જાણીએ ગુજરાતના વિવિધ ગરબાઓની ગઈકાલ અને આજ વિષે

0
450
Photo Courtesy: laughspark.info

ગુજરાતમાં છેલ્લા છ દાયકાઓથી ગરબાઓનું સ્વરૂપ અને મિજાજ ધરમૂળથી બદલાઈ ગયા છે અને આજે જાણીએ ગુજરાતના આ ગરબાઓની ગઈકાલ અને આજ વિષે સંપૂર્ણ માહિતી.

માતાજીની આરાધના સાથે મસ્તીથી નાચ ગાન માટે ગરબા. અને એ  ગરબા તો ગુજરાતની ખાસ ઓળખ છે. અન્ય રાજ્યો માટે ખાસ જોવાની અને આશ્ચર્ય પામવાની વસ્તુ છે.

ગરબા મેં જે અલગ અલગ પ્રકારના મારા જીવનકાળ દરમ્યાન જોયા છે તેની અત્રે વાત કરીશ.

પહેલાં એટલે બહુ જ પહેલાં. 50 થી 60 વર્ષ પહેલાં. ગરબા એટલે શેરી ગરબા. સ્ત્રીઓ રસોડાથી પરવારીને બહુ બહુ તો માથું ઓળી મોં ધોઈને નીચે  ઉતરે કે બહાર નીકળે. કપડાં તો એનાં એ જ. ઘરમાં પહેરાતી સાડી કે ‘સાડલો’. સ્ત્રીઓ એક નાની ટીપોય પર માતાજીની છબી મૂકે, ઘીનો દીવો એક કોડિયામાં કરે અને એ માટીના, કાણા વાળા ગરબામાં મૂકે. ત્યારે જય આધ્યાશક્તિ શરૂઆતમાં ગવાતું. તાળીઓ પાડતી જાય અને ગોળ ફરતી જાય. સાડાઆઠ આસપાસ શરૂ થયેલા ગરબા દસ વાગ્યે તો પુરા. તે વખતે અમે ખૂબ નાના છોકરા ધૂળ ઉડાડતા ગરબાની નજીક કે શેરીઓમાં ફર્યે રાખતા. દસ વાગે એટલે આરતી કરી સહુ સાકરિયાનો પ્રસાદ લઈ ઘેર જઈ સુઇ જાય.

થોડા વર્ષો પછી શેરીમાં વધારાની લાઈટો થવા લાગી. ક્યાંક દિવાળીમાં હોય છે તેવાં નાના લાલ પીળા બલ્બનાં તોરણો જોવા મળે. ગાવામાં તો એ જ શેરીની યુવાન સ્ત્રીઓ ગવરાવે અને ઘૂમે. કોઈ માજી (મોટી ઉંમરની, 50 આસપાસની સ્ત્રી) બેઠાં બેઠાં ગવરાવે.

સમજો કે 1966-67 સુધી એવું જોયું છે. જે સ્ત્રી સારું ગાતી હોય એનાં બહુ બહુ તો એની સાસુ અને આજુબાજુની પાડોશણો વખાણ કરે. આગળ કાંઈ નહીં.

પણ એમાંથી જ કહો કે ’66-’69 દરમ્યાન માઇકો મુકાવાં શરૂ થયાં. મેં સૌરાષ્ટ્ર માં ઘણા અર્થસભર સુંદર ગરબાઓ સાંભળ્યા છે.

અમુક જગ્યાઓએ હવે મહારાષ્ટ્રની ગણેશોત્સવ ઉજવણી જોઈને નવરાત્રીમાં સ્ટેજ ઉપર હેલોજન લાઈટ સાથે ગરબા અને તેની સાથે અઢી ત્રણ કલાકના પ્રોગ્રામ શરૂ થયા. એ ગરબાઓ જોનારા તો દસ વીસ નહીં પણ સેંકડો. એટલે પંદરેક દિવસ પહેલાં પ્રેક્ટિસ થવા લાગી.

