માતા વિ. પુત્ર: શું કોંગ્રેસ ખુદ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ શક્ય બનાવશે?

0
244
Photo Courtesy: orissapost.com

શું જાણવા મળેલી વાત સાચી છે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે જ ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે? જો આમ જ  હોય તો કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સ્વપ્ન ખુદ કોંગ્રેસ જ પૂરું કરી આપશે?

Photo Courtesy: orissapost.com

કોંગ્રેસને 2014ના મે મહિના પછી ભાગ્યેજ કોઈ સારા સમાચાર સાંભળવા મળ્યા છે. જો કે એ વખતે પણ કોંગ્રેસને કોઈ સારા સમાચાર મળ્યા જ ન હતા કારણકે તેણે એ મહિનામાં ઇતિહાસમાં સહુથી ઓછી એટલેકે 44 બેઠકો મેળવી હતી. તેમ છતાં કોંગ્રેસ પડી છે પણ હારી નથી એવી સાંત્વના કોંગ્રેસીઓ તેમજ લોકશાહીમાં મજબૂત વિપક્ષની અપેક્ષા રાખતા રાજકીય વિશ્લેષકો રાખી રહ્યા હતા.

પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને કેન્દ્રમાં ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ મજબૂત બનતા ગયા તેમ તેમ કોંગ્રેસને જાણેકે બેઠા થવામાં કોઈ રસ જ ન રહ્યો હોય એવું લાગ્યું. ગયા વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી વિધાનસભાની જીત તો તેને જાણેકે ભૂલમાં મળી ગઈ હોય એવું લાગવા લાગ્યું કારણકે તે પહેલાની મોટાભાગની વિધાનસભાની ચૂંટણીઓમાં અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ એક પછી એક અભૂતપૂર્વ હાર મેળવતી જ ગઈ.

લોકસભાની ચૂંટણી પછી પણ કોંગ્રેસમાં તકલીફો ઓછી થવાનું નામ નથી લેતી. ચૂંટણીના પરિણામો આવ્યાના થોડા જ દિવસોમાં તે સમયના પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતે હારની જવાબદારી લઈને રાજીનામું આપે છે તેમ કહેતા તો જાણેકે કોંગ્રેસમાં સોપો પડી ગયો. પછી તો જેમ થાય છે તેમ રાહુલબાબાને મનાવવાની કોશિશો થઇ પણ બાબા ન માન્યા તે ન જ માન્યા. છેવટે લગભગ ત્રણેક મહિના પછી રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું.

આ સમયે એવું લાગતું હતું કે કોંગ્રેસમાં બિન ગાંધી પરિવારનો કોઈ સભ્ય હશે જેને પક્ષનો અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. પરંતુ અફવાઓને સાચી પાડે તો એ કોંગ્રેસ શેની? તેણે ફરીથી પોતાના અધ્યક્ષ પદે ગાંધી પરિવારના મોભી સોનિયા ગાંધીને જ બેસાડી દીધા, જો કે નામ આપ્યું, ‘કાર્યકારી અધ્યક્ષ’નું. આ સમયે પણ એવી ચર્ચા હતી કે કોંગ્રેસમાં તો શું પરંતુ ગાંધી પરિવારમાં પણ બધું સરખું નથી ચાલી રહ્યું. આ ચર્ચાની સાબિતી ગત વિકેન્ડમાં નજર સમક્ષ આવી ગઈ.

આ મહિનો પૂરો થશે એ પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા અતિ મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને એવા સમયે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ પરંતુ ‘વરિષ્ઠ’ કહી શકાય તેવા રાહુલ ગાંધી શનિવારે રાત્રે વિદેશયાત્રાએ નીકળી ગયા છે! કોઈક કહે છે કે તેઓ બેંગકોક ગયા છે તો કોઈક કહે છે કે તેઓ વિપસ્યના કરવા માટે કમ્બોડિયા ગયા છે. ગયા ગમે ત્યાં હોય પણ તેઓ ભારતમાં નથી એ પાક્કું છે.

જ્યારે બે મહત્ત્વના રાજ્યોની ચૂંટણીઓ માથે હોય, તેનો પ્રચાર જોરમાં હોય, તમે તમારી પાર્ટીના સ્ટાર પ્રચારક હોવ, તમે પૂર્વ પક્ષ પ્રમુખ હોવ અને તેમ છતાં જો તમે પ્રચાર શરુ કર્યા વગર જ કોઇપણ કામ માટે દેશ છોડીને જતા રહો તો યા તો તમે ગેરજવાબદાર છો અથવાતો તમને કોઈ સાથે જબરદસ્ત વાંધો છે જે તમને પોતાના પક્ષ માટે જ પ્રચાર કરતા અટકાવે છે.

ખબર તો જોરમાં એવી પણ ચાલી રહી છે કે માતા સોનિયા ગાંધી સાથે પુત્ર રાહુલ ગાંધીને છત્રીસનો આંકડો બેસી ગયો છે. આ વાત તો ત્યારે પણ આવી હતી જ્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસ પક્ષનું પ્રમુખ પદ છોડ્યું, આ વાત તો ત્યારે પણ આવી હતી જ્યારે રાહુલ ગાંધીએ હાલમાં જ પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને આ વાત તો ત્યારે પણ આવી હતી જ્યારે રાહુલ ગાંધીને સ્થાને સોનિયા ગાંધીને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવાની વાત જોરમાં થઇ રહી હતી. પરંતુ દરેક વખતે તેના કોઈ નક્કર પુરાવાઓ સામે આવ્યા ન હતા.

