Home લાઈફ સ્ટાઈલ ટ્રાવેલ ચાલો આજે માણીએ બેંગલોરની નાઈટલાઈફ

ચાલો આજે માણીએ બેંગલોરની નાઈટલાઈફ

0
142
Photo Courtesy: treebo.com

દક્ષિણ ભારત જ નહીં પરંતુ સમગ્ર દેશનું IT કેપિટલ એટલેકે બેંગ્લોર અથવાતો બેંગલુરુમાં પ્રોફેશનલ્સ સોમથી શુક્ર કામ કરી કરીને નિચોવાઈ જાય છે, પરંતુ તેઓ શુક્રવારની રાતથી રવિવારની રાત સુધી સતત અહીંની નાઈટલાઈફમાં ઝૂમે છે!

Photo Courtesy: treebo.com

અત્યારનું બેંગ્લોર ઘણા વિસ્તારોમાં  35 નીચેની ઉંમરની પેઢીથી વસેલું છે. કહેવાયું કે અહીં 58% બિન કન્નડ વસ્તી છે.તેઓ work hard, party harder માં માને છે.

મેં વી.વી. પુરમ ની રાત્રિ ખાણીપીણી બઝારની વાત અગાઉ લખી છે. શહેર વચ્ચે એક લાંબી શેરી. ઉત્તર, દક્ષિણ ની લગભગ દરેક વાનગીઓ, આઈસ્ક્રીમ, કુલ્ફીઓ અને ફાસ્ટફૂડના સ્ટોર્સ ની લાઈન અને કીડીયારું ઉભરાયું હોય એવો હૈયે હૈયું દળાતો માનવ મહેરામણ. ત્યાં પોટેટો સ્વિર્લ નામની ટેસ્ટી વાનગી ચાખવા જેવી છે. એક હાથ લાંબી સળી ઉપર વળવાળીયાના, એટલે કે  સર્પાકાર માં તળેલાં બટેટાની ચિપ્સ હોય જે ગળી ચટણીમાં ડૂબાડેલી હોય. એ ગળ્યું કમ મસાલેદાર કોટિંગ જ આંગળા ચાટવાનું મન થાય તેવું હોય. ત્યાં સસ્તી ફ્લેવર વાળી સોડા, રાગી ની રોટી, ખાસ કન્નડ વાનગીઓ અને લોકપ્રિય ઈડલી, ઉપમા, ઢોસા જેવું તો ખરું જ. અરે ઢોકળા, પરોઠા ને એવું પણ મળે.

અહીં હું અમુક મોટા વિસ્તારોમાં જોવા મળતી નાઈટ લાઈફ, ખાસ તો રજા ના દિવસો ને તેની આગલી રાતે કેવી હોય છે તેની વાત કરીશ.

હવે બધે શનિ રવી રજા હોય એટલે શુક્રવારની રાત, કહો કે સાંજના 5 પછી અમુક વિસ્તારો ખાસ જાતના આધુનિક વસ્ત્રો પહેરેલાં યુવાન યુવતીઓથી ઉભરાવા માંડે છે. અમે નાઈટ એટ બેંગ્લોર ની ઝાંખી લેવા ઈન્દિરાનગરની  એક ખૂબ પબ, રેસ્ટોરાં ધરાવતી સ્ટ્રીટમાં ગયાં.

