ચોમાસાને વિદાય આપીએ કેટલાક આકર્ષક મોનસૂન સ્નેક્સ બનાવીને

0
274
Photo Courtesy: YouTube

ગુજરાતમાં ચોમાસું ભલે મોડું જામ્યું હોય પરંતુ હવે તેની વિદાયની વેળા પણ આવી ગઈ છે અને આથી આપણે આ વખતના સફળ ચોમાસાને વિદાય આપીએ કેટલીક મસ્ત સ્નેક્સ રેસીપીઝ સાથે.

આ વખતે આપણા ગુજરાતમાં વરસાદ મોડો આવ્યો નહીં? પણ એણે મોડા આવીને પણ સમગ્ર રાજ્યને તરબોળ કરી દીધું. આ આર્ટીકલ લખાય છે ત્યારે ગુજરાતમાં 100%થી પણ વધુ વરસાદ આ વર્ષે પડી ચૂક્યો છે. તો આપણે પણ મેઘરાજાને હવે તેના વિદાય લેવાના સમયે કેટલીક મસ્ત રેસીપીઝ બનાવીને આવજો કહીએ?

ચાલો જાણીએ કેટલીક મસ્ત અને મજેદાર મોનસૂન સ્નેક્સ બનાવીને.

મિક્સ્ડ લેન્ટીલ ફલાફલ વિથ રગડા હમસ

સામગ્રી:

ફલાફલ માટે:

250 ગ્રામ ફોતરાવાળી મગની દાળ

1 વાટકી ચણાની દાળ

4 કળી લસણ

1 ટીસ્પૂન જીરું

1-2 લીલા મરચા

1-2 ટેબલસ્પૂન ચોખાનો લોટ

1 ડુંગળી, ઝીણી સમારેલી

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

હમસ માટે:

1 કપ સફેદ વટાણા

1 ટેબલસ્પૂન સફેદ તલની પેસ્ટ

1 ટેબલસ્પૂન લીંબુનો રસ

2-૩ કળી લસણ

1 ટીસ્પૂન જીરું પાઉડર

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1 ટીસ્પૂન મરી

1 ટીસ્પૂન ગરમ મસાલો

સ્વાદ અનુસાર મીઠું

રીત:

  1. વટાણા અને દાળને 6 થી 7 કલાક પલાળી રાખો.
  2. એક પેનમાં વટાણા લઇ, તેમાં જરૂર જેટલું પાણી અને મીઠું ઉમેરી, ઢાંકેલા પેનમાં 20 થી 25 મિનીટ સુધી વટાણાને બાફી લો.
  3. બાફેલા વટાણાને નીતારી લો અને એ પાણી સાચવી રાખો.
  4. હવે બ્લેન્ડર જારમાં વટાણા, તલની પેસ્ટ, લીંબુનો રસ, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, મરી, ગરમ મસાલો અને મીઠું લઇ વાટી લો.
  5. હવે જરૂર મુજબ વટાણાનું પાણી ઉમેરી મિશ્રણને એકરસ કરી પેસ્ટ તૈયાર કરી લો. હમસ તૈયાર છે
  6. મિક્સરમાં દાળ, લસણની કળી, જીરું, મરચા અને મીઠું લઇ મિશ્રણને અધકચરું વાટી લો.
  7. વાટેલા મિશ્રણમાં ચોખાનો લોટ અને ડુંગળી ભેળવીને બરાબર મિક્સ કરી લો.
  8. તેમાં થોડું નવશેકું તેલ ઉમેરી મિશ્રણને બરાબર તૈયાર કરી લો.
  9. હવે તેમાંથી એક ચમચી જેટલું મિશ્રણ લઇ, હાથથી બરાબર આકાર આપી ગરમ તેલમાં તળી લો.
  10. તૈયાર ફલાફલને હમસ સાથે સર્વ કરો.