હું કિશોરાવસ્થામાં જ્યાં થોડો સમય રહેલો તે અમદાવાદની ગવ. કોલોનીમાં ખાસ આવા પ્રોગ્રામો માટે સ્ટેજ બંધાયું. 480 ઘરો હતાં. ત્યાં ગરબા શરૂમાં એક કલાક ચાલે. પછી રહીશોએ જ તૈયાર કરેલ નાટકો, મિમિક્રી અને અન્ય મનોરંજક આઇટમો  ગરબા પછી રજુ થવા લાગી. સ્વ. કાંતિ પટેલનો મિમિક્રી પ્રોગ્રામ એ સ્ટેજ પર જોયો છે.  લગભગ ખાંડેકર બ્રધર્સ  એ દાયકામાં એવા ગવ. ક્વાર્ટર્સમાં પ્રોગ્રામ આપતા જ આગળ આવ્યા છે.

હવે મા ની સ્તુતિ ઉપરાંત ‘એક સુરત થી ગાડી આવી રે હોલરીયા રાણા, એ ગાડી ને ધક્કા મારો રે..’ કહેતી સ્ત્રીઓ ગાડીની જેમ લાઈનમાં ગોઠવાઈ આગલી સ્ત્રીને હળવો ધક્કો મારે એવા ગરબા શરૂ થયા. ‘તમે ઓલું લાવજો પેલું લાવજો પાન સોપારી .. હો કે પેલું.. પાલી મગ મારા પાછા લાવજો’ જેવા ગરબા શરૂ થયા અને મનોરંજક હોઈ જોતજોતામાં વાઇરલ થઈ ગયા. એવા ગરબાની એકશાનો કાંઈ દરેકને ન આવડે એટલે સારું ગાઈ શકતી અને એકશનો વિચારી શકતી સ્ત્રીઓની માંગ વધવા લાગી.

એમાં મુંબઇ તો નવા નવા કમાવાના અખતરાઓ માટે જાણીતું. ત્યાં જ પ્રૉફેશનલ સિંગર, વાદક (અત્યાર સુધી કોઈ જ્ઞાતિજન કે સોસાયટીનો રહીશ ઢોલ કે તબલાં અને હાર્મોનિયમ વગાડે એટલે ભયો ભયો હતું.) ની માંગ અને એ સાથે તેમનાં અગાઉથી બુકિંગ શરૂ થઈ ગયાં જે જોતજોતામાં અમદાવાદ આવી પહોંચ્યાં. રાજકોટ જામનગર જેવાં શહેરોમાં હજી શેરી કે અમુક મંડળ પૂરતા ગરબા સીમિત હતા. તો.પણ, માથે બેડાં, ઈંઢોણી ઉપર પ્રજ્વલિત દીવડાઓ સાથેની દીપમાળા, માંડવડીઓ માથે લઈ ઘૂમતી સ્ત્રીઓ અને એવા નૂતન પ્રયોગો સ્ટેજ પર થવા લાગ્યા. શેરી ગરબામાં પણ અમદાવાદની એક.પોળમાં કાયમ બીમાર રહેતાં એક બહેન નવરાત્રીમાં માથે ભારેખમ માંડવડી ઉપાડતાં જ જોશમાં આવી ગરબે ઘુમતાં.

રાયપુર, ખાડીયાના પોળના અનેકોઈએ કહેલું કે આકાશેઠ કુવાની પોળના ગરબા શહેરી વિસ્તારમાં વખણાતા. ‘રામને લાગી તરસ.. લક્ષમણ બંધવા પાણીડાં પાવ રે. ‘ ગરબામાં એવી પોળની બહેનોને માથે સળગતી, સગડી જ કહી શકો તેવી દીપમાળ સાથે સામસામા જતા બે વર્તુળોમાં, એ પણ નીચે લળી ને ગરબા કરતી જોઈ છે.

અવિનાશ વ્યાસના ફિલ્મી ગીતો સાથે ગવાતા ગરબાઓએ જોર પકડ્યું. ’70થી ’80 વચ્ચે ‘ભાભી તમે થોડાં થાઓ વરણાગી’ કે ‘માલા રે માણ લહેરણિયું લાણ’ જેવા તેમણે રચેલા ગરબાઓ ફિલ્મો ઉપરાંત સ્ટેજ ગજવવા માંડ્યા.

