Home સ્પોર્ટ્સ ક્રિકેટ CWC 19 | M 25 | સાઉથ આફ્રિકાની ખરાબ ફિલ્ડીંગ; વિલિયમ્સનની અદભુત...

CWC 19 | M 25 | સાઉથ આફ્રિકાની ખરાબ ફિલ્ડીંગ; વિલિયમ્સનની અદભુત બેટિંગ!

0
126
Photo Courtesy: twitter.com/cricketworldcup

ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની આ મેચ રસાકસીભરી ભલે રહી હોય પરંતુ મેચના અંતિમ પરિણામ માટે સાઉથ આફ્રિકાની કંગાળ ફિલ્ડીંગ અને કેન વિલિયમ્સનની અદભુત બેટિંગ જ જવાબદાર હતી.

Photo Courtesy: twitter.com/cricketworldcup

સાઉથ આફ્રિકાની ટીમ જે ટુર્નામેન્ટ શરુ થવા અગાઉ સેમીફાઈનલમાં નિશ્ચિત સ્થાન મેળવશે તેવી આગાહી થઇ રહી હતી તે કેમ અડધી ટુર્નામેન્ટ બાદ પોઈન્ટ્સ ટેબલ પર છેક સાતમા સ્થાને છે? આ સવાલનો જવાબ આ મેચમાં મળી ગયો હતો.

આ સમગ્ર ટુર્નામેન્ટમાં જો કોઈ ટીમે સહુથી વધુ નિરાશ કર્યા હોય તો તે સાઉથ આફ્રિકા છે.

ઠીક છે આ ટીમની પસંદગી પર પ્રશ્નો ઉઠાવી શકાય પરંતુ જે ટીમમાં ક્વિન્ટન ડી કોક, હાશિમ આમલા, ફાફ દુ પ્લેસી, ડેવિડ મિલર, ઇમરાન તાહિર, કાગીસો રબાડા જેવા ખેલાડીઓ હોય તે ટીમ એટલીસ્ટ સેમીફાઈનલમાં તો પહોંચે જ, પછી જે થવું હોય તે થાય એવું વિચારવાનું દરેક સાચા ક્રિકેટ પ્રેમીને હક્ક છે.

પરંતુ અત્યારસુધીના આ ટીમના દેખાવ અને ખાસ કરીને આ મેચમાં તેના દેખાવે મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓને અત્યંત નિરાશ કર્યા છે. પહેલા તો અતિશય ધીમી શરૂઆત. ચાલો વરસાદી વાતાવરણ હતું એટલે થોડું સંભાળીને રમવું પડે, પરંતુ બાદમાં જ્યારે આ ધીમી શરૂઆતના નુકશાનને પહોંચી વળવા માટે ઝડપ દેખાડવાની હોય ત્યારે જ બેટ્સમેનો એક પછી એક આઉટ થવા લાગે ત્યારે સંઘ કાશીએ કેવી રીતે પહોંચે?

સાઉથ આફ્રિકાએ છેલ્લી પાંચ ઓવરોમાં 42 રન ભલે કર્યા પરંતુ તે પૂરતા ન જ હતા. જે રીતે મેચનું પરિણામ આવ્યું તે જોતા તેઓ લગભગ 20 રન ઓછા કરી શક્યા હતા તે સ્પષ્ટ છે.

જ્યારે બોલિંગનો વારો આવ્યો ત્યારે ફરી એકવાર ક્રિસ મોરિસ પર સઘળો ભાર આવી ગયો, જો કે તેણે એ જવાબદારી સુપેરે નિભાવી પણ ખરી. પરંતુ જો ફિલ્ડરો તમને સાથ ન આપે તો પછી એ સારા દેખાવનું શું કામ?

વળી, કેટકેટલી મિસ ફિલ્ડીંગ? તેમાં પણ કેન વિલિયમ્સનનો એક કેચ ડીપમાં ડ્રોપ તો થયો પરંતુ સાથે ઉભેલા અન્ય ફિલ્ડરે બાઉન્ડ્રી રોકવાની પણ કોશિશ ન કરી! તો ઇમરાન તાહિરની છેલ્લી ઓવરના છેલ્લા બોલે કેન વિલિયમ્સનની સ્પષ્ટ કટ હોવા છતાં અને ડી કોકે કેચ કર્યો હોવા છતાં રિવ્યુ પણ ન માંગવામાં આવ્યો!

આટલી હદે આત્મવિશ્વાસનું પતન? એક જમાનામાં ફિલ્ડીંગનું સ્તર કેવું હોય તેનું ટ્યુશન આપતી સાઉથ આફ્રિકાની ટીમની આવી હાલત?

કદાચ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકા બીજું એવું ક્રિકેટ બોર્ડ બનશે જેણે આ વર્લ્ડ કપ બાદ પોતાની ટીમમાં અને કદાચ ક્રિકેટ માળખામાં આમૂલ પરિવર્તન લાવવું પડશે.

પરંતુ ન્યુઝીલેન્ડના વિજયનો સમગ્ર શ્રેય સાઉથ આફ્રિકાની ખરાબ બોલિંગ અને ફિલ્ડીંગને ન જ અપાય કારણકે તેના બોલર્સ અને બેટ્સમેન ખાસ કરીને કેપ્ટન કેન વિલિયમ્સન અને ઓલરાઉન્ડર કોલીન ડી ગ્રેન્ડહોમની બેટિંગે રસાકસીભરી પરિસ્થિતિમાં શાંતિ જાળવીને ટીમને જીતાડી હતી.

કેન વિલિયમ્સને અતિશય ઠંડક રાખીને છેક છેલ્લી ઓવરમાં પોતાની સેન્ચુરી પણ બનાવી અને મેચ જીતી પણ આપી. તેની આ ઇનિંગ વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્લાસિક્સમાંથી એક ગણવામાં આવશે તો નવાઈ નહીં લાગે.

કોલીન ડી ગ્રેન્ડહોમે પણ એવા સમયે આવીને આક્રમક બેટિંગ કરી જ્યારે મેચ જો ન્યુઝીલેન્ડના હાથમાંથી સરકી નહોતી ગઈ તો બેલેન્સ પર તો જરૂર હતી. ડી ગ્રેન્ડહોમે આક્રમક બેટિંગ કરીને કેન વિલિયમ્સન પરનો બોજ હળવો કરી દીધો હતો.

આ જ પ્રકારની બેટિંગની આશા સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પાસે હતી પણ ખૈર…

Preview: ઓસ્ટ્રેલિયા વિ. બાંગ્લાદેશ, ટ્રેન્ટબ્રિજ, નોટિંગહામ

બાંગ્લાદેશે પોતાની છેલ્લી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસિક રનચેઝ ભલે કર્યો હોય પરંતુ તે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે એમ માનવાની બિલકુલ જરૂર નથી.

ઓસ્ટ્રેલિયા પાસે અત્યારે સારામાં સારો બોલિંગ એટેક છે જે બાંગ્લાદેશના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તો જો વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો બાંગ્લાદેશી બોલર્સ સામે 300+ સ્કોર કરી ગયા હોય તો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો તેમનાથી વધુ સારો દેખાવ કેમ નહીં કરી શકે એવા પ્રશ્નને કોઈ સ્થાન નથી.

પરંતુ હા, ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે સંભાળીને રમવાની જરૂર તો ખરી જ.

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!