ફેરબદલ: ભૂતપૂર્વ વડાપ્રધાનના ઘરમાં હવે રહેશે વર્તમાન ગૃહમંત્રી

0
260
Photo Courtesy: twitter.com/AmitShah

ભારતના ગૃહમંત્રી બનતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનવાની જરૂરિયાત લાગતા અમિત શાહ હવે પોતાના રાજ્યસભાના સભ્ય તરીકે ફાળવવામાં આવેલા બંગલાને છોડીને ભૂતપૂર્વ વડાપ્રધાનના બંગલામાં રહેવા જઈ રહ્યા છે.

Photo Courtesy: twitter.com/AmitShah

નવી દિલ્હી: દેશના નવા ગૃહમંત્રી અમિત શાહ હવે લોકસભામાં પણ ચૂંટાઈ આવતા તેમને નવા ઘરમાં જવાનું બન્યું છે. અમિત શાહ હવે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ઘરમાં રહેવા જશે.

2004ની લોકસભા ચૂંટણીઓ હારી ગયા બાદ અટલ બિહારી વાજપેયીને કૃષ્ણ મેનન માર્ગ પર એક બંગલો ફાળવવામાં આવ્યો હતો અને અહીં તેઓ રહેતા હતા. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અટલ બિહારી વાજપેયીનું અવસાન થયા બાદ તેમના કુટુંબીજનોએ નવેમ્બર મહિનામાં આ બંગલો ખાલી કરી દીધો હતો.

ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હવે આ બંગલાને દેશના ગૃહમંત્રીની સુરક્ષા તેમજ મોભાને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બંગલાનું હાલમાં અમિત શાહની વધેલી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમારકામ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં અમિત શાહ 11, અકબર રોડ સ્થિત બંગલામાં રહી રહ્યા છે જે તેમના રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેમને ફાળવવામાં આવ્યો હતો. અમિત શાહનો રાજ્યસભાનો કાર્યકાળ 2023 સુધીનો હતો, પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને તેમણે રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપી દેતા અને તેમને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવતા હવે તેમને ટાઈપ 8ના બંગલાની જરૂરિયાત પડી છે.

જાણવા મળ્યા અનુસાર અમિત શાહ ખુદ થોડા દિવસ પહેલા જ કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા અટલ બિહારી વાજપેયીના બંગલાનું નિરીક્ષણ કરી ગયા હતા અને તેમને તેનાથી સંતોષ પણ થયો હતો. અહીં તેમણે ચાલી રહેલા સમારકામની પણ નોંધ લીધી હતી.

અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન પદ છોડ્યા બાદ લગભગ ચૌદ વર્ષ કૃષ્ણ મેનન માર્ગ સ્થિત પોતાને ફાળવવામાં આવેલા બંગલામાં રહ્યા હતા. તેમના અવસાન બાદ જ્યારે તેમના પરિવારે આ બંગલો ખાલી કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સરકાર સમક્ષ આ બંગલાને અટલ સ્મૃતિમાં પરિવર્તિત કરી દેવાની માંગણી કરી હતી.

પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ માંગણી નકારતા રાજઘાટ પાસે અટલ બિહારી વાજપેયીની સમાધી ઉભી કરી હતી જેને ‘સદૈવ અટલ’ ના નામે ઓળખવામાં આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here