સહુ પ્રથમ તો હું યુવાન પેઢીનાં વસ્ત્ર પરિધાન જોઈ આભો બની ગયો. કેટલાકનાં વસ્ત્રો બે વર્ષના બાબા કે એવડી બેબી મોટી સાઈઝનાં થઈને આવ્યાં હોય તેવાં હતાં. માત્ર ખભા પર પટ્ટી વાળું, નીચે જનનાંગો જ ઢંકાય તેવું ટોપ, પગ પુરી સાથળો, પિંડીઓ દેખાડતા અને ખભાઓતો  ઠીક, આગળ ઉરજો પણ અર્ધા ડોકાતા હોય તેવું પહેરેલી 24-25 વર્ષની કન્યાઓ, નિટેક્સ ગંજીના નવા અવતાર જેવી ઉઘાડા ખભા વાળાં ટીશર્ટ, પુરી સાથળ દેખાય તેટલી ચડ્ડીઓ પહેરેલા યુવાનો. કેટલાક-કેટલીકે તો આખું લાલબાગનું બોટનીકલ ગાર્ડન પોતાના વસ્ત્રો પર ઠાલવ્યું હોય તેવાં ફ્લોરલ ડિઝાઇનથી ખીચોખીચ વસ્ત્રો તો કેટલીક ગોરી કન્યાઓએ ધ્યાન ખેંચવા જ પૂરાં કાળાં ફિટ વસ્ત્રો પહેરેલાં, સુંદર, ખુલતા અને ઝૂલતા  કાળા વાળ તેણીઓનાં ગોરાં મુખ સાથે કોન્ટ્રાસ્ટ કરતાં હતાં. કેટલીકના પેલેજો કે પહોળા લેંઘા ‘મર્યાદાસ્ત્રીતમ’ કહેવાનું મન થાય તેવાં હતાં પણ એ લહેરાતી કાયાઓ ખાસ ધ્યાન ખેંચવા માટે જ અમુક વસ્ત્રો પરિધાન કરી આવેલી.

સ્ત્રીઓ કે પુરુષો પોતાના પાર્ટનર ઉપરાંત જાહેર જનતાના લાભાર્થે અંગ પ્રદર્શન અને વસ્ત્રનો ફેશન શો બતાવતાં હતાં. આ જ તો મુક્ત મને વિહાર કરવાની તક હતી. રોજ તો એ જ બ્લેક સૂટ પહેરેલી કે ફોર્મલ ડ્રેસમાં સજ્જ કન્યાઓ અને ટીશર્ટ એલાવ હોય; (જે ઘણી મોટી યુ.એસ. બેઝડ કંપનીઓમાં છે) તો એ, નહીંતો ફોર્મલ ડ્રેસમાં, આગળ લટકતું આઈકાર્ડ લઈ અતિ ગીચ ટ્રાફિકમાં બાઇક, કે એકટીવા માંડ કાઢતાં દોઢ બે કલાકે ઓફિસ પહોંચતાં હોય. રોજનો થાક દૂર કરવા શરીર, મન ઉપરાંત વસ્ત્રોથી પણ ‘પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં’ કહેવા આ બે દિવસ તો મળે છે!

અમે પહેલાં HSR લેઆઉટ માં એક જગ્યાએ તંદુરી ચા પીવા ગયાં. માટીની કુલડીમાં ચા. બેસવાના ટેબલના પાયા જુના સાઈકલનાં પૈડાં અને ટોપ ઉપરના બાર સાથે વેલ્ડ કરેલું. ચા ચૂલા પર બનાવેલી. અરે ભાઈ, આપણે એસટીમાં જઈએ છીએ ત્યારે કોલસાની સગડી ઉપર હેન્ડલ ફેરવી હવા ફૂંકતો, તીખારા ઉડાવતો ચા વાળો નથી જોયો? પણ અહીં કુલડી પણ માટીની  વાસ વગરની, ચા પણ સરસ.

એક truffles નામના પ્રખ્યાત રેસ્ટોરાંમાં ખાવા ગયાં. ખુલ્લા  મેઝનાઇન ફ્લોર પર સીટ લીધી. ઉપરથી નીચે ખુલ્લું દેખાય તેમાં નીચેનાં ટેબલોપર ફાસ્ટ ફૂડ ખાતાં ગ્રુપ કે યુગલો, બહારની ચહલપહલ  જોવાની મઝા આવી. બર્ગર જાયન્ટ સાઈઝનું, આપણી ચા ની રકાબી જેવડું હતું. ચાર ભાગ કરીને જ મોંમાં બાઈટ લઈ શકાય.

