પરીક્ષાના સમયનો ચિતાર આપતી લઘુકથા: પહેલું પેપર બોર્ડનું

0
301

બોર્ડની પરીક્ષા આવે એટલે લગભગ બધા જ ઘરોમાં જ્યાં જ્યાં પણ બોર્ડનો વિદ્યાર્થી હોય ત્યાં ત્યાં એક સરખું ટેન્શન હોવું એ આજની નહીં પરંતુ સાત દાયકા જૂની પરિસ્થિતિ છે તેનું વર્ણન આ લઘુકથામાં કરવામાં આવ્યું છે.

શેઠનો આનંદ માતો ન હતો. માતાજીની અનેક બાધા આખડીઓ બાદ દેવે દીધેલો સાત ખોટનો દીકરો દેખાવે તો રાજકુંવર જેવો હતો જ, ભણવામાં પણ શિક્ષકોનો માનીતો હતો. ઘણો હોંશિયાર કહી શકાય. હા, થોડું તો શેઠની પ્રતિષ્ઠા અને શાળાના ટ્રસ્ટીઓ સાથેના સંબંધ પણ શિક્ષકોના તે કિશોર પ્રત્યેના વધુ પ્રેમનું કારણ હોઈ શકે.

જે હોય તે, પોતાનો વિસ્તૃત, સમૃદ્ધ ધંધો સંભાળવા આ પુત્ર કાબેલ નીવડશે તેમાં શંકા ન હતી.

પુત્ર મેટ્રિકમાં આવ્યો. (એ વખતે 11મું એટકે ssc કે મેટ્રિક. 10 અને 12 એમ બે સ્ટેજ ન હતાં. કોલેજ અને લાઈન 11માં એટલે કે મેટ્રિક પરથી નક્કી થતી.) આઠમા ધોરણથી પુત્રને વધુ હોંશિયાર બનાવવા ગણિતના તો ટ્યુશન રાખેલાં જ. પછી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. હવે તો દરેક વિષયના અલગ શિક્ષક. એ પણ તેમની શાળામાં નીવડી ચૂકેલા. છતાં એ બધાની ઉપર એક મુખ્ય શિક્ષક. તેઓ અત્યંત વાત્સલ્યથી (કારણકે અત્યંત ઊંચી ફી શેઠે નક્કી કરેલી) ભરેલા અને પરીક્ષામાં વધુ ને વધુ ગુણ લાવવાની તરકીબો જાણતા હતા. બીજા શિક્ષકો તો બાબાભાઈ કે નાના શેઠને ભણાવે જ પણ શું ભણાવ્યું ને તેનું શું પરિણામ છોકરો લાવ્યો એની દેખરેખ મુખ્ય શિક્ષક રાખતા રહ્યા.

શાળામાં તો ટ્રસ્ટી ખુદ તે વિદ્યાર્થીને બોલાવી દેખરેખ રાખતા અને ખુદ હેડમાસ્તર તેની નોટપર નજર ફેરવી જતા. શિક્ષકો તો રીતસર તૂટી જ પડેલા. આ છોકરો બોર્ડના પ્રથમ દસમાં આવે તો તેનું, શાળાનું અને પોતાનું પણ નામ થાય. જેથી પછીના વર્ષોમાં વધુ પૈસા લઈ ટ્યુશન કરી શકાય.

બાબાને વધુ ભણવા વધુ શક્તિની જરૂર પડે જ ને? બોર્નવિટા તો ખરું જ, ડોક્ટર તેની તપાસ કરતા અને ટોનિક પણ લખેલાં.

શેઠ જાતે પુત્રની ઊંઘના કલાક, વાંચવાના કલાક અને ફ્રેશ થવા ફક્ત રમવાનો એક કલાક મોનીટર કરતા.

પ્રિલિમિનરીમાં પુત્ર કલાસ ફર્સ્ટ આવ્યો. બોર્ડમાં આખી સ્કૂલના બધા ક્લાસમાં પહેલો આવે, બોર્ડમાં પણ આવી છાપામાં ફોટો આવે (એ વખતે પ્રથમ દસ અને સેન્ટરમાં આવે એનો ફોટો છપાતો) એની તૈયારીઓ શરૂ થઈ ગઈ.

જાન્યુઆરીથી શેઠ ખુદ પરોઢે પોણા પાંચે ઉઠી પુત્રને ઉઠાડતા. રસોયો પાંચ વાગે ગરમ ચા કરી આપતો અને સાત વાગે એટલે બોર્નવિટા. એ વખતે ટીવી તો હતાં નહીં કે ન હતા મોબાઈલ. છતાં રેડિયો પણ બંધ.

