સરદાર સરોવર ગુજરાતનું સ્વપ્ન પૂર્ણ (2): દાયકાઓના સંઘર્ષની ગાથાના મુખ્ય શિલ્પી

0
302
Photo Courtesy: firstpost.com

ગઈકાલે આપણે વાંચ્યું કે સરદાર સરોવર બનાવવાનું મહાભારત જેવું કાર્ય પૂર્ણ થતા ગુજરાતને કેટલી બધી તકલીફોમાંથી પસાર થવું પડ્યું. આજે મળીએ આ મહાભારત કાર્ય પૂર્ણ કરનારા કેટલાક શિલ્પીઓને.

Photo Courtesy: firstpost.com

ગઈકાલે આપણે સરદાર સરોવર કેટકેટલા સંઘર્ષ પછી પૂર્ણરૂપે ભરાઈ ગયો તે જોયું. આજે આપણે આ સંઘર્ષના મુખ્ય શિલ્પીઓ કોણ હતા તે જોઈશું. નવી પેઢીને કેટલો સંઘર્ષ ગુજરાતે કરવો પડ્યો છે તેની જાણકારી અને માહિતી હોવી જ જોઈએ એવું મારું માનવું છે. આ સમગ્ર સંઘર્ષના મુખ્ય બે શિલ્પી છે એક ચીમનભાઈ પટેલ અને બીજા નરેન્દ્રભાઈ મોદી જેઓએ તેમની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી ગુજરાત માટે નર્મદા ડેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

નર્મદાના પાણીના વિવાદનો હલ લાવવા માટે 1964માં ડૉ. ખોસલાના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી. ડૉ. ખોસલાની કમિટીએ 1965માં નર્મદા ડેમની ઊંચાઈ 500 ફૂટ (152.44 મીટર) રાખવાની ભલામણ કરી. તે સમયે મધ્યપ્રદેશે ખુબ જ ઉગ્ર વિરોધ કરીને નર્મદા ડેમનું બાંધકામ ન થાય તે રીતના ધમપછાડા કર્યા હતા. તેને કારણે કેન્દ્ર સરકારે Inter State River Water Disputes Act, 1956 અંતર્ગત Narmada Water Dispute Tribunalની સ્થાપના ઓક્ટોબર 1969માં કરવામાં આવી. તેની સુનાવણીની શરૂઆત 1972થી થઇ હતી. તે સમયે પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીત પછી દેશભરમાં ઇન્દિરા ગાંધીના નામની આંધી ચાલતી હતી તેવા સમયે ગુજરાતના મુખ્યમંત્રીપદે જુલાઈ ૧૯૭૩માં ચીમનભાઈ પટેલ આવ્યા હતા.

તેઓએ તત્કાલીન વડાપ્રધાન અને કોંગ્રેસના સર્વેસર્વા ઇન્દિરા ગાંધી સામે તીખા તેવર દર્શાવીને સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમની ઉંચાઈ 455 ફૂટથી નીચે સ્વીકારવામાં નહીં આવે તેવી એક ચળવળ ચલાવી. તે સમયે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે ઇન્દિરા ગાંધીના વફાદાર એવા પ્રકાશચંદ્ર શેઠી હતા. Narmada Water Dispute Tribunalની સુનાવણીમાં ચીમનભાઈએ તેમની તેજાબી વાણીમાં નર્મદા ડેમની ઉંચાઈ ડૉ. ખોસલા કમિટીના રીપોર્ટ પ્રમાણે 500 ફૂટ (152.44 મીટર) ન રાખવી હોય તો ગુજરાત તે અંગે પુનર્વિચાર કરી શકે છે પરંતુ ગુજરાત 455 ફૂટ (138.68 મીટર)થી ઓછી ઉંચાઈ કોઇકાળે સ્વીકારશે નહીં તેવી સ્પષ્ટ વાત કરીને ઇન્દિરા ગાંધીના વર્ચસ્વ અને પ્રભાવને ખુલ્લો પડકાર ઓગસ્ટ 1973માં ફેંક્યો. આ વાત અને આવી તેજાબી ભાષા ઇન્દિરા ગાંધીને પસંદ ન આવી. ઇન્દિરા ગાંધીએ રાજકીય આટાપાટાની રમત ગુજરાતમાં રમવાની શરૂઆત કરી. અને તેનો અંત નવનિર્માણના આંદોલનમાં પરિણમ્યો.

હકીકતમાં ભારતમાં જે કટોકટી લદાઈ હતી તેના બીજ પણ 1973 પૂર્ણ થતા થતા રોપાઈ ગયા હતા અને તેમાં ચીમનભાઈ પટેલનો બહુ મહત્વનો રોલ હતો. મોરારજીભાઈ દેસાઈ જેવા પીઢ અને વિદ્વાન રાજકારણી તથા જયપ્રકાશ નારાયણ જેવા લોકનાયક પણ ઇન્દિરા ગાંધીના રાજકીય આટાપાટા સમજવામાં થાપ ખાઈ ગયા અને તેઓ ચીમનભાઈ સરકારને બરતરફ કરીને ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવા માટે આંદોલન ઉપર ઉતરી આવ્યા. મોરારજીભાઈ દેસાઈએ તો વિધાનસભાનું વિસર્જન કરાવવા માટે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. પરંતુ હકીકતમાં નર્મદા યોજનામાં ગુજરાત 455 ફૂટ (138.6 મીટર)થી ઓછી ઉંચાઈ સ્વીકારશે નહીં તે વાતને દાઢમાં રાખીને ઇન્દિરા ગાંધીએ તેમની સાથે ચીમનભાઈએ કરેલી “બેઅદબી”નો બદલો લઇ લીધો અને અંતે ચીમનભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદેથી ફેબ્રુઆરી 1974માં રાજીનામું આપી દેવું પડ્યું હતું.

ત્યારબાદ ગુજરાતમાં બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રીપદ ઉપર આવ્યા પરંતુ બાબુભાઈને બાદ કરતા કોઈએ નર્મદા યોજના અંગે ગુજરાતને ફાયદો થાય એ રીતનો વ્યવહાર કર્યો નહીં. પોતાના કેન્દ્રના નેતાઓને વ્હાલા થવામાં ગુજરાત માટે “લાઈફ-લાઈન” ગણાતી નર્મદા યોજના અંગે કોઈએ સાચા દિલથી કાર્ય કર્યું નહીં. Narmada Water Dispute Tribunal દ્વારા ડિસેમ્બર 1979માં વ્યાપક ભલામણો સાથે એવોર્ડ જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં નર્મદા ડેમની ઉંચાઈ 455 ફૂટ (138.68 મીટર) રાખવાનું નક્કી કરવામાં આવ્યું અને Maximum Water Level ૪૬૦ ફૂટ (140.21 મીટર) રાખવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હોવા છતાં 1988 સુધી નર્મદા ડેમનું કામ શરુ થઇ શક્યું જ નહીં.

ચીમનભાઈ પટેલ ફરી એક વખત માર્ચ 1990થી ગુજરાતના નાથ બન્યા. ગુજરાતના નાથ બન્યા તે સમયે મેધા પાટકર દ્વારા શરુ કરવામાં આવેલું “નર્મદા બચાવો આંદોલન” તેની ચરમસીમા પર પહોંચી ગયું હતું. તેના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ચારેબાજુ બદનામી થઇ રહી હતી. તે સમયે નર્મદા ડેમના તરફેણમાં તમામ રાજકીય પક્ષો અને NGOના વ્યાપક સહયોગથી તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં ચળવળ ચાલી હતી. “ફેરકુવા” એટલે કે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલ ગામ ખાતે માનવ-સાંકળ રચીને ડેમ વિરોધી મેધા પાટકરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેવામાં મેધા પાટકરના “નર્મદા બચાવો આંદોલન”ના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રશ્નને ઉઠાવવામાં આવતા વર્લ્ડ બેન્ક દ્વારા નિયુક્ત મોર્સે કમિટીએ રિપોર્ટ વર્લ્ડ બેંકને સુપ્રત કર્યો. આ રિપોર્ટ ઉપર ગંભીર વિચારણા કરીને વર્લ્ડ બેન્કે માર્ચ 1993માં નર્મદા ડેમ માટે મંજુર કરેલ 450 મિલિયન ડોલર લોન રદ કરી.
.
તે સમયના મુખ્યમંત્રીએ આને એક પડકાર તરીકે ઉપાડીને જાહેર કર્યું કે વર્લ્ડ બેન્કની મદદ વગર નર્મદા બોન્ડ દ્વારા નર્મદા ડેમના બાંધકામ માટે ગુજરાત સરકાર પોતે પૈસા એકત્રિત કરશે અને નર્મદા ડેમનું બાંધકામ કરશે. નવેમ્બર 1993માં ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ દ્વારા નર્મદા બોન્ડ જાહેર કર્યા અને આ બોન્ડ દ્વારા કરોડો રૂપિયાની રકમ ઉભી કરીને નર્મદા ડેમનું બાંધકામ ચાલુ રાખ્યું. આનાથી અકળાઈને નર્મદા ડેમ વિરોધી લોબીએ મણીબેલીના સત્યાગ્રહ કર્યો અને ત્યારબાદ અને ઉગ્ર આંદોલન ચાલુ કર્યું તેને કારણે ભારત સરકારે ઓગસ્ટ 1993માં Five Member Groupની સ્થાપના કરી.

1994માં આ Five Member Group દ્વારા વર્લ્ડ બેંકના મોર્સે રિપોર્ટને સ્વીકારવાની ભલામણ કરી. એટલે કે નર્મદા ડેમને કોઈ જ જાતની નાણાકીય મદદ પ્રાપ્ત ન થઇ શકે. નર્મદા ડેમ ફરી એક વખત વિવાદમાં આવી ગયો. આનાથી અકળાઈને તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે 1994ના ફેબ્રુઆરીમાં નર્મદા ડેમમાં સ્લુઇસ ગેટ બંધ કરવાના આદેશો આપ્યા. પરંતુ ત્યારબાદ તેઓનું ફેબ્રુઆરી 1994માં જ અચાનક અવસાન થયું. એક મર્દાનગીવાળા નેતૃત્વનો અકાળે અંત આવતા નર્મદા યોજના ફરી એક વખત ધણી-ધોરી વગરની થઇ ગઈ.

ચીમનભાઈ પટેલના અવસાન બાદ મે 1994માં નર્મદા બચાવો આંદોલનના આંદોલનકારીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને નર્મદા ડેમનું બાંધકામ અટકાવવા અંગે અરજી કરી. 1996થી નર્મદા ડેમના બાંધકામ ઉપર સ્ટે આવી ગયો. સક્ષમ નેતૃત્વની ગુજરાતને ખોટ લાગવા માંડી. પરંતુ ત્યારબાદ માર્ચ 1998થી કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી બન્યા બાદ 2000માં સુપ્રિમ કોર્ટે બાંધકામ ફરી શરુ કરવાના આદેશો કર્યા અને તે બાદ તુર્ત જ કેશુભાઈ પટેલે ફરી વખત નર્મદા ડેમનું બાંધકામ શરુ કરાવ્યું. ત્યારબાદ ઓક્ટોબર 2001થી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ભાર સંભાળ્યો. તેમના સમયમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સમયે સમયે ઉંચાઈ વધારવાની મંજુરી મળતી ગઈ. તે સમયે નરેન્દ્રભાઈએ આગવી કુનેહથી જેવી મંજુરી મળે તેના બે થી ત્રણ કલાકમાં જ નર્મદા ડેમનું બાંધકામ શરુ કરાવી દેતાં કે જેથી “નર્મદા બચાવો આંદોલન”ના નેતાઓ પુનર્વિચાર માટે સર્વોચ્ચ અદાલતમાં જાય તે સમયે જેટલી મંજુરી મળી હોય તેટલું બાંધકામ પૂર્ણ જ થઇ ગયું હોય.

તે સમયે નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ રીવ્યુ કમિટીની મીટીંગ બોલાવીને નર્મદા ડેમની ઉંચાઈ વધારવા અંગેના નિર્ણયની પુન:સમીક્ષા કરવાની વાત જયારે કરવામાં આવી ત્યારે તેના વિરોધમાં એપ્રિલ 16, 2006ના રોજ તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 51 કલાકના ઉપવાસ નર્મદા ડેમ માટે કરીને તે સમયની કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો હતો. આવી દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિના કારણે નર્મદા ડેમનું બાંધકામ પૂર્ણતાના આરે આવીને ઉભું રહી ગયું.

અંતે 2006માં નર્મદા ડેમનું કાર્ય સંપૂર્ણ થયું. પરંતુ તેની ઉપર ગેટ મુકવાની પરમીશન ન હોતી. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ પહેલા મહિનામાં જ ગેટ મુકવાની પરમીશન મળી જતાં અંતે ગઈકાલે નર્મદા ડેમ તેની પૂર્ણ કક્ષાએ એટલે કે 455 ફૂટ (138.6 મીટર) સુધી ભરાઈ ગયો અને એક લાંબા સંઘર્ષનો અંત આવ્યો.

આ દાયકાઓ લાંબા સંઘર્ષમાં ચીમનભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી બે મુખ્ય શિલ્પી હતા પરંતુ પડદા પાછળ પણ અન્ય શિલ્પીઓમાં બાબુભાઈ જશભાઈ પટેલ, સનત મહેતા, કેશુભાઈ પટેલ અને જયનારાયણ વ્યાસને પણ તેઓએ આપેલા યોગદાનને ભૂલી શકાય તેમ નથી. ગમે તેટલી દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ હોય પરંતુ તેઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને અમલી કરાવવા માટે પણ એક “ટીમ” જોઈએ જેનું નેતૃત્વ બાબુભાઈ જશભાઈ પટેલ, સનત મહેતા, કેશુભાઈ પટેલ તથા જયનારાયણ વ્યાસ જેવા દીગ્ગજોએ કર્યું હતું અને તેઓના યોગદાનને પણ ગુજરાત ક્યારેય ભૂલી ન શકે.
.
હજુ ગુજરાત સમક્ષ પડકાર રહેલો છે. નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયો છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું સક્ષમ નેતૃત્વ છે જ.

હવે ગુજરાત સરકારે બાકી રહેલી પેટા-કેનાલોનું કામ ઝડપભેર કરીને નર્મદાના ગુજરાતના ભાગના પાણીને દરેક ખેડૂતના ખેતરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવાનું છે. આશા રાખીએ કે કેન્દ્રમાં રહેલા દ્રઢ નેતૃત્વની નીચે રાજ્યનું નેતૃત્વ તેને પૂર્ણ કરવામાં નબળું સાબિત નહીં થાય.

સરદાર સરોવર ગુજરાતનું સ્વપ્ન પૂર્ણ ભાગ 1

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here