રેસ્ટોરાંમાં તેઓ પીઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ ઉપરાંત ચિકન, નોર્થ ઇસ્ટ ફૂડ, નોર્થ અને રોજ તો ખાતાં હોય, એટલે સાઉથ સિવાયનું ફૂડ ખાવા ઉમટી પડે. એ રેસ્ટોરાં અને બાર વાળી શેરીઓમાં લીગલ પાર્કિંગ તો ખૂબ દૂર મળે. જ્યાં જગ્યા મળે ત્યાં  પાર્ક કરી પહેલાં ખાય પછી ‘પીવે’ અને પછી કે સાથે કાન ફાડતા અવાજે મ્યુઝિક સાથે નાચે.

એક બાર કમ રેસ્ટોરાંમાં શરૂઆત ’80 કે ’90 નાં ગીતો કોઈ પ્રોફેશનલ ન હોય તેવો સિંગર ગાઈ રહ્યો હતો. મને કહેવાયું કે કરાઓકે પર કોઈ પણ ગાઈ શકે છે અને સાથે મ્યુઝિકના તાલે બેઠેલાં કપલ ઝૂમે. જેમ રાત આગળ વધે તેમ ’60 કે ’80 નાં ઘીમાં ગીતોની જગ્યાએ ધમાલિયા ગીતો શરૂ થાય પછી કાન ફાડી નાખે તેવાં સંગીત સાથે હો.. હા.. અવાજો કરતાં કપલો ડાન્સ , કુદાકુદી કરે. પોતાના કે મિત્રના પૈસે નશો ચડે એમ ડાન્સની ગતિ વધે. ક્યારેક છેક પરોઢે પાંચ સુધી. (અહીં અમદાવાદ કરતાં વહેલો દિવસ ઉગે. 5 વાગે મોર્નિંગ વૉક નાં ગાર્ડન ખુલે અને 5.30ના તો મંદિરોમાં આરતી થાય!)

એક જગ્યાએ સાંજે 4 કે 5 વાગ્યે તમારે રાત્રે પીવાની બ્રાન્ડ અને ક્વોન્ટીટી નો ઓર્ડર નોંધાવી દેવાનો. રાતના કયો મેક્સિમમ ભાવ હશે તે ગેસ કરીને. પૈસા ચૂકવી દેવાના. જો ભાવ વધ્યો  તો તમને ખૂબ મોંઘી દારૂની બ્રાન્ડ તમને ખૂબ સસ્તી પીવા ને પાવાકે લઈ જવા મળે. જો કોઈ ખાસ લેવાલ ન નિકળે ને ભાવ રાત ચડતાં ઘટે તો નસીબ તમારાં. શેરના સટ્ટા જેવો એક પ્રકારનો દારૂનો સટ્ટો.

ટોઇટ  નામની એક દારૂની દુકાન કમ પબ જોયું. આપણા બાંદ્રા સ્ટેશનનો ફ્રન્ટ યાદ છે? તેવો કે બાલી- ઇન્ડોનેશિયા નાં છાપરાં જેવો આકાર ધરાવતો ફ્રન્ટ.

એક ‘નાસી ગેરિંગ’ નામની ઇન્ડોનેશીયાનું ફૂડ વેંચતી રેસ્ટોરાં જોઈ. નાસી ગેરિંગ એટલે આમ તો આપણા દાળ ભાત જેવી, ભાતમાં નૂડલ અને અમુક પાંદડાનો સેલાડ નાખેલી ત્યાં રોજબરોજ ખવાતી વાનગી.

એક BOHO નામનું બાર જોયું. બહારની એન્ટ્રી પાસે રંગીન બોટલો આકારની લાઈટો અને ભવ્ય એન્ટ્રન્સ.

‘કિંગફિશર’ નાં તો બહાર અગણિત બોર્ડ હતાં પણ તે તો આપણી રસ્તા પરની ચાની કિટલીઓ બરાબર.

એક જગ્યાએ ગોટી સોડા ‘ખાસ નવી જાતની’ કહી 249 રૂ. માં  વેંચાતી જોઈ! કહેવાયું કે અમુક જગ્યાએ શરાબ કે દારૂની બોટલ પણ આ રીતે ગોટીથી ખુલે છે!

