એક મોટા ટ્વિસ્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ગુલામ નબી આઝાદે પોતાના સાથીદારોને એવો સંદેશ મોકલવાની કોશિશ કરી છે કે વડાપ્રધાન પદ એ કોંગ્રેસ માટે મુખ્ય લક્ષ્ય હવે નથી.

પટના: જેમ જેમ લોકસભાની ચૂંટણીના પરિણામની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ વિપક્ષી કેમ્પમાં ગભરાટ વધી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પહેલા તો ચંદ્રાબાબુ નાયડુની પરિણામ પહેલા વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવવા પર મમતા બેનરજીએ ચૂંટણી પરિણામ પહેલા તેની જરૂર ન હોવાનું કહીને તેનો ઇનકાર કર્યો અને હવે કોંગ્રેસ તરફથી એક એક આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું છે અને તે કોંગ્રેસનો ગભરાટ દર્શાવે છે.
ગઈકાલે બિહારના પટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો બાદ જો સાથી પક્ષો સહમત થશે તો જ કોંગ્રેસ પોતાના વ્યક્તિ (રાહુલ ગાંધી) ને વડાપ્રધાન બનાવશે. પરંતુ જો બાકીના સાથી પક્ષો એટલેકે એ પક્ષો જેણે કોંગ્રેસને પોતાના ગઠબંધનમાં સામેલ નથી કરી તેઓ જો તે અંગે સહમત નહીં થાય તો કોંગ્રેસ આ માટે કોઈજ હઠાગ્રહ નહીં રાખે અને કોઈ અન્ય સર્વસંમત ઉમેદવારને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન આપશે.
કોંગ્રેસ તરફથી આવેલું આ નિવેદન એ દર્શાવે છે કે તેને ખાતરી થઇ ગઈ છે કે તે પોતાની તાકાતથી બહુમતી માટે જરૂરી એવા 272ના આંક સુધી પહોંચવા માટે સમર્થ નથી અને આથી ગમેતેમ કરીને તે અન્ય વિપક્ષોને ભેગા કરીને ખીચડી સરકાર બનાવી તેમાં સામેલ થશે. ગુલામ નબી આઝાદે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસનું મૂળ લક્ષ્ય NDA સત્તામાં પરત ન આવે તે છે નહીં કે વડાપ્રધાન પદ પોતાની પાસે રાખવું.
કોંગ્રેસના વલણમાં આવેલા બદલાવનું એક બીજું કારણ એ પણ છે કે એમ કે સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ અને તેજસ્વી યાદવ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા પર સહમત છે પરંતુ માયાવતી, શરદ પવાર, મમતા બેનરજી અને અખિલેશ યાદવ આ નામ સાથે બિલકુલ પણ ઉત્સાહિત નથી.
આમ કોંગ્રેસે પોતાના સાથીદારોને એક ગર્ભિત સંદેશ આપ્યો છે કે તેના સહીત જો બધી જ વિપક્ષી પાર્ટીઓ ભેગી મળીને 272ના આંકડાની નજીક પહોંચશે તો તે એવા સંજોગોમાં વડાપ્રધાન પદ જતું કરવા તૈયાર છે. યાદ રહે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક જાહેરસભામાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓ માટે તેઓ કોંગ્રેસ વતી વડાપ્રધાન પદના ઉમેદવાર છે.
પરંતુ ગુલામ નબી આઝાદના ગઈકાલના નિવેદનને અન્ય કોઈ કોંગ્રેસી નેતા અથવાતો પ્રવક્તાએ સમર્થન આપ્યું નથી તે પણ અહીં નોંધવા જેવી હકીકત છે.
eછાપું