો ભવ્ય અને મોટો વિજય તેમના માટે રાહત લાવે તેવો તો છે પરંતુ હવે તેમણે પોતાની બાકીની બંને મેચો જીતવી પડશે જેમાંથી એક કિંગ્સ ઈલેવન પંજાબ સામે છે અને KXIP પણ KKRની જેમ જ પ્લેઓફ્સના ચોથા સ્થાન માટે લડી રહ્યું છે આથી તે પણ એમ આસાનીથી તેને ફાવવા નહીં દે.
તો કોલકાતા નાઈટરાઈડર્સની બીજી મેચ જે આ સિઝનની છેલ્લી રાઉન્ડ મેચ હશે તે ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમવાની છે, આથી MI પણ આજની મોટી હારનો બદલો લેવા જરૂર ઈચ્છશે. આ ઉપરાંત તેમણે પણ પ્લેઓફ્સમાં ક્વોલીફાય થવાનું તે વખતે પણ બાકી હશે તો તો તેઓ એડીથી ચોટીનું જોર લગાવશે એ નક્કી છે અને જો એમ નહીં પણ હોય તો પણ પહેલા બે સ્થાનમાં પહોંચવા માટે પણ મુંબઈ ઇન્ડિયન્સ પ્રયાસ કરશે કારણકે પહેલા બે સ્થાનો વચ્ચેની મેચ જેને ક્વોલિફાયર કહેવાય છે તેમાં જીત મેળવવાથી ટીમ સીધી IPL ફાઈનલમાં પ્રવેશ મેળવી જાય છે તે એક મોટો ફાયદો છે.
આમ રાઉન્ડ મેચોનું આજથી શરુ થતું છેલ્લું અઠવાડિયું અત્યંત રોચક અને રસપ્રદ બની રહેવાનું છે એ નક્કી છે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 47 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ
ઈડન ગાર્ડન્સ, કોલકાતા
ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બોલિંગ)
કોલકાતા નાઈટ રાઈડર્સ 232/2 (20) રન રેટ: 11.6
આન્દ્રે રસલ 80* (40)
શુભમન ગીલ 76 (46)
ક્રિસ લીન 54 (29)
હાર્દિક પંડ્યા 1/31 (3.0)
મુંબઈ ઇન્ડિયન્સ 198/7 (20) રન રેટ 9.9
હાર્દિક પંડ્યા 91 (34)
આન્દ્રે રસલ 2/25 (4)
હેરી ગર્ની 2/37 (4)
પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સ 34 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: આન્દ્રે રસલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
અમ્પાયરો: ઇયાન ગુલ્ડ અને નિતીન મેનન | અનિલ દાંડેકર (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: એન્ડી પાયકોર્ફ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું