એક ચિત્રકારની પીડા દર્શાવતી લઘુકથા – ચિત્રનું શીર્ષક

0
149

ચિત્રકારની કલ્પનાથી સાવ વિરુદ્ધ તેની સમક્ષ વાસ્તવિકતા આવીને ઉભી રહે ત્યારે તેની મન:સ્થિતિ કેવી થાય તેનું આબેહુબ વર્ણન કરતી લઘુકથા.

વિખ્યાત ચિત્રકાર જયરાજ પોતાની કોઈ સજીવ લાગતી કૃતિ માટે રાનીખેતની પહાડીઓમાં જઈ બેઠા હતા. જાણે કે સમુદ્ર આકાશ પર ચડી જઇ પોતાના શ્વેત મોજાં થકી  એ પહાડો પર મોતી વિખેરે છે એવી કલ્પના કરી. દોર્યું પણ જામ્યું નહીં. શ્રમિક સ્ત્રીપુરુષોનાં પ્રકૃતિ વચ્ચે ચિત્રો દોર્યાં. હજુ સજીવતા ગાયબ હતી. પહાડોને અનિમેષ તાકી રહેલી દ્રષ્ટિમાં તેમને કોઈ સુંદર સ્ત્રી દેખાઈ. હા, એ જ ચિત્રનું લક્ષ્ય બનશે. કાલ્પનિક ચિત્રમાં પણ પ્રાણ રેડવા  કઈંક સુંદર અને સજીવ જોઈએ. ફૂલ વિના મધમાખી મધ ક્યાંથી લાવે?

એ તંદ્રાવસ્થામાંથી ટપાલીએ તેમને જગાડ્યા.  એમના વકીલ મિત્રનો પત્ર હતો. તેમણે જયરાજનો અમૂલ્ય સમય બગાડવા બદલ માફી માગતાં લખ્યું હતું, “હમણાંથી નીતાની તબિયત સારી નથી રહેતી.. અલ્હાબાદની સખત ગરમીથી બચવા તેને બે મહિના હવાફેર માટે ત્યાં મોકલું છું. કોઈ નાનું, સ્વચ્છ મકાન શોધી આપજો. તમને ખલેલ ન પહોંચે તો અને જગ્યા હોય તો તમારાં મકાનમાંજ ભાડે રહેવાનું પસંદ કરીશું. સોમનાં વંદન”

બે વર્ષ પહેલાં જયરાજ અલ્હાબાદ ગયેલા ત્યારે  સોમના જ ઘેર મહેમાનગતિ માણેલી. ત્યારે સોમ, નીતા નવપરિણિત હતાં. નીતા સાગના સોટા જેવી પાતળી, ગોરી, હસમુખ યુવતી હતી. હરણીશી આંખોમાં બુદ્ધિની ચમક. જયરાજને તેની સાથે સારું જામતું.

જયરાજની આંખો સામે નીતા તરી રહી. ના પાડવાનો તો સવાલ જ ન હતો.  તેઓ કલ્પનામાં તેમની સામે એક આરામખુરશી પર બેસી ક્ષિતિજમાં જોતી નીતાનું રસપાન કરવા લાગ્યા. આકાશેથી મોતી ઢોળતા સમુદ્ર કરતાં ક્યાંય વધુ રૂપ ઢોળતી નીતા અનેરાં સ્પંદનો જગાવી રહી. પહાડી વાયુની લહેરોમાં તેણીના પ્રલંબ કેશ હવામાં ઝૂલશે, એક માદક સુવાસ તેના શરીરમાંથી ફોરશે.. પોતે તેને પહાડ ચડવા લઈ જશે અને તેની ગુલાબી અંગુલીઓ હળવેથી સ્પર્શશે.. ચડાણ વખતે તે સાડી ઊંચી લઈ ઘાટીલી ગુલાબી પિંડીઓ  બતાવશે.. શ્વાસ ચડતાં તેના હાંફતા ઉરોજો જાણે આવરણ ફાડી બહાર આવવા મથશે..

કેનવાસ પહેલાં જયરાજે મનમાં જ ચિત્ર અંકિત કરી લીધું.

ફટાફટ તે પત્રનો જવાબ લખવા બેઠા પણ તુરત વિચાર્યું, ગાઢ મિત્રની સુંદર પત્ની પાસેથી પોતે આવું ઈચ્છે છે? છટ! બીજી જ ક્ષણે વિચાર્યું , સૂર્યનાં મૃદુ કિરણો આપણે પકડવા દોડીએ છીએ?  બસ. તેવો જ એક મનભાવન અનુભવ. નારીનું અસ્તિત્વ જ પૂરતું આનંદદાયી છે.

તેમણે લખ્યું  “તમારે પૂછવાનું હોય? મોટો બંગલો છે. નોકરો પણ છે. ઊલટું ભાભી હશે તો ધ્યાન રહેશે. આવવાનો સમય લખો. હું સ્ટેશને પહોંચી જઈશ.”