સ્કૂલવાળા પુત્રને ખાસ કોચિંગ આપવા પેપરો કાઢતા, જુના પેપરો પુત્ર લખી જ ગયેલો અને દરેકમાં મહત્તમ માર્ક આવે એટલે ફરીથી લખાવતા. પર્સનલ ટ્યુશનવાળા પણ અક્ષરો અને આકૃતિઓથી માંડી પેપરમાં પ્રશ્નોની લંબાઈ, ટુંકનોંધ, નિબંધની ભાષા બધું સુપરવાઇઝ કરતા. દરેકે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધેલી.

શેઠ પુત્ર બોર્ડમાં આવે તેના સ્વપ્ના જોતા.

શેઠે શિક્ષકો માટે પુરસ્કાર નક્કી કરી રાખેલા. ગુરુઓને તો માન આપવું જ પડે ને? મુખ્ય શિક્ષકને સોનુ મઢેલી કાંડા ઘડિયાળ અપાશે તેવું ખાનગી સૂત્રોએ કહેલું.

બોર્ડની પરીક્ષા શરૂ થઈ. શેઠ પુત્રને વહાલથી સાડાચારે ઉઠાડતા. પુત્રને જે તે વિષયના પેપરની તૈયારી કરાવવા ને ટિપ્સ આપવા શિક્ષક આવી જતા. મુખ્ય શિક્ષક થોડું પૂછી અને સમજાવી જતા. પુત્રને પેટ હળવું રખાવાતું પણ ગમતી રસોઈ રસોયા દ્વારા બનાવી દેવાતી.

શેઠની કાર પુત્રને સેન્ટર લેવા મુકવા ફ્રી કરી દેવાયેલી. પેપર પતે એટલે બહાર આવતા પુત્ર માટે લીંબુ પાણી અને નાસ્તો તૈયાર.

પરીક્ષા પુરી થઈ એટલે શેઠ પુત્ર, પત્ની સાથે હળવાશ માટે હીલ સ્ટેશન પણ જઇ આવ્યા.

આજે બોર્ડનું રિઝલ્ટ. શેઠની આંખોમાં પુત્રની કીર્તિનાં સ્વપ્નાં રમતાં હતાં. શિક્ષકો પુરસ્કારની રાહ જોઇને બેઠેલા. મુખ્ય શિક્ષકને સોનાના પટ્ટા વાળી ઘડિયાળ દેખાતી હતી.

એ વખતે રિઝલ્ટનો ટેલિગ્રામ આવતો અને છાપામાં રિઝલ્ટ આવતું. અગિયાર વાગ્યા, એક વાગ્યો. ન શેઠ જમ્યા ન પુત્ર. શિક્ષકોના જીવ ઊંચા. કેટલી વાર? નેક્સટ વર્ષનાં ટ્યુશન માં જાહેરાત કરવી છે. પુરસ્કાર પણ.. કેટલી વાર પછી? રસોઈયાએ મીઠાઈ તો રાંધી જ રાખેલી, શહેરનો શ્રેષ્ઠ કંદોઈ મઘમઘતી મીઠાઈ તૈયાર રાખીને બેઠેલો. શેઠના એક નોકરીનીજ રાહ. એ વખતે ફોન બહુ ઓછા હતા.

બપોરે ત્રણ.. ચાર.. શેઠે પ્રેસમાં ફોન કર્યો. કલાકમાં રિઝલ્ટ પ્રેસ પર આવી ગયું. બાબાભાઈનું નામ બોર્ડમાં અવેલાઓની યાદીમાં ન હતું. ફર્સ્ટ ક્લાસમાં પણ નહીં. અરે.. તંત્રી નજર ફેરવી ગયા, પાસ માં પણ નહીં. હશે, પ્રેસનોટમાં ભૂલ હશે. સ્કૂલ પર આવે એટલે એ લોકોના છોતરાં ઉખાડી નાંખશું. આવા હોંશિયાર અને આવા ગર્ભશ્રીમંત નું રિઝલ્ટ આપવામાં ભૂલ?

સાંજ પડી. રાતના અંધારાં ઉતરી આવ્યાં.

ચિંતાતુર શેઠે પુત્ર સામે જોયું. તે નીચું જોઈ બેઠેલો. નીચું જ જોઈ લાલચોળ ચહેરે એટલું જ બોલી શક્યો “મેં પહેલું પેપર કોરું મૂકેલું’.

(રા. વિ. પાઠકની આશરે 65વર્ષ પહેલાં લખાયેલી વાર્તા સ્મરણ પરથી.)

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here