ચૂંટણી મધ્યે અચાનક જાગેલી કોંગ્રેસનો દાવો: “અમેય સર્જીકલ સ્ટ્રાઈક્સ કરી હતી”

0
159
Photo Courtesy: newsx.com

લોકસભાની ચૂંટણીઓના ત્રણ તબક્કા બાકી છે એવા સમયે કોંગ્રેસે અચાનક જ ઊંઘમાંથી જાગીને એવો દાવો કર્યો છે કે તેણે પોતાની સરકારના સમયમાં 6 સર્જીકલ સ્ટ્રાઈક્સ કરી છે!

Photo Courtesy: newsx.com

આજે કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે મનમોહન સિંગ સરકારના સમયમાં સરકારે એક નહીં બે નહીં પરંતુ છ સર્જીકલ સ્ટ્રાઈક્સ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા રાજીવ શુક્લાએ તો અટલ બિહારી વાજપેયી સરકારના સમયમાં થયેલી બે સર્જીકલ સ્ટ્રાઈક્સ પણ ગણાવી દીધી હતી અને કહ્યું હતું કે વાજપેયી સરકાર કે પછી અમારી સરકારે આ સર્જીકલ સ્ટ્રાઈક્સની ક્રેડિટ લેવા ક્યારેય પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી.

રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર મનમોહન સિંગ સરકારના સમયમાં નીચે પ્રમાણેની 6 સર્જીકલ સ્ટ્રાઈક્સ કરવામાં આવી હતી.

  1. 19 જુન, 2008 જમ્મુ અને કાશ્મીરના પૂંચ જીલ્લામાં ભટ્ટલ સેક્ટરમાં
  2. 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2011, શારદા સેક્ટર, કેલમાં આવેલી નિલમ વેલીમાં
  3. 6 જાન્યુઆરી 2013, સાવન પાત્રા ચેકપોસ્ટ
  4. જુલાઈ 27 – 28, 2013 નાઝાપીર સેક્ટર
  5. ઓગસ્ટ 6, 2013 નિલમ વેલી
  6. જાન્યુઆરી 14, 2014 (સર્જીકલ સ્ટ્રાઈક્સના સ્થળની માહિતી આપવામાં આવી નથી.)

વાજપેયી સરકાર દરમ્યાન કરવામાં આવેલી 2 સર્જીકલ સ્ટ્રાઈક્સની વિગતો જે કોંગ્રેસના પ્રવક્તા રાજીવ શુક્લાએ આજે આપી હતી.

  1. 21 જાન્યુઆરી, 2000 (નાલંદા એન્કલેવ, નિલમ નદી)
  2. 18 સપ્ટેમ્બર, 2003 (બરોહ સેક્ટર, પૂંચ)

રાજીવ શુક્લાની જાહેરાત બાદ પહેલો પ્રશ્ન એ થાય છે કે જો આ વિગતો સાચી હતી તો કોંગ્રેસ પક્ષ અત્યારસુધી ચૂપ કેમ રહ્યો? કોંગ્રેસને આ વિગતો અત્યારે જ આપવાની જરૂર કેમ લાગી જ્યારે લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પતી ગયા છે અને હવે ત્રણ તબક્કા બાકી રહ્યા છે. જો તેણે રાફેલને બદલે આ સર્જીકલ સ્ટ્રાઈક્સની વિગતો છ મહિના પહેલા જાહેર કરીને મોદી સરકારને પડકાર ફેંક્યો હોત તો તે નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા ચૂંટણીમાં ઉઠાવવામાં આવેલા રાષ્ટ્રવાદના મુદ્દાની અસર હળવી કરી શકી હોત.

અહીં એ હકીકત પણ નોંધવા જેવી છે કે આજે સવારે જ પબ્લિશ થયેલા હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા મનમોહન સિંગના ઇન્ટરવ્યુ બાદ કોંગ્રેસે આ દાવો કર્યો છે જેમાં મનમોહન સિંગના ઇન્ટરવ્યુમાં કહેવાયેલી વાતનો પડઘો પાડવામાં આવ્યો છે, જેને યોગાનુયોગ  બિલકુલ ન ગણી શકાય.

