રવિવારે સાંજે જાહેર કરવામાં આવેલા વિવિધ એક્ઝીટ પોલ્સના પરિણામોની અસર આજે દેશભરના શેરબજારો પર પણ જોવા મળી છે અને બજાર આજે તેજી સાથે ખુલ્યાં હતા.

ગઈકાલે પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા મોટાભાગના એક્ઝીટ પોલ્સ એવી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારે બહુમતથી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
એક્ઝીટ પોલ્સની આ પ્રકારની આગાહી બાદ આજે સવારે શેરબજારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 900 પોઈન્ટ્સ ઉપર ખુલવાની સાથે 39,000ના આંકને પાર કરી ગયો હતો જ્યારે Nifty 250 પોઈન્ટ્સ ઉપર ખુલ્યો હતો.
Niftyમાં મોટાભાગના આગેવાન શેર્સમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યારે સેન્સેક્સ હજી પણ શુક્રવારના બંધથી 700 પોઈન્ટ્સ ઉપર ચાલી રહ્યો છે.
ઇન્ડિયા ટૂડે AXIS એક્ઝીટ પોલ અનુસાર NDAને 368 જેટલી મહત્તમ બેઠકો આપવામાં આવી છે. જ્યારે News 24 – ચાણક્ય દ્વારા કરવામાં આવેલા સરવેમાં NDAને 340 બેઠકો આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંતના મોટાભાગના એક્ઝીટ પોલ્સ NDAને બહુમતી તો આપે જ છે.
ઉપરોક્ત એક્ઝીટ પોલ્સમાં ભાજપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં લગભગ પોતાની 2014ની સ્થિતિ જાળવી રાખશે તેવી આગાહી કરવામાં આવી હતી. જ્યારે તેને ગયા વખત કરતા કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લાભ થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
eછાપું