આટલું ઓછું હોય તેમ જે બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેના બે મહત્ત્વના આગેવાનો કહી શકાય તેવા સંજય નિરુપમ (મહારાષ્ટ્ર) અને અશોક તંવર (હરિયાણા) એ ખુલ્લેઆમ એવું કહ્યું છે કે અમને એટલેકે રાહુલ ગાંધીના ખાસ માણસોને હવે (એટલેકે સોનિયા ગાંધીના પક્ષ પ્રમુખ બન્યા પછી) કોઈ સાંભળતું નથી. નિરુપમ અને તંવર બંનેને પોતપોતાના રાજ્યોમાં ટીકીટ વહેંચણી વખતે વિશ્વાસમાં નહોતા લેવામાં આવ્યા એવો કોમન આરોપ બંનેએ મૂક્યો છે જ્યારે  આ બંને પોતપોતાના રાજ્યોમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

અશોક તંવરે તો મોટો આક્ષેપ એ પણ મૂક્યો છે કે હરિયાણામાં કરોડો રૂપિયા લઈને ટીકીટો વેંચવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે નાણા લઈને ટીકીટો વહેંચવી જેવો આક્ષેપ કોઈ નવો નથી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ આ પ્રકારની અફવાઓ કોંગ્રેસ માટે ફેલાવવામાં આવી હતી અને અલ્પેશ ઠાકોર પણ આ જ કારણોસર એ ચૂંટણી બાદ કોંગ્રેસ છોડી ગયા હતા. તો શું અશોક તંવરનો આરોપ સાચો હશે? શું સોનિયા ગાંધી પોતાના જ પુત્રને જે ઓલરેડી પક્ષ પ્રમુખ પદેથી રાજીનામું આપી ચૂક્યો છે તેને આ રીતે સાઈડલાઈન કરી રહ્યા હશે? જો હા તો કેમ? એવી જરૂર કેમ પડી?

આ બધા વચ્ચે એક અત્યંત નોંધપાત્ર હકીકત એવી પણ છે કે સંજય નિરુપમ અને અશોક તંવરની પ્રેસ કોન્ફરન્સ એક એક દિવસના અંતરે જ થઇ હતી. સંજય નિરુપમે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પોતે કોંગ્રેસ વતી પ્રચાર નહીં કરે એમ કહ્યું જ્યારે અશોક તંવરે તો પ્રેસ કોન્ફરન્સમાં જ પોતે કોંગ્રેસ જ છોડી દીધી છે એવી જાહેરાત કરી હતી. આ બંને પ્રેસ કોન્ફરન્સના બીજા જ દિવસે રાહુલ ગાંધી દેશ છોડીને જતા રહ્યા. શું આ બધું નિરુપમ અને તંવરે જે કહ્યું એ સાચું છે એમ ઠરાવવા માટે જ રાહુલ ગાંધીએ કર્યું હોય એ શક્ય નથી?

આ પાછળનું કારણ શું હોઈ શકે? શું લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર? પણ સોનિયા ગાંધી તો 2014માં 44 બેઠકો લાવ્યા હતા ત્યારે રાહુલ ગાંધી તો આ વખતે 52 બેઠકો લાવ્યા છે, તો શું રાહુલ ગાંધીનું પરફોર્મન્સ સોનિયા ગાંધીથી સારું ન કહેવાય? કે પછી કોઈ બીજી વાત આ માતા-પુત્ર વચ્ચેના ઠંડા સંઘર્ષનું કારણ બન્યું છે? શું એ કારણ પ્રિયંકા વાડ્રાને આપવામાં આવી રહેલા મહત્ત્વનું છે?

યાદ હોય તો પ્રિયંકા વાડ્રાને લોકસભાની ચૂંટણી શરુ થાય તેના થોડા જ સમય પહેલા કોંગ્રેસમાં સમાવીને તેના મહામંત્રી બનાવી દેવામાં આવ્યા હતા અને અતિશય મહત્ત્વના એવા પશ્ચિમ ઉત્તર પ્રદેશનો હવાલો પણ સોંપી દેવામાં આવ્યો હતો. કહેવાય છે કે રાહુલ ગાંધીની સલાહ આ સમયે લેવામાં આવી ન હતી. કહેવાય તો એમ પણ છે કે એ વાતનો બદલો લેવા માટે રાહુલ ગાંધી જ પ્રિયંકાને વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ભીડાવી દેવા માંગતા હતા જેથી પ્રિયંકાનું રાજકીય જીવન શરુ થાય ત્યાંજ પૂર્ણ થઇ જાય.

સત્તાધારી કુટુંબનો આંતરિક વિખવાદ ભારતના ઈતિહાસ માટે નવો નથી. પરંતુ હવે સમય બદલાયો છે. દેશમાં લોકશાહી છે અને આવનારા દાયકા સુધી તો ભાજપનો કોઈ વિકલ્પ દેશને મળે એ શક્ય નથી લાગતું. તો એવામાં મજબૂત વિપક્ષની અને વિકલ્પની તેને ખાસ જરૂર છે. જો આ રીતે કોંગ્રેસના માતા પુત્ર જ એક બીજા સાથે ઝઘડતા રહેશે તો એ વિકલ્પ કેવી રીતે મળશે? કદાચ એવું પણ બને કે કોંગ્રેસ મુક્ત ભારતનું જે સ્વપ્ન ભાજપ જોઈ રહ્યો છે તે પૂર્ણ કોંગ્રેસ ખુદ કરે.

જે સંજોગોમાંથી કોંગ્રેસ હાલ પસાર થઇ રહી છે તે જોતા આમ થવું પણ શક્ય બની શકે છે. જો એમ થશે તો દેશની લોકશાહીની તંદુરસ્તી પર એ એક મોટો આઘાત હશે.

૭ ઓક્ટોબર ૨૦૧૯, સોમવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here