કોણ જાણે ક્યાંથી, ગ્રામ્ય લહેકા સાથે ગાતા લોકોની ડિમાન્ડ વધી. હું કિશોરાવસ્થા અને યુવાવસ્થા વચ્ચે હતો ત્યારે પાંજરાપોળ પાસે એલ કોલોનીમાં રહેવા આવ્યો. અહીં એક રામજીભાઈ દિવસે દૂધ આપવા આવે અને રાત્રે નવ વાગે એટલે ‘એ હાલો હાલો..’ કરી શરૂ. ‘વહાણ હાંકો મેવાસી વણઝારા’ જેવા તાલબદ્ધ નાચ સાથે ગવાતા ગરબા તેઓ એક ગાલે હાથ દબાવી બીજા હાથે લહેકો કરતા ગાતા. બીજે પણ કોઈ ને કોઈ રામજીભાઈ કે નબુ બેન શરૂ થઈ ગયાં.

‘એ હોવે હોવે.. ‘, ‘સોરા શેર ચ્યો ગ્યો તો..’ સુંદર રૂપકડી અમદાવાદી કન્યાઓ ગાવા પ્રયત્ન તો કરતી પણ એના શુદ્ધ ઉચ્ચારો રામજીભાઈઓ કે ઉઝી બહેનો જેવા બની શકતા નહીં. એમાં મને અને મારી જેવા ઘણાને આ ગરબામાં શું ગાય છે એની ખબર પડતી નહીં, હજી નથી પડતી.

એ બધું ફ્રી માં ક્યાંથી થાય જ? એટલે શરૂ થયું વોલન્ટરી ઉઘરાણું. લોકો લાઈટ, સ્ટેજ ડેકોરેશન અને ગાયકોને માટે દિલથી આપવા લાગ્યા.

એ સાથે હું રાજકોટ  શહેરમાં હતો. અમુક જગ્યાએ જેમ કે ભક્તિનગરની શેરીઓમાં ખુદ જ ગ્રામ્ય ઉચ્ચારોમાં બોલતી સ્ત્રીઓ નીચે ઉભી માઇક એટલે સામે એક દાંડો ઉભો અને બીજો ઊંચાઈ મુજબ ત્રાંસો કરી તેમાં ઘુસી જવું હોય તેમ મો રાખી ‘અષાઢી હાંજ ના યમ્મર ગાજે..’ ગાવા લાગી. તો સામે જાગનાથ પ્લોટ કે નવા બની રહેલા જગન્નાથ પ્લોટ પાસે હજી અતિ શુદ્ધ ઉચ્ચારો સાથે પાતળા અને મોટા અવાજે  ગાતી નાગરાણીઓ મેદાનમાં આવી અને એ બે વચ્ચે હરીફાઈ. એક વર્ગને આવા શુદ્ધ ઉચ્ચારો સાથે મનોરંજક ગરબા ગમતા તો બીજાને ગ્રામ્ય ઉચ્ચારો વાળા.

ગરબા વચ્ચે ‘શામજીભાઈ તરફથી બાળાઓને દૂધ’ એવી જાહેરાત થાય. બાળાઓ પૈકી કેટલીક દોડતી તો કેટલીક ‘કેટલું દૂધ પીધા કરવું? આટલું તો નાગણીઓ પણ નહીં પીતી હોય’ કહી દૂધનું નામ પડે કે આઘી પાછી થઈ જતી.

અમદાવાદ, સુરત, વડોદરા પ્રોફેશનલ બની ચુકેલાં.

વડોદરામાં રાજમહેલ ગ્રાઉન્ડના ગરબા એ અરસામાં જ શરૂ થયા.

અમદાવાદમાં હજી મીલો બંધ નહોતી થઈ. ગોમતીપુર, અસારવાની ચાલીઓમાં થાકેલા પાકેલા મજૂરો ઢોલ મંજીરા લઈને ગાવા બેસી જતા અને એ પ્રમાણમાં ગરીબ વર્ગની સ્ત્રીઓ ત્યાં જ તીણા અવાજે શેરી ગરબાઓ  ગાતી.

1990 આસપાસ લોકોના જીવનધોરણમાં જબ્બરદસ્ત બદલાવ આવ્યો. જે  ગરબા 10 વાગે બંધ થતા તે હવે 10 વાગે શરૂ થઈ 12 અને છેલ્લા નોરતે પરોઢ સુધી ચાલતા થયા. આંબાવાડી કે નવરંગપુરમાં તો અગાઉ કહ્યું તેમ હવે સેંકડો નહીં પણ હજારો લોકો જુએ એટલે પોતાને બને તેટલી ફેશનેબલ, સુંદર બતાવવા જાત શણગારવાની ફેશન શરૂ થઈ.  દિવાળીમાં તો હોય જ, નવરાત્રીમાં પહેરવાના પુરુષો અને સ્ત્રીઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ વધુ ને વધુ મોંઘા શરૂ થયા. આભલા ભરેલા ચણીયા અને રંગબેરંગી ઓઢણીઓ, પુરુષો માટે  રબારી ડ્રેસ અને ફાળિયાંઓ શરૂ થયાં.

