શુક્રવારે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વોહ’ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ 1978માં આ જ નામે બનેલી ફિલ્મની રીમેક છે. જમાના પ્રમાણે નવી ફિલ્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ મૂળ ફિલ્મ નિર્ભેળ હાસ્ય પીરસવા સાથે સુખી લગ્નજીવનની શીખ પણ આપી જતી હતી.

Late Review: પતિ પત્ની ઔર વોહ (1978)
મુખ્ય કલાકારો: સંજીવ કુમાર, વિદ્યા સિન્હા, રંજીતા અને અસરાની
સંગીત: રવિન્દ્ર જૈન
નિર્માતા-નિર્દેશક: બી.આર.ચોપરા
રન ટાઈમ: 141 મિનીટ્સ
YouTube: https://www.youtube.com/watch?v=NCpgKX0StXM
કથાનક
રણજીત (સંજીવ કુમાર) નવોસવો નોકરીએ લાગ્યો છે. નવી નોકરી હોવાથી ઘેરથી ઓફિસ સાઈકલ ચલાવીને જવું પડે છે. રણજીતને આ ગમતું તો નથી પરંતુ આ સાયકલ જ તેને તેની જીવનસાથી શારદા (વિદ્યા સિન્હા) સાથે આકસ્મિક મુલાકાત કરાવી આપે છે. આ આકસ્મિક મુલાકાત વારંવારની મુલાકાતોમાં પરિવર્તન પામે છે અને છેવટે તેમાંથી પ્રેમ થાય છે અને લગ્ન પણ થાય છે.
રણજીતના લગ્ન અગાઉ તેના મિત્રો તેને પહેલી રાત્રેજ ‘બિલ્લી મારવાની’ સલાહ આપે છે. તેનો મતલબ એમ હોય છે કે પહેલી રાત્રીથી જ પત્નીને પોતાના કાબૂમાં કરી લેવી નહીં તો પત્ની જો પતિને કાબૂમાં કરી નાખશે તો પતિનું એટલેકે અહીં રણજીતનું જીવવું દુભર થઇ જશે. રણજીત પોતાના લગ્નની પહેલી રાત્રીએજ બિલ્લી મારવામાં સફળ જાય છે. રણજીત અને શારદાનું લગ્નજીવન સુખી હોય છે અને તેમને ત્યાં એક પુત્રનો પણ જન્મ થાય છે. આટલુંજ નહીં રણજીતને પ્રમોશન મળતા તે સેલ્સ મેનેજરની પોસ્ટ પર પણ મેળવે છે.
અહીં તકલીફ શરુ થાય છે. રણજીતને મળે છે એક સેક્રેટરી જેનું નામ છે નિર્મલા (રંજીતા). નિર્મલાની નિર્દોષ સુંદરતા જોઇને રણજીત તેના તરફે આકર્ષાય છે અને તે નિર્મલાનો પ્રેમ પામવા તરસવા લાગે છે. તો સામે પક્ષે નિર્મલા મધ્યમવર્ગીય છોકરી હોય છે જેને પોતાનું ઘર ચલાવવું હોય છે અને એટલે તે નોકરી કરતી હોય છે. રણજીત નિર્મલાની લાગણી જીતવા માટે તેને કહે છે કે તેનું લગ્નજીવન બરબાદ થઇ ગયું છે કારણકે તેની પત્ની સતત બીમાર રહે છે.
રણજીત પોતાના જુઠ્ઠાણા દ્વારા નિર્મલાની લાગણી તો જીતી જાય છે પરંતુ તેનો પ્રેમ નહીં. થોડા સમય બાદ રણજીત અને નિર્મલા પછી તો એકસાથે બહાર પણ ફરવા લાગે છે. એક દિવસ શારદાને મીટીંગનું બહાનું આપીને રણજીત નિર્મલાને ડિનર પર લઇ જાય છે. ઘેર પરત આવ્યા બાદ શારદાને રણજીતના રૂમાલમાં લિપસ્ટિકનું નિશાન દેખાય છે. શારદા રણજીતને સવાલ કરે છે તો રણજીત જવાબ આપે છે કે એની સેક્રેટરી પાસે રૂમાલ ન હતો એટલે તેણે એ રૂમાલ તેને આપ્યો હતો.
પણ શારદાને રણજીતના આ જવાબથી સંતોષ નથી થતો અને એ પોતે આ અંગે તપાસ હાથ ધરે છે…
રિવ્યુ
બી આર ચોપરા તેમના સમયમાં સામાજીક પરિસ્થિતિઓ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. પતિ પત્ની ઔર વોહ એ કોઈ મોટી સામાજીક સમસ્યા પર આધારિત ન હતી કારણકે આજે પણ દેશના દરેક પતિ અને પત્નીના જીવનમાં વોહ આવતો કે આવતી નથી, પરંતુ તેમ છતાં તે એક સમસ્યા તો છે જ. બી આર ચોપરાએ આ સમસ્યા વિષે ભાષણ આપતી ફિલ્મ ન બનાવતા એક હલકી ફૂલકી ફિલ્મ બનાવી અને તે સમય જતાં cult classic બની ગઈ.
