CWC 19 | M 10 | એટલેજ ઓસ્ટ્રેલિયા એ ઓસ્ટ્રેલિયા છે વેસ્ટ ઇન્ડિઝ નથી

0
139
Photo Courtesy: twitter.com/cricketworldcup

ગમે તે પરિસ્થિતિમાં નકારાત્મક નહીં બનવાની ઓસ્ટ્રેલિયન ટીમની કાયમની આદતે તેને વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ જીતવામાં મદદ કરી હતી, તો સામે પક્ષે વેસ્ટ ઇન્ડિઝે પણ તેની પાસેથી અપેક્ષા મુજબનો જ દેખાવ કર્યો હતો.

Photo Courtesy: twitter.com/cricketworldcup

ભારત જ્યારે 1983નો વર્લ્ડ કપ જીત્યું એ સમયથી ક્રિકેટ જોવાનો અને તેને સમજવાનો અનુભવ છે અને ત્યારથી જ એક હકીકતની નોંધ લીધી છે કે ઓસ્ટ્રેલિયા જેવી કોઈ બીજી લડાયક ટીમ આખા ક્રિકેટ વિશ્વમાં એક પણ નથી. અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે, “Don’t say over till it’s over!” એટલે કે “જ્યાં સુધી પરાજીત ન થાવ ત્યાં સુધી પોતાની જાતને પરાજીત થયેલા ન માનો. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલેથી જ આ મંત્ર લઈને મેદાનમાં ઉતરતી હોય છે.

આ હકીકતનું તાજું ઉદાહરણ એટલે ગઈકાલે ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વર્લ્ડ કપ 2019ની દસમી મેચ. આ વર્લ્ડ કપમાં આપણે ભલભલી ટીમને માત્ર દસ મેચો દરમ્યાન જ ઘૂંટણ ટેકવી દેતી જોઈ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા તેમાંથી એક બિલકુલ નથી. નહીં તો માત્ર 17 ઓવર અને 80 રનની અંદર અંદર અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઈ હોય અને તો પણ એક સમય એવો આવે કે એ ટીમ કદાચ 300 રનના સ્કોરને પણ સ્પર્શી શકે એવું તો માત્ર ઓસ્ટ્રેલિયા જ કરી શકે.

પહેલા સ્ટિવ સ્મિથ અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી અને બાદમાં સ્ટિવ સ્મિથ અને નેથન કુલ્ટર નાઇલ માત્ર ત્રણ ખેલાડીઓની જવાબદારી ભરેલી અને મેદાન પર જ બનાવેલી રણનીતિથી ઓસ્ટ્રેલિયા 79/5 પરથી 288 ઓલ આઉટનો સ્કોર કરી ગયું. આ તો કુલ્ટર નાઇલ છેલ્લે થોડી ઉતાવળ કરી બેઠો નહીં તો ઓસ્ટ્રેલિયા 300 રન કરતા પણ અમુક રન વધુ બનાવત અને નાઇલની સેન્ચુરી થાત એ નફામાં!

ઓસ્ટ્રેલિયન ટીમની આ જ ખૂબી છે. જ્યારે જરૂર હોય ત્યારે અજાણ્યા અને માત્ર બોલર તરીકે જ ઓળખાતા ખેલાડીઓ પણ પોતાનો હાથ ઉંચો કરીને જવાબદારીપૂર્વક બેટિંગ કરતા હોય છે, બાકી નેથન કુલ્ટર નાઇલ, વિથ ડ્યુ રીસ્પેક્ટ, તેની બેટિંગ માટે છેલ્લે ક્યારે જાણીતો બન્યો હતો?

તેનાથી સાવ વિરુદ્ધ એક સમયે ઓસ્ટ્રેલિયાએ જ્યારે 250 રન વટાવ્યા ત્યારેજ લાગવા લાગ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝ હવે આ સ્કોરને પાર નહીં કરી શકે. કારણો સ્પષ્ટ હતા, વેસ્ટ ઇન્ડિઝના મોટાભાગના બેટ્સમેનો માત્ર અને માત્ર આક્રમક બેટિંગ કરી જાણે છે. શે હોપ કે પછી કેપ્ટન જેસન હોલ્ડર જેવા ઠંડા દિમાગવાળા બેટ્સમેનો ટીમમાં બીજા કોઈજ નથી. ઉદાહરણ તરીકે આન્દ્રે રસલ અને કાર્લોસ બ્રેથવેઇટની વિકેટો. આ બંનેને પોતપોતાની અમૂલ્ય વિકેટો ત્યારે ફેંકી દીધી જ્યારે બીજા છેડે હોલ્ડર પોતાની રીતે બાજી સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો અને તેને એમ કરવા દેવામાં આવ્યું હોત તો વેસ્ટ ઇન્ડિઝ આ જ મેચ એક કે બે ઓવરો બાકી રહેતા જીતી શક્યું હોત.

પરંતુ આ બંને ખેલાડીઓ પોતાની આક્રમકતા રોકી શક્યા નહીં અને છેવટે રીતસર વિકેટો ફેંકીને પેવેલિયન જતા રહ્યા અને છેવટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર બિનજરૂરી દબાણ આવી ગયું અને મેચ હારી પણ ગયા. છેલ્લી ઓવરમાં એશ્લે નર્સે ભલે ચાર ચોગ્ગા માર્યા પરંતુ એ ખાતર પર દીવા સિવાય વધુ કશું જ ન હતું.

આ મેચની એક મોટી હાઈલાઈટ રહી હતી અત્યંત નિમ્નકક્ષાનું અમ્પાયરિંગ. અમ્પાયરો એક સમયે તો જાણેકે વેસ્ટ ઇન્ડિઝને હરાવવા માટે જ ઉભા હોય એવું લાગી રહ્યું હતું. આ તો રિવ્યુ સિસ્ટમ ઉપલબ્ધ છે નહીં તો આ અમ્પાયરોને લીધે વેસ્ટ ઇન્ડિઝ કદાચ દોઢસો રન પણ ન બનાવી શકત. ક્રિસ ગેલ ખુદ બે વખત અમ્પાયરોના ખોટા નિર્ણયોથી બચ્યો તો હોલ્ડર પણ એડમ ઝેમ્પા દ્વારા આક્રમક અપીલને લીધે જ  તેની સમક્ષ નમતું જોખનારા શ્રીલંકન અમ્પાયરના ખોટા નિર્ણયથી રિવ્યુને લીધે જ બચી ગયો.

મજાની વાત એ છે કે આખી ઇનિંગમાં ઓછામાં ઓછા ચાર થી પાંચ રિવ્યુ વેસ્ટ ઈન્ડિઝે માંગ્યા તો પણ મેચના અંતે તેને મળેલો એક માત્ર રિવ્યુ અકબંધ રહ્યો હતો!

Preview: પાકિસ્તાન વિ. શ્રીલંકા, કાઉન્ટી ગ્રાઉન્ડ, બ્રિસ્ટલ

શ્રીલંકાની ટીમ અફઘાનિસ્તાન સામે પણ સંઘર્ષ કરતી દેખાઈ રહી હતી અને ન્યુઝીલેન્ડ સામે તો તે એકતરફી હાર મેળવી ચુકી છે. આપણને બધાને ખબર જ છે કે શ્રીલંકન ટીમ અત્યારે એક ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે અને સામે પક્ષે પાકિસ્તાને થોડા દિવસ પહેલા જ વર્લ્ડ કપ જીતવાની ફેવરીટ એવી ઇંગ્લેન્ડને એક ક્લોઝ મેચમાં હરાવ્યું છે. આથી પાકિસ્તાનના હોસલા બુલંદ હોવાના જ જે તેને આ મેચ આસાનીથી જીતાડવામાં મદદ કરશે. પરંતુ એ વાત પણ યાદ રાખવી કે આ તો પાકિસ્તાન છે, કુછ ભી હો સકતા હૈ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here