INS વિરાટના દુરુપયોગની સાક્ષી પૂરાવતા બે પૂર્વ નેવી અધિકારીઓ

0
297
Photo Courtesy: opindia.com

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતના મુખ્ય વોરશિપ INS વિરાટનો દૂરઉપયોગ કર્યો હોવાના મામલે હવે પૂર્વ નેવી અધિકારીઓ પણ સામે ચાલીને આ ઘટના તેમની નજર સમક્ષ બની હોવાની સાક્ષી પૂરાવી રહ્યા છે.

Photo Courtesy: opindia.com

અમદાવાદ: INS વિરાટનો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતાના અને પોતાના પરિવાર, મિત્રો ના વેકેશન માટે દુરુપયોગ કર્યો હોવાનો વિવાદ હવે વધુ ઘેરો થતો જાય છે. એક નહીં પરંતુ બે-બે પૂર્વ નેવી અધિકારીઓએ જાહેરમાં કહ્યું છે કે રાજીવ ગાંધી સહપરિવાર લક્ષદ્વિપના બંગારામ ટાપુ પર પિકનિક માણવા ગયા હતા અને તેઓ આ ઘટનાના સાક્ષી છે.

1987માં જેણે આ ન્યૂઝ સ્ટોરી બ્રેક કરી હતી તે અનીતા પ્રતાપે પણ ફરીથી કહ્યું છે કે જો આ સ્ટોરીમાં અસત્યનો એક અંશ પણ હોત તો તેમણે આ સ્ટોરી કરી જ ન હોત. અનીતા પ્રતાપે કહ્યું હતું કે બંગારામ ટાપુ પણ ખાસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો  કારણકે અહીં વિદેશીઓને આવવા પર કોઈ રોક નથી અને અહીં દારૂબંધી પણ નથી.

ગઈકાલે નિવૃત્ત નેવી કમાન્ડર વી કે જેટલીએ એક ટીવી ન્યૂઝ ચેનલ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ખુદ INS વિરાટ પર તે સમયે હતા અને રાજીવ ગાંધી, તેમના પત્ની સોનિયા ગાંધી અને તેમના સગા સંબંધીઓ ત્યારે વેકેશન ગાળવા બંગારામ ટાપુ પર ગયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે આ વેકેશન કેટલા દિવસનું હતું તે તેમને અત્યારે યાદ નથી પરંતુ આ સમગ્ર ઘટના તેમને આજે પણ બરોબર યાદ છે.

એક અન્ય નિવૃત્ત નેવી કમાન્ડર હરિન્દર સિક્કાએ તો તેનાથી પણ વધુ મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે 1987નું રાજીવ ગાંધીનું વેકેશન એ તેમના સમયગાળામાં એકમાત્ર વેકેશન ન હતું જે તેમણે કોઈ નેવી શિપનો ઉપયોગ કરીને ગાળ્યું હોય.

કમાન્ડર સિક્કાએ કહ્યું હતું કે 1985થી જ સતત રાજીવ ગાંધી પોતાના અંગત ઉપયોગ માટે જૂદા જૂદા નેવી વોરશિપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. કમાન્ડર હરિન્દર સિક્કાએ કહ્યું હતું કે નેવીના રેકોર્ડ તપાસવામાં આવે તો આ બધી જ વિગતો સામે આવી જશે.

આ બંને પૂર્વ નેવી અધિકારીઓના ખુલાસાથી એ બાબત તો સ્પષ્ટ થાય જ છે કે રાજીવ ગાંધીએ એક વાર નહીં પરંતુ અનેકવાર નેવીના વોરશિપ્સનો ઉપયોગ પોતાની અંગત જરૂરિયાત અને મોજમજા માટે કર્યો હતો.

જો દર વખતે તેમના કાફલામાં વિદેશી નાગરિકો અને અન્ય સગાંઓ રહેતા હશે તો દેશની સુરક્ષા સાથે કેટકેટલી વખત સમાધાન કરવામાં આવ્યું હશે તે વિચારવા જેવી વાત છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here