IPL 2019 | મેચ 51 | સુપર ઓવર દ્વારા પ્લેઓફ્સમાં MIની સુપર એન્ટ્રી!

0
263
Photo Courtesy: indiatoday.in

આ મેચ જીતવી બંને ટીમો માટે અત્યંત જરૂરી હતી, જો કે બંને ટીમો પાસે આ મેચ બાદ પણ એક મેચ હજી હાથમાં હતી અને જે રીતે આ મેચ રમાઈ બંને ટીમો તેને જીતવા કેટલી તત્પર હતી તે જણાઈ આવ્યું હતું.

Photo Courtesy: indiatoday.in

જો અત્યારે પણ પોઈન્ટ્સ ટેબલ પર નજર નાખીએ અને દરેક ટીમોની પરિસ્થિતિ અંગે વિચારીએ તો દ્રશ્ય જેટલું સરળ લાગે છે એટલું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે અત્યારે પહેલા નંબરે હોય પરંતુ તેને પોતાની છેલ્લી મેચમાં પહેલું કે બીજું સ્થાન જાળવી રાખવા માટે તેને જીતવાનું કદાચ એટલું જ દબાણ હશે. આ દબાણ પાછળનું કારણ છે મુંબઈ ઇન્ડિયન્સની આ મેચની છેલ્લી ઘડીની જીત.

આ મેચ જીતવી મુંબઈ ઇન્ડિયન્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ બંને માટે લગભગ જીવન મરણના સવાલ જેવું હતું. કદાચ SRH માટે વધુ કારણકે તેઓ બાકીની મેચ ડેવિડ વોર્નર વગર રમવાનું છે. પહેલા જોની બેરસ્ટોની જગ્યાએ રિદ્ધિમાન સાહા પાસે ઓપનીંગ કરાવ્યું જે અત્યારસુધી બેન્ચ પર બેઠો હતો અને હવે વોર્નરના ગયા પછી માર્ટિન ગપ્તિલને બેંચ પરથી સીધો પીચ પર અને એ પણ ઓપનીંગ કરવા તેમણે મોકલી દીધો હતો.

ટૂંકમાં કહીએ તો સન રાઈઝર્સ હૈદરાબાદે આ મેચ જીતીને પ્લેઓફ્સમાં પોતાનું સ્થાન પાક્કું કરવાનું હતું જેથી તેઓ ઓપનીંગ ઓર્ડર ભલે નવો હોય પરંતુ તેઓ શાંતિથી પોતાની આખરી મેચમાં પ્લેઓફ્સની રણનીતિ બનાવી શકે.

જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સામે સીધો વિકલ્પ હતો કે તેમણે ગમેતે ભોગે મેચ જીતવાની જ છે. રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી તો ખરી પરંતુ તેની બાદ માત્ર સૂર્યકુમાર યાદવે ક્વિન્ટન ડી કોકને સહારો આપ્યો અને બાકીના બેટ્સમેનો થોડા થોડા અંતરે આઉટ થતા ગયા.

કદાચ સામે વિકેટો પડી રહી હતી એટલે જ ડી કોક નોટ આઉટ તો રહ્યો પરંતુ પ્રમાણમાં તેણે ધીમી બેટિંગ કરી હતી. તેમ છતાં MI 162ના પડકારરૂપ કહી શકાય એવા ટોટલ સુધી જરૂર પહોંચ્યું હતું. SRHની ઓપનીંગ ઓર્ડરની નબળાઈ સાહાએ સામે આવવા દીધી ન હતી. તેમ છતાં મનીષ પાંડે સિવાય સન રાઈઝર્સ હૈદરાબાદના અન્ય બેટ્સમેનો મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોની જેમ જ ટપોટપ આઉટ થવા માંડ્યા, સિવાય કે મોહમ્મદ નબી.

નબીએ નિશ્ચિત હાર તરફ જઈ રહેલી SRHની ઇનિંગને પાંડેજીની મદદથી ટાઈમાં પરિવર્તિત કરી આપી હતી. પરંતુ છેવટે તો સન રાઈઝર્સ હૈદરાબાદે હારવાનું જ હતું એટલે સુપર ઓવરમાં 8 રન બનાવતા બનાવતા તેની બંને વિકેટો પડી ગઈ હતી અને મુંબઈ ઇન્ડિયન્સે આસાનીથી 9 રનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.

હવે મુંબઈ ઇન્ડિયન્સને રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાનું છે જેણે આજે કિંગ્સ ઈલેવન પંજાબ સામે લડવાનું છે. આ બંને ટીમો પણ પ્લેઓફ્સના બાકી રહેલા એક સ્થાન માટે લડી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ પણ આઉટ સાઈડ ચાન્સ ધરાવે છે. સવાલ હવે બાકી રહેલું એક સ્થાન કોણ લેશે તેનો છે અને પહેલા બે સ્થાન પર કોણ રહેશે તેનો છે.

પોઈન્ટ્સ ટેબલની તાજી પરિસ્થિતિ અત્યંત રસપ્રદ છે જે બાકીની પાંચેય મેચો રસપ્રદ અને રોમાંચક બનાવી દેશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 51 | મુંબઈ ઇન્ડિયન્સ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બેટિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 162/5 (20) રન રેટ: 8.1

ક્વિન્ટન ડી કોક 69* (58)

રોહિત શર્મા 24 (18)

ખલીલ અહમદ 3/42 (4)

મોહમ્મદ નબી 1/24 (4)

સન રાઈઝર્સ હૈદરાબાદ 162/6 (20) રન રેટ: 8.1

મનીષ પાંડે 71* (47)

મોહમ્મદ નબી 31 (20)

કૃણાલ પંડ્યા 2/22 (4)

જસપ્રીત બુમરાહ 2/31 (4)

સુપર ઓવર

સન રાઈઝર્સ હૈદરાબાદ 8/2 (4 બોલ)

મુંબઈ ઇન્ડિયન્સ 9/0 (3 બોલ)

પરિણામ: મેચ ટાઈ, મુંબઈ ઇન્ડિયન્સ સુપર ઓવરમાં જીત્યા

મેન ઓફ ધ મેચ: જસપ્રીત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: એસ રવિ અને નંદન | નંદકિશોર (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here