નીતાનું અપ્રતિમ સૌંદર્ય માણવાના વિચારે જયરાજ ઉત્તેજિત થઈ ગયા. નીતા રંગબેરંગી સાડીઓ, ચુસ્ત પંજાબી, પશ્ચિમી પોશાકમાં તેમની સાથે ઉદ્યાનોમાં, પહાડીઓમાં સદેહે સાથે ક્યારે હશે, એની ઉત્કૃષ્ટ પ્રતિક્ષાથી વ્યાકુળ થઈ રહ્યા.

સોમનો તારીખ, સમય જણાવતો પત્ર મળ્યો. તે કોર્ટમાં અગત્યના કેસની તારીખ હોઈ પછી આવશે એમ જણાવ્યું. લખ્યું કે તમને  પોતાના ગણી તકલીફ આપું છું.

ટ્રેઈન દેખાતાં જ જયરાજના ધબકારા વધી ગયા. બહાર પોતાની નાની ગાડીમાં અડોઅડ બેસીને..

ટ્રેન થોભી. એક સ્ત્રીએ પોતાને ઉતારવા હાથ લંબાવ્યો. પોતાના વધેલા પેટ અને આ અવસ્થા સહજ સ્થૂળતા, થાકેલો, પીળો ફિક્કો ચીમળાએલો ચહેરો, નિસ્તેજ આંખો.

“ઓળખી નહીં? હું નીતા.”

તે મલકી. પીડા દબાવીને, કષ્ટપૂર્વક. એક તો પાતળી એમાં બે શરીરનો બોજ. તે માંડ, લંગડાતી ચાલતી ઉતરી.  પોતે એ  શિથિલ, વિરૂપ આકૃતિથી ઉબકાઈ ગયા અને દૂર રહી ચૂપચાપ ડ્રાઇવિંગ કરી ઘેર પહોંચ્યા.

બીજે દિવસે નીતાએ  લંગડાતા આવીને ટેકો લઈ ખુરસી પર બેસતાં ખબર પૂછયા. જયરાજને ત્યાં રહેવું અસંભવ લાગ્યું. તે બંગલાની બહાર નીકળી આ બલાથી છૂટવાનો ઉપાય શોધવા લાગ્યો. તેણે તુરત તાર ઓફિસ પહોંચીને સોમને તાર કર્યો “મારી મા બનારસમાં સિરિયસ છે. મારે જવું પડશે. નોકરો છે પણ એકલી ભાભી પાસે  રહો તો સારું.” તારની નકલ તેણે નીતાને બતાવી. “શું  થાય? તમને મૂકીને જતાં જીવ નથી ચાલતો”.

કોર્ટમાં વેકેશન હોઈ તુરત સોમ આવી પહોંચ્યો.

જયરાજ સાચે બનારસ જઈ ચિત્ર કરવા લાગ્યા. દર્દથી કણસતી નીતાનું ફુલેલું પેટ, વિરૂપ શરીર તેની આંખો સામેથી હટતું ન હતું. તેણે આખરે એ જ ચિત્રમાં ઉતાર્યું. પલંગપર સુતેલી સ્ત્રી, ફુલેલું પેટ, ફિક્કો ચહેરો, વેદના ડોકાતી આંખો, કણસતા હોઠ, પીડાથી ખેંચાયેલા હાથપગ.

ચિત્ર પૂરું થવામાં જ હતું ત્યાં સોમનો પત્ર મળ્યો. પોતાના પુત્રના નામકરણ પ્રસંગે અલ્હાબાદ આવવું જ પડશે વગેરે. જયરાજે ગુસ્સામાં ડૂચો વાળી પત્ર ફેંકી દીધો.

એક સવારે ઓચિંતાં સોમ, નીતા જયરાજને ઘેર બનારસ જ આવી પહોંચ્યાં. સીધાં તે ચિત્ર બનાવતો હતો ત્યાં. જયરાજ કાપો તો લોહી ન નિકળે એવો સ્તબ્ધ થઈ ગયો.  નીતા ચિત્ર જોઈ એક હાથે કિલકીલાટ કરતું શિશુ તેડી બીજો હાથ મોંપર ઢાંકી હસવું ખાળતી હતી. એની આંખોમાં માતૃત્વનો ગર્વ છલકતો હતો અને ચહેરાપર લાલિમા નીખરી રહી હતી. પોતે કરેલી કલ્પનાઓ કરતાં તે ઘણી અધિક સુંદર દેખાતી હતી.

જયરાજે ચિત્ર ફાડી નાખવા કટર ઉપાડ્યું.  ત્યાંતો નીતા ટહુકી ઉઠી “આબેહૂબ દોર્યું છે ભાઈ, કમાલ. તો આ ચિત્રનું શીર્ષક શું રાખશો?”

જયરાજ સ્તબ્ધ ઉભો રહ્યો.

નીતા રણકી ઉઠી “સૃજનની પીડા”.

(યશપાલની હિંદી વાર્તાનો ભાવાનુવાદ)

અનુવાદક: સુનીલ અંજારીયા

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here