રાજ્યસભા પેટાચૂંટણી: ભાજપને કેમ ફાયદો? કોંગ્રેસને કેમ નુકશાન?

0
352
Photo Courtesy: gujarati.news18.com

ગુજરાતમાં 5 જુલાઈએ થનારી રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ છેક સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવી આવી છે. એવું તો શું છે આ ચૂંટણીમાં કે જેનાથી કોંગ્રેસી નેતાઓ વ્યાકુળ થયા છે?

Photo Courtesy: gujarati.news18.com

આજે સવારે સુપ્રિમ કોર્ટે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની રીટ પીટીશન કાઢી નાખી છે. પરેશ ધાનાણીએ પોતાની અરજીમાં રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે અલગ અલગ ચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને બદલીને એક જ ચૂંટણી કરાવવાની વિનંતી કરી હતી. કોંગ્રેસ જો કે આ ચૂંટણી જાહેર થઇ એ અગાઉ જ તેના મતદાનના પ્રકારનો વિરોધ કરી રહી હતી.

પરંતુ સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે એક વખત નોટિફિકેશન બહાર પડી જાય પછી તે આ પ્રકારે ચૂંટણી પ્રકિયામાં માથું મારતી નથી. જો કે કોંગ્રેસ પાસે આશાનું એક કિરણ જરૂર છે. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પતી ગયા બાદ કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે અને ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરી શકે છે. કોંગ્રેસ શા માટે આ પ્રકારે અલગ અલગ મતદાન કરાવવાનો વિરોધ કરી રહી છે? કોંગ્રેસને આ પ્રકિયાથી શું નુકશાન થશે અને ભાજપને શું ફાયદો થશે તે સમજીએ.

ચૂંટણી પંચે રાજ્યસભાની ગુજરાતની બંને ખાલી પડેલી બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરતી વખતે કહ્યું હતું કે, “અમે તેને બે અલગ અલગ બેઠકો ગણીશું અને બંને બેઠકો માટે અલગ અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે જો કે મતદાનનો કાર્યક્રમ એક જ દિવસે રાખી શકાય છે.”

હવે આ ટેક્નીકલ બાબતને સમજવા માટે પહેલા રાજ્યસભાની માટે કેવી રીતે મતદાન થાય છે તે સમજીએ. રાજ્યસભાની ચૂંટણી સામાન્ય રીતે પ્રેફરેન્શિયલ બેલેટ સિસ્ટમથી થાય છે. એટલેકે જો એક કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હોય તો દરેક વિધાનસભ્ય તેના પસંદગીના ઉમેદવારોને ચડતા ક્રમમાં ગોઠવીને મત આપે છે, એટલે કે 1,2,3,4 વગેરે.

પ્રેફરેન્શિયલ વોટીંગ સાથે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (STV) સિસ્ટમ પણ જોડાયેલી છે. તેનો મતલબ એવો થયો કે દરેક ધારાસભ્યના મત તો એક જ વાર ગણવામાં આવશે પરંતુ તેણે જે ઉમેદવારને મત આપ્યો છે તેને જીત માટે જરૂરી સંખ્યામાં મત મળી જાય તો પછી તેનો મત તેની બીજી પસંદગીના ઉમેદવારને ટ્રાન્સફર થઇ જતો હોય છે.

ઉદાહરણ તરીકે રાજ્યસભાની ચૂંટણીમાં અ અને બ એમ બે ઉમેદવારો મેદાનમાં છે. અ ને જીતવા માટે 50 મતની જરૂર છે. ક નામના વિધાનસભ્યએ પોતાના મતમાં અ ને પ્રથમ પસંદગી આપી છે અને બ ને બીજી તો જ્યારે તેનો મત ગણતરીમાં આવે અને અ ને જરૂરી 50 મત મળી ગયા હોય તો ક નામના વિધાનસભ્યનો મત બ ને ટ્રાન્સફર થઇ જાય છે. જો વધુ ઉમેદવારો હોય તો આ જ રીતે વિધાનસભ્યોના મત પ્રેફરન્સ અનુસાર ટ્રાન્સફર થતા રહેતા હોય છે.

પરંતુ આ વખતે ચૂંટણી પંચે બે બેઠકો માટે બે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડ્યા હોવાથી મતદાન આપણે બધા જેમ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીએ છીએ એ પ્રકારે જ થશે. એટલે કે ગુજરાત વિધાનસભાના વિધાનસભ્યો અલગ અલગ બેલેટ પેપર પર બે અલગ અલગ મત આપશે અને ઉભા રહેલા ચાર ઉમેદવારોમાંથી જે બે ઉમેદવારોને સહુથી વધુ મત મળ્યા હશે તે જીતી જશે.

ગુજરાત વિધાનસભાની હાલની સભ્યસંખ્યા પર નજર નાખીએ તો ભારતીય જનતા પાર્ટીના 106, કોંગ્રેસના 71, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (BTP) 2, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીનો (NCP) 1 અને ત્રણ અપક્ષો છે. આમ સ્પષ્ટ છે કે ભાજપના વધુ ધારાસભ્યો હોવાથી તેના બંને ઉમેદવારો વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત થઇ ગઈ છે. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારો ગૌરવ પંડ્યા અને ચંદ્રિકા ચુડાસમાએ માત્ર ચૂંટણી લડીને હાર સ્વીકારવાની છે.

આમ અલગ અલગ નોટિફિકેશન જાહેર થવાને કારણે ગુજરાતની બંને રાજ્યસભાની બેઠકોનું આખું પરિણામ બદલાઈ ગયું છે. જો બંને માટે એક જ નોટીફીકેશન જાહેર કરવામાં આવત તો બંને પક્ષ એક-એક બેઠક જરૂર જીતી જાત, પરંતુ કોંગ્રેસ અગાઉ 2009માં ઝારખંડમાં આ જ રીતે ત્યાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો જીતી ગઈ છે.

અલગ અલગ નોટિફિકેશન જાહેર કરવા માટે ચૂંટણી પંચ પાસે બે દલીલો છે. એક દલીલ તો એ છે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની, જેમના રાજીનામાથી આ બે બેઠકો ખાલી પડી છે, તેમના લોકસભાની ચૂંટણીના સર્ટીફીકેટ તેમને બે અલગ અલગ દિવસે મળ્યા હતા અને આથી બે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ રાજ્યસભાની પેટાચૂંટણી છે અને સામાન્ય રીતે જ્યારે દર સાત વર્ષે રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થાય અને બાદમાં ચૂંટણી થાય એવું નથી અને આથી પણ તેને અલગ અલગ ચૂંટણી જ ગણવામાં આવવી જોઈએ.

ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં પોતાના જવાબમાં પણ અગાઉના ચુકાદાઓને ટાંક્યા છે અને કહ્યું છે કે છેલ્લા લગભગ 60 વર્ષથી આ જ પ્રકારે રાજ્યસભાની ચૂંટણી આયોજીત કરવામાં આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here