ક્રિસ્પી કોર્ન

Photo Courtesy: YouTube

સામગ્રી

2 કપ મકાઈનાં દાણા

મીઠું, મરી સ્વાદ મુજબ

1 ટીસ્પૂન+તળવા માટે તેલ

1/૩ કપ ચોખાનો લોટ

¼ કપ મેંદો

1 ટીસ્પૂન બેકિંગ પાઉડર

ગ્રેવી માટે:

1 ટીસ્પૂન તેલ

¼ કપ ઝીણું સમારેલી ડુંગળી

1 ટીસ્પૂન લસણ

1 ટીસ્પૂન લીલું મરચું

½ ઇંચ આદુ, પાતળી ચીરીમાં સમારેલું

1 ટીસ્પૂન ખાંડ

૩ ટેબલસ્પૂન સેશવાન સોસ

1 ટેબલસ્પૂન કેચપ

100 મિલી પાણી

મીઠું સ્વાદ મુજબ

રીત:

  1. એક પેનમાં પાણી ઉકાળી તેમાં મકાઈનાં દાણાને બાફી લો.
  2. મકાઈ બફાઈ જાય એટલે તેનું પાણી નીતારી લઇ તેને ઠંડા પાણીથી બરાબર ધોઈ લો.
  3. પાણી બરાબર નીતરી જાય એટલે મકાઈમાં મીઠું, મરી અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  4. હવે તેમાં ચોખાનો લોટ, મેંદો અને બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  5. આ મિશ્રણને 15 થી 20 મિનીટ માટે ફ્રીજમાં ઠંડુ થવા દો.
  6. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મકાઈના દાણા વાળું મિશ્રણ થોડા થોડા ભાગમાં તળી લો.
  7. એક પેનમાં 1 ટીસ્પૂન તેલ લઇ, તેમાં ડુંગળી સાંતળો. ડુંગળી આછી ગુલાબી થાય એટલે એમાં લસણ, લીલું મરચું અને આદુ ઉમેરો.
  8. હવે તેમાં ખાંડ, સેશવાન સોસ, કેચપ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
  9. તેમાં 100 મિલી પાણી ઉમેરીને મિક્સ કરો.
  10. હવે તેમાં તળેલા મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લો.
  11. સર્વિંગ બાઉલમાં કાઢીને ગરમાગરમ સર્વ કરો.

બટાટ્યાચે કાપ

Photo Courtesy: YouTube

સામગ્રી:

1 મોટો બટેટાં

હળદર પાવડર

મરચું પાવડર

1/2 tsp હિંગ

1 tsp ધાણા પાઉડર

1 tsp જીરું પાવડર

થોડું તેલ

મીઠું સ્વાદમુજબ

 રીત:

  1. બટાટાને ધોઈ તેની છાલ કાઢી પાતળા સ્લાઈસમાં તેમને કાપો.
  2. 10 મિનિટ માટે મીઠું નાખેલા પાણીમાં આ સ્લાઈસને પલાળી રાખો. સ્લાઈસને નીતારી દઈ, કિચન ટોવેલ પર બરાબર સૂકવો.
  3. એક પ્લેટમાં ધાણા અને જીરું પાવડર, હળદર પાવડર, હિંગ, મરચું પાવડર અને મીઠું મિક્સ કરો. પાણી ન ઉમેરો.
  4. એક તવી કે છીછરી કડાઈ ગરમ કરો તેમાં થોડું તેલ ઉમેરો.
  5. દરેક બટાકાની સ્લાઇસને તૈયાર મસાલામાં બોળવું. બંને બાજુઓ પર મિશ્રણ બરાબર લાગે છે તે ધ્યાન રાખવું.
  6. ત્યારબાદ સ્લાઈસને તવી કે કડાઈમાં શેકવા માટે મુકવી.
  7.  નીચેની બાજુ ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આંચને ધીમા તાપે કરી ને સ્લાઈસને સાચવી રહીને પલટો.  જરૂર લાગે તો થોડું તેલ ઉમેરો. બીજી બાજુ પણ ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય એટલું પકાવી લો.
  8. આંચ પરથી ઉતારી કોઈપણ સમયના ભોજન સાથે કે એમ જ સાંજના સ્વાદિષ્ટ નાસ્તા તરીકે ચા સાથે માણો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here