એ જ અરસામાં હું દ્વારકા હતો. ત્યાંની એસીસી કોલોનીમાં આવી સ્ટેજ નવરાત્રી થતી પણ એક ખાસ ગરબી ચોક હતો જ્યાં ખાસ ગુલાબી, પીળાં કે નારંગી અંગરખાં પહેરી, નીચે પીતાંબર જેવી ધોતી અને ખભે ખેસ નાખી ગરબી રમતા એટલે કે ગોળ આકારમાં શક્તિમાન ની જેમ ઘુમતાં ઠેસ લેતા ગરબા કરતા પુરુષો જોયા. મારાં મકાનમાલિક એક 75 વર્ષના દાદી હતાં. કહે કે ‘પરસોત્તમ (એમના પતિ) જે ઠેક લેતા.. કોઈ એને ન પહોંચે. હું બસ એની જ દિવાની બની ગઈ હતી! (1932 a love story?)

ત્યાંના મેર લોકો અને રબારીઓના જોશભેર, કુદકાઓ મારી રમાતા રાસની તો વાત જ ન થાય. હજુ DD ગિરનાર પર એવા રાસ જોઈ શકો છો.

પણ આ બધાની કોઈ એન્ટ્રી ફી નહીં. કોઈ ઉઘરાણું નહીં.

1995-96. અમદાવાદમાં તો હવે ક્યાંક લાકડાના કામચલાઉ સ્ટેજ પરથી ગાતા શહેરી સિંગરો આવી ચૂકેલા તો ક્યાંક  સાચે જ ગામડાંના કે ઝૂંપડામાં રહેતા લોકો ગાતા. એમના ઉચ્ચારો અને પડઘા પાડતું માઇક.. ખાસ કાંઈ સમજાતું નહીં. ‘કૂતરા તારી બોલી મને મીઠી મીઠી લાગે’ કે છોરા શેર કાંઈ ગ્યોતો .. અખંડ ચૂડલો નંદવા ને’ જેવું સંભળાતું. આભાર પ્રફુલ્લ દવેનો જેણે આવાં ગ્રામ્ય ગીતો શુદ્ધ ઉચ્ચારે ગાઈ શું શબ્દો છે તે સમજાવ્યું.

સંપૂર્ણ ટ્રેડિશનલ ગાયકો સાથે અવનવી એકશનો કરતા સેપ્ટના ગરબા જોવાનો પાંચેક વર્ષ લ્હાવો મળ્યો. એ આર્કિટેક્ટ લોકો મકાનો શણગારી જાણે તેમ તેમના શરીર પણ શણગારી જાણે. ફેશન પણ અવનવી અને લાઈટનાં ફાનસો વગેરેના આકારો જોઈને જ તબિયત ખુશ થઈ જાય. આજે પણ ત્યાં ટ્રેડિશનલ ગીતો અને ઢોલ મંજીરા જેવાં વાદયો સાથે જ મોંઘા ગ્રામ્ય ગાયકો લોકગીતો ગાય છે અને સુંદર દેહ ડિઝાઇન વાળા આર્કિટેક્ટ્સ એની સાથે ઝૂમે છે.

ગરબા સાથે નાસ્તાની પ્રથા ઓચિંતી 2005-06 આસપાસ શરૂ થઈ એમ માનવું છે. મૂળ તો ઉઘરાણું ગાયક અને લાઈટ ના ખર્ચા પૂરતું મર્યાદિત ન રહેતાં જેટલી આપનારની તાકાતનો ઉઘરાવનારનો અંદાજ એ મુજબ થવા લાગ્યું. હવે 1000 આપ્યા હોય તે અમદાવાદી થોડા ઘણા વસુલ કેવી રીતે કરે? નાસ્તો મંગાવી, ખાઈને. કોઈ કોઈ રાત્રે તેમની શ્રીમતીને તૈયાર થવું હોય એટલે રસોઈ ન બનાવે ને ત્યાં જ 11 વાગે ખાઈ લે. સામે વધુ ઉઘરાવવા 40 રૂ. નો નાસ્તો આપી 100 વસુલ કરવા આયોજકો પણ ટ્રિક કરવા લાગ્યા. એ આજ દિન સુધી ચાલુ છે.

અમે નારણપુરા હાઉસીંગની વસાહતોમાં બજાજ સ્કૂટર પર આજુબાજુ કેવા ગરબા થાય છે એ જોવા દોડતા. જ્યાં સારા હોય ત્યાં થોભતા. મુખ્યત્વે ગરબા જોવા જ હોં કે!  (છેક ’70s માં કોઈ પુખ્ત માટે કહેવાતું કે તેઓ સૌંદર્યપાન કરવા જ આગળ ઉભે છે!) અરે ગરબા સાથે બાય પ્રોડક્ટ તરીકે જોવાઇ જાય તો આંખો થોડી બંધ કરાય? માતાજીએ એમને લોકોને બતાવવા જ આવાં સુંદર બનાવ્યાં છે!

2002 થી વિશાળ માનવ મહેરામણ ઉમટે છે તે GMDC ગ્રાઉન્ડના સરકારે સ્પોન્સર કરેલા ગરબા દરેક નવરાત્રીમાં એક દિવસ તો ઓછામાં ઓછું જવું જ તે નિયમ પાળ્યો છે. 2002 થી ત્યાં શરૂ થયા ત્યારે પાર્ટીપ્લોટમાં 150-200 રૂ. ની ટિકિટ તો હતી.

અરે યાદ આવ્યું. ’90s માં  સોલા રોડ પર પાર્ટી પ્લોટસમાં લેડીઝને ફ્રી એન્ટ્રી અને પુરૂષો, 5 વર્ષ ઉપરના છોકરાની  પણ 60 થી 80 રૂ. જેવી ટિકિટ રહેતી. ક્રાઉડ પુલર  ફાલ્ગુની પાઠક એ ’90s ના પાછલા વર્ષોમાં પ્રખ્યાત થઈ.

હમણાં હમણાં જ્યાં ગરબા રમાય છે ત્યાં યૌવન હિલોળે ચડે છે પણ જ્યાં ગરબામાં ખાસ રસ નથી ત્યાં અમુક સોસાયટીઓમાં  ખરેખર લોકો નાસ્તાની રાહ જોતા જ ધીમે ધીમે પગ પછાડતા ફરી સમય પસાર કરતા હોય છે.

નાગરોના બેઠા ગરબા તો મેં જોએલ છ દસકાથી એમ જ છે. કોઈ નાગર ગૃહસ્થને ઘેર રાત્રી બેઠકમાં એક દોઢ કલાક સ્તુતિઓ સભર ગરબાઓ બેઠાં બેઠાં ગવાય અને તાળીઓ પાડતાં ઝીલાય. નમતી બપોરના દરેક વયની સ્ત્રીઓ ભેગી થઈ ચોક્કસ ગરબાઓ ગાય કે રાત્રે ઓફિસ ટાઈમ બાદ પુરુષ સ્ત્રીઓ બન્ને. તેમાંના જ કોઈ તબલાં કે હાર્મોનિયમ વગાડે. પ્રસાદમાં શીંગ સાકરીયા અને સૂકી દ્રાક્ષથી વધુ કોઈ અપેક્ષા જ નહીં. નાને પાયે જ્ઞાતિમિલન. સદભાગી છું કે મારે ઘેર પણ આવા ગરબા રાખી શકું છું.

આપણા ગરબા તો  ચેન્નાઇ, બેંગ્લોર કે દુબઇ અને યુ.એસ. માં પણ ગવાય છે. મેં મસ્કત શહેરમાં આવા બેઠા ગરબા તેમજ એક કીમી દૂર કાર  પાર્ક કરી હજારોના સમૂહમાં ફરીને થતા ગરબા – બેઉ માણ્યા છે.

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.’ ગરબો તો ગુજરાતીના હોવાપણા નું એક અંગ છે.

તો ગરબાનાં આવાં આવાં સ્વરૂપો અલગ અલગ સમયે જોયાં છે. આનંદની વાત છે કે ગરબાનાં સ્વરૂપો બદલાયાં છે પણ દરેક નવી પેઢીઓ ગરબા રમવા વધુ ને વધુ ઉત્સુક રહીને આપણો આ અમૂલ્ય વારસો જીવંત રાખે છે.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here