મમતા, રાજા અને પવાર: અમારો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ન હટાવશો

0
367
Photo Courtesy: scroll.in

લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ દેખાવ બાદ હવે TMC, CPI અને NCP પર તેમનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પરત ખેંચાઈ જવાની તલવાર લટકી રહી છે અને આ ત્રણેય પાર્ટીઓએ ચૂંટણી પંચને આજીજી કરી છે.

Photo Courtesy: scroll.in

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC), કમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) એ ચૂંટણી પંચને આજીજી કરી છે કે તે તેમના રાષ્ટ્રીય પક્ષના દરજ્જાને પરત ન લે. આ ત્રણેય પાર્ટીઓએ 2019ની લોકસભા ચૂંટણીઓમાં અત્યંત નબળો દેખાવ કર્યો હતો.

ગઈકાલે ચૂંટણી પંચમાં આ ત્રણેય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત સુનાવણી હતી જેમાં ત્રણેય પક્ષોએ પોતે રાષ્ટ્રીય રાજકારણમાં પોતે મહત્ત્વનો ભાગ ભજવતી હોવાથી તેમના હાલના દેખાવને ધ્યાનમાં ન લેતા પંચને પોતાની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પરત ન લેવાની આજીજી કરી હતી.

અગાઉ ચૂંટણી પંચે આ ત્રણેય પાર્ટીઓને કારણ બતાવો નોટીસ આપીને જવાબ આપવા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓમાં નબળો દેખાવ કરવાને લીધે તમારો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કેમ પરત ન લેવામાં આવે. ગત લોકસભાની ચૂંટણીઓમાં TMCએ 4.05 ટકા મત લઈને 22 બેઠકો જીતી હતી, જ્યારે NCP 1.39 મત સાથે 5 બેઠકો જીતી હતી અને CPI માત્ર 2 બેઠકો પર 0.58 ટકા મત મેળવીને જીત્યું હતું.

2017માં ચૂંટણી પંચે જાહેર કરેલા નિયમો અનુસાર કોઇપણ પક્ષ જે ચાર રાજ્યોમાં થયેલા મતદાનના 6% મત અને લોકસભામાં ઓછામાં ઓછા 4 સંસદસભ્યો હોય તો જ તે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવી શકે છે. જો એ શક્ય ન હોય તો એક બીજી શરત અનુસાર જો કોઈ પક્ષે લોકસભાની કુલ બેઠકોની 2% બેઠકો જીતી હોય અને તે પણ 3 કે તેથી વધુ રાજ્યોમાંથી તો જ તેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળતી હોય છે.

પોતાના જવાબોમાં TMCએ જણાવ્યું છે કે તેને હજી 2014માં જ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે આથી તેને પોતાને પૂરવાર કરવા માટે વધુ સમયની આવશ્યકતા છે. તો NCPએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાંસુધીનો સમય માંગ્યો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે આવનારા સમયમાં પંચની ઉપરોક્ત શરતોને પૂર્ણ કરવા માટે સક્ષમ છે.

જ્યારે સહુથી હાસ્યાસ્પદ જવાબ આપ્યો છે CPIએ જેણે કહ્યું છે કે તેણે હાલની ચૂંટણીઓમાં ભલે સારો દેખાવ ન કર્યો હોય પરંતુ તે બંધારણને મજબૂત બનાવવા અંતે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે!

જો કે હાલમાં TMCનું પ્રભુત્વ માત્ર પશ્ચિમ બંગાળમાં, NCPનું મહારાષ્ટ્રમાં અને CPIનું માત્ર કેરળ પૂરતું જ મર્યાદિત રહી ગયું હોવાથી આ પાર્ટીઓનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પરત લઇ લેવામાં આવે તો પણ તેમાં જરાય ખોટું નહીં હોય.

હાલમાં ભાજપ, કોંગ્રેસ, માર્કસવાદી કમ્યુનીસ્ટ પાર્ટી, TMC, NCP અને નેશનલ પીપલ્સ પાર્ટી ઓફ મેઘાલય રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here