એક પ્રશ્ન એવો પણ થાય છે કે શું કોંગ્રેસ જે ઓપરેશન્સને સર્જીકલ સ્ટ્રાઈક્સ ગણે છે એ ખરેખર સર્જીકલ સ્ટ્રાઈક્સ કહેવાય કે સેનાની ભાષામાં તેને કોઈ બીજું ટેક્નિકલ નામ આપવામાં આવે છે?

કોંગ્રેસને એક પ્રશ્ન એ કરવાનું પણ મન થાય છે કે તેણે દાવો કરેલી સર્જીકલ સ્ટ્રાઈક્સ બાદ તેણે તે અંગેની માહિતી જનતાને આપવાનું જરૂરી કેમ ન સમજ્યું? શું જનતા આપણી સેનાની વિરતા બદલ તે સમયે ગર્વ ન લઇ શકી હોત? કે પછી કોંગ્રેસ સેનાને ક્રેડિટ આપવા નહોતી માંગતી?

આપણે એ પણ જાણીએ છીએ કે 2016ની સર્જીકલ સ્ટ્રાઈક્સ બાદ પાકિસ્તાન પર ભારતમાં આતંકવાદ એક્સપોર્ટ બંધ કરવા માટે ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું આથી જો કોંગ્રેસે ભલે પોતાની 6 સર્જીકલ સ્ટ્રાઈક્સની માહિતી જાહેર ન કરી હોય પરંતુ તે વિવિધ આંતરરાષ્ટ્રીય ચેનલો દ્વારા તે સમયે પાકિસ્તાન પર દબાણ કેમ ન લાવી શકી? જો એટલું પણ મનમોહન સિંગ સરકારે કર્યું હોત તો આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાન બહુ વહેલું એકલું અટુલું પડી ગયું હોત.

હવે સહુથી મોટો સવાલ કોંગ્રેસને કરવાનું મન એ થાય છે કે ઓગસ્ટ 2017માં કરવામાં આવેલી એક RTIના જવાબમાં ભારતીય સેનાએ કબુલ્યું છે કે તેણે 2016 પહેલા એક પણ સર્જીકલ સ્ટ્રાઈક નથી કરી, તો જનતા સેનાનું કેમ ન માને અને કોંગ્રેસના દાવાને જ કેમ સાચો માને?

કોંગ્રેસનો સહુથી હાસ્યાસ્પદ દાવો વાજપેયી સરકારને પોતાની સાથે જોડવાનો છે. આના પરથી એ સાબિત થાય છે કે કોંગ્રેસની ડિક્શનરીમાં સર્જીકલ સ્ટ્રાઈક્સનો અર્થ સાવ અલગ છે કારણકે ખુદ સેનાએ કબુલ કર્યું છે કે તેણે 2016 અગાઉ ક્યારેય સર્જીકલ સ્ટ્રાઈક્સ નથી કરી, એનો સીધો મતલબ એ છે કે વાજપેયી સરકાર દરમ્યાન પણ સેનાએ એ જ ઓપરેશનો પાર પાડ્યા હશે જેને કોંગ્રેસ પોતાની વ્યક્તિગત ભાષામાં સર્જીકલ સ્ટ્રાઈક્સ માને છે!

લોકસભાની ચૂંટણીઓની મધ્યે જ્યારે રાષ્ટ્રવાદ અને નેશનલ સિક્યોરિટીના મામલે કોંગ્રેસ જવાબ આપી નથી શકતી ત્યારે આજનો સર્જીકલ સ્ટ્રાઈક્સ અંગેનો આ દાવો છેલ્લા ત્રણ રાઉન્ડમાં પોતાની બચેલી આબરૂ બચાવવાના પ્રયાસથી વધુ કશું જ નથી લાગતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here