હું તો ગુજરાતમાં અને ખાસ પ્રકારના મિત્રો, કુટુંબમાં ઉછર્યો છું એટલે મને દારૂની કોઈ બ્રાન્ડમાં ખબર ન પડે. પણ વાઇન જે વિદેશમાં જમવા સાથે લેવાય છે, બ્રાંડી જે ખાસ ચડે નહીં, વ્હીસ્કી અને અનેક કાળાં સફેદ પીણાંઓ. એની કિંમત એક રાતમાં આપણે ઓફિસમાં એક મહીનો કટિંગ ચા મગાવીએ તેટલી એક કલાકમાં તેઓ ખર્ચી નાખે. 80 હજારથી એકાદ લાખ પગાર હોય, પેઇંગ ગેસ્ટમાં રહેતા હોય, બન્ને હજુ એકલાં હોય કે એમ જ ચોઇસથી રહેવું હોય પછી એક આવી શુક્ર-શનિ ની રાતે 4-5 હજાર ખર્ચી નાંખે. ‘મિત્રો’ તેમનું કરી નાખે તો તેમને મિત્રોનું  કરી નાખતાં કે ‘મિત્રી’ પાસેથી કોઈ પણ રૂપે વસુલ કરી લેતાં આવડવું જોઈએ. બધા લગભગ શીખી જાય છે.

શુક્રવારની સાંજના 5 વાગ્યા નથી કે આવી સ્ટ્રીટમાં એ લોકો દોડ્યા નથી! જેમ રાત પડે તેમ પબ, બાર ની ઝાકઝમાળ રોશની વધે, ચમકતાં દમકતાં હાથમાં હાથ નાખી ઘુમતાં કપલો અને ગ્રુપથી શેરીઓ ઉભરાતી જાય.

આ બેંગલોર IT વાળાઓની અલગ દુનિયા છે. મૂળ બેંગલોર કોંઝર્વેટિવ દક્ષિણ ભારતીયોથી વસેલું છે. તેઓ તો વિદ્યાર્થીભવનની ઈડલી ઉપમા ખાઈ સંતોષ માને અને નજીકના થિયેટરોમાં મલ્ટીપ્લેક્સ નહીં, એ જ બહાર મુછાળા હીરો અને ઘટ્ટ વાળ વાળી નખરાળી હીરોઇનોના બોર્ડ મારેલી મારધાડ વાળી ફિલ્મો જોઈ રાજી. મા બાપથી ક્યાંય દૂર રહેતા ઘણા ખરા ઉત્તર ભારતીયો આવી મઝા માણતા વધુ જોવા મળે.

હજુ એક ભારત દેશ છે પણ એકબીજા પરનો પૂર્વગ્રહ દુર થયો નથી. મારા પુત્રે કોઈ ટ્રાફિક સિગ્નલ પર વચ્ચે કાર આડી આવતાં કોઈ કન્નડને પેલા કારવાળાને ‘યુ બ્લડી નોર્ધી’ કહેતો સાંભળ્યો છે.

એ શુક્ર, શનીની રાત્રે એ શેરીઓમાં  ટ્રાફિક અને પાર્કિંગ મેનેજ કરવું પોલીસ માટે માથાનો દુખાવો બની જાય છે. આવેલાં યુવક યુવતીઓ માટે દોઢ બે કિલોમીટર દૂર કોઈ રહેણાંકની શેરીમાં કોઈ બંગલા આડી  બાઇક કે કાર પાર્ક કરી જવું પડે છે.

રાત્રે તેઓ મોડા બધું પતાવીને નિકળતા હોય ત્યારે આવી તક પોલીસ ચુકે? કાર રોકી પકડે. જો પીધેલો માલૂમ પડેતો દસ હજાર દંડ! જો કે એ મોટા ભાગના ચડે નહીં તેમ પીવા અથવા ઉતરે પછી જ ડ્રાઇવિંગ કરવા ટેવાયેલા હોય છે.

રાત્રે સાડાબારે પણ સિગ્નલો ચાલુ અને ટ્રાફિક ધીમે સરકતો. રાત્રે એક વાગે પણ ગૂગલ મેપ રસ્તે અમુક જગ્યાએ ટ્રાફિક જામ બતાવે!

તો આ હતો મારો બેંગલોરની રાત્રી લાઈફ નો અનુભવ.

 

eછાપું

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!