ફિલ્મ ભલે પતિ પત્નીના લગ્નજીવનમાં જ્યારે ત્રીજી વ્યક્તિ એટલેકે અહીં બીજી સ્ત્રીની વાત ભલે કરતી હોય પરંતુ તેમ છતાં અહીં પતિ દ્વારા ‘બહારના ઓર્ડરો પર પૂરતું ધ્યાન આપવા’ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. લગ્ન થયાના અમુક વર્ષ બાદ જો લગ્નજીવન નીરસ ન થાય પરંતુ પહેલા જેવી ‘કિક’ ન મળતી હોય તો ઘણા પતિદેવો બહાર એ કિક શોધવા લાગતા હોય છે.
આ પ્રકારના પતિઓને એક તરફ પરિવાર પણ નથી ગુમાવવું હોતું અને બીજી તરફ પેલો આનંદ પણ લેવો છે એટલે પછી ખુલ્લેઆમ પ્રેમનો કે લગ્નેતર સંબંધનો એકરાર ન કરતા આવા પતિદેવો લાગણીઓની જાળમાં બીજી નિર્દોષ છોકરીઓને કે સ્ત્રીઓને ફસાવતા હોય છે અને સેફ રમવાની કોશિશો કરતા હોય છે.
પતિ પત્ની ઔર વોહ મુખ્યત્વે ત્રણ પાત્રોની આસપાસ ફરે છે જેમાં એક છે રંજીતા. રંજીતાનો પણ એક સમયે ‘જમાનો’ હતો અને મિથુન ચક્રવર્તી સાથે તેણે જોડી જમાવી હતી. રંજીતા ગ્લેમરસ તો ન હતી પરંતુ આકર્ષક જરૂર હતી અને આ ફિલ્મમાં એવા જ પાત્રની જરૂર હોવાથી તે બરોબર ફિટ બેસી ગઈ હતી. આવું જ આપણે વિદ્યા સિન્હા માટે પણ કહી શકીએ. વિદ્યા સિન્હાએ પણ અહીં ભારતીય નારીની આદર્શ ભૂમિકા યોગ્ય રીતે ભજવી છે.
પરંતુ ફિલ્મના કેન્દ્રમાં છે સંજીવ કુમાર. એટલીસ્ટ મેં મારા જીવનકાળમાં સંજીવ કુમાર જેવો અદાકાર આજ સુધી નથી જોયો. હું ઘણીવાર સંજીવ કુમારને પારા સાથે સરખાવતો હોઉં છું. કોઇપણ ભૂમિકા આપો સંજીવ કુમાર પારાની જેમ એ ભૂમિકાના બીબાંમાં ઢળી જતા હતા. અહીં શરૂઆતમાં એક પ્રેમી અને બાદમાં પતિ અને એ પણ લફડેબાજ પતિની ભૂમિકા સંજીવ કુમારે બખૂબી નિભાવી છે.
સંજીવ કુમાર કોઈ હળવી ફિલ્મમાં હોય એટલે તેઓ પોતાની આગવી સ્ટાઈલ પણ સાથે લઇ આવતા હોય છે. રંજીતાને ફસાવવાના પ્રથમ કારસા તરીકે ટેબલ પર એક પછી એક દવાની શીશીઓ મુકવી કે પછી ઘરે વિદ્યા સિન્હા કોટનું વચ્ચેનું બટન બંધ કરે એટલે ઘરની શેરી પસાર કરતાજ તેને ખોલી નાખવું, કે પત્નીને ડરાવવા માટે “બીવી….વરનાઆઆઆ…” વાળો સંવાદ વારંવાર જુદીજુદી રીતે બોલવો કે પછી બાથરૂમમાં કામસૂત્ર વાંચવું આ બધી આગવી સ્ટાઈલ સંજીવ કુમારને ગમાડવા માટે પૂરતી છે.
ગંભીર વિષય હોવા છતાં કોઇપણ પ્રકારનું ભારેખમ લેક્ચર આપ્યા વગર સંદેશ આપવાનું કામ બી આર ચોપરાએ સુંદર રીતે અદા કર્યું છે જેમાં સંજીવ કુમારનો ખૂબ મોટો હિસ્સો છે. કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની પતિ પત્ની ઔર વોહ જોયા પછી સમય મળે કે તરતજ આ પતિ પત્ની ઔર વોહ પણ જોઈજ નાખજો, મજા પડશે!
eછાપું