રસપ્રદ કથાઓઃ આજે ‘ઓલા’ ભાઈની વાત કરીએ?

0
352
Photo Courtesy: punjabkesari.in

1985માં લુધિયાણા (પંજાબ)માં ડોક્ટર દંપતિની ત્યાં જન્મેલો ભાવિશ અગ્રવાલ. નાનપણથી જ ભણેશ્રી. સ્કૂલ-કોલેજમાં હંમેશા અવ્વલ ક્રમાંકે પાસ થતો. સંશોધન (રીસર્ચ) કરવામાં તેની રુચિ. આગળ ભણવા આઈ.આઈ.ટી. (IIT) બોમ્બેમાં પ્રવેશ લીધો અને ૨૦૦૮માં કોમ્પ્યુટર સાયન્સની ડીગ્રી મેળવી. આઈ.ટી. ક્ષેત્રમાં દિગ્ગજ ગણાતી ‘માઈક્રોસોફ્ટ’ નામની કંપનીમાં એક રીસર્ચ ટ્રેની (ઈન્ટર્ન) તરીકે કામ કરવાનો મોકો મળ્યો. તેની ક્ષમતા જોઈને ત્યાં જ ‘અસિસ્ટન્ટ રીસર્ચર’નો જોબ મળ્યો.

માઈક્રોસોફ્ટમાં રીસર્ચ કરતાં કરતાં ફક્ત બે જ વર્ષમાં ભાવિશે બે પેટેન્ટ મેળવ્યા અને ત્રણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ એવા IEEE પેપર લખ્યા. ભાવિશના કામથી ખુશ તેના મેનેજરે તેને ‘ગ્લોબલ બિઝનેસ એક્ઝિક્યુટીવ’ બનવાની ઑફર કરી. પણ ભાવિશે નકારી!

આવી મોટી અને ઉત્કૃષ્ટ કંપનીમાં વૈશ્વિક જવાબદારી વાળી કામગીરી મળે અને કોઈ નકારી શકે? હા, ભાવિશે નકારી અને ડંકે કી ચોટ પે નકારી. કારણ કે ભાવિશને ઉદ્યોગસાહસિક બનવું હતું. તેને પોતાનું કંઈક કરવું હતું.

માઈક્રોસોફ્ટની નોકરી છોડીને ભાવિશે એક ટ્રાવેલ એજેન્ટ બનવાની શરૂઆત કરી. ટૂંકા ગાળાના પ્રવાસો અને ઓનલાઈન હોલીડે પેકેજ વેચવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક વાર તે  બેંગ્લોરથી બંદીપુર જવા માટે ટેક્સીમાં નીકળ્યો અને તેને એક ખરાબ અનુભવ થયો. કારનો ડ્રાઈવર સારો માણસ નહોતો, તેણે બંદીપુર જતાં રસ્તામાં જ કાર રોકી અને ભાવિશ સાથે ભાવની રકઝક કરવા લાગ્યો. જ્યારે ભાવિશે ના પાડી ત્યારે તેને રસ્તામાં જ કારમાંથી બહાર ઊતારી દીધો.

ભાવિશને તે સમયે તો બહુ ગુસ્સો આવ્યો. આવા કેટલા બીજા કાર ડ્રાઈવરો હશે જે લોકોની સાથે રસ્તામાં માથાકૂટ કરતા હશે? કેટલાક મજબૂરીને કારણે ડ્રાઈવરની વાત ક-મને માની પણ લેતાં હશે.  થોડું ઘણું રીસર્ચ કર્યા પછી ભાવિનને ખબર પડી કે આ તો એક મોટી વાસ્તવિક સમસ્યા છે. ભાવિશે આ સમસ્યાને મોટે પાયે સુધારવાનો પ્રણ લીધો.

‘મેક માય ટ્રીપ’ જે ફ્લાઈટ/ટ્રેન/બસ માટે કરે છે એ જ ભાવિશને કાર માટે કરવું હતું. કોઈ કાર ખરીદવી નહીં પણ કારનું એકત્રીકરણ કરીને એવો બુકે બનાવવો કે દરેક આમ-આદમીને લાભ થાય. ફાઈનલી, ઓગસ્ટ 2010માં ‘ઓલા’ કેબ્સની સ્થાપના કરી. ભાવિશ જેવી જ વિચારસરણી ધરાવતા તેના મિત્ર અંકિત ભાટીને આ આઈડીયા ગમી ગયો અને ભાવિશ સાથે તેની નવી કંપનીમાં નવેમ્બર 2010માં ભાગીદાર બન્યા. અંકિત ભાટી પણ ડીગ્રીધારક હતા – આઈ.આઈ.ટી.માંથી એમ.ટેક. (M.Tech) અને ઓટોમેશનમાં તેમની ડીગ્રી હતી.

શરૂઆતમાં olatrips.comની શરૂઆત કરી જે બહારગામના પ્રવાસ માટે કામ આવતી.

બંનેએ મુંબઈના પવઈમાં એક 1BHK નો ફ્લેટ રાખ્યો અને શરૂઆત કરી. આ ફ્લેટમાં દિવસે ડ્રાઈવરોની ટ્રેનિંગ થતી અને રાત્રે બંને ભાગીદારો ત્યાં જ સૂઈ જતાં. લગભગ ચારેક મહિનામાં તેઓને નિષ્ફળતા મળી અને ખબર પડી કે સાચી જરૂર તો શહેરોની અંદર છે. અસલી કારચાલકોની જરૂર બહારગામના પ્રવાસ માટે નહીં, શહેરની અંદરના પ્રવાસ માટે છે.

પછી બંને એ શહેરની અંદર વાપરી શકાય એવી કારસેવા શરૂ કરી. મુંબઈના વિક્રોલીના ‘ડ્રીમ્સ મૉલ’માં 100-ફૂટની જગ્યામાં પોતાનો વ્યવસાય વિકસાવ્યો. આ માટે બંને ભાગીદારોએ કાર ઉપ્તાદકો, નાણાકીય સંસ્થા અને વીમા કંપનીઓનો સંપર્ક કર્યો જેથી કારચાલકોને સરળ શરતો અને ઓછા વ્યાજે લોન મળે. પોતાના નેટવર્ક દ્વારા જે કારચાલકોનો ટ્રેક રેકોર્ડ સારો હોય એમને જ જોડ્યા. ઓલાના વ્યાપ માટે બંનેએ ખાનગી રોકાણકારોની મદદ લીધી. ભાવિશે મોટા ખાનગી રોકાણકારો પાસેથી 1281 કરોડ રુપિયા ભેગા કર્યા અને અંકિતે કારચાલકોના નેટવર્કને ફોન અને ઈન્ટરનેટ સાથે જોડવાનું કામ કર્યું.

ઓલા કેબ્સ ANI Technologies Pvt Ltd ની છત્રછાયામાં કામ કરતી અને Hello શબ્દનો સ્પેનિશ અર્થ Hola થાય – જેના પરથી Ola નામ આપવામાં આવ્યું. મતલબ કે કોઈને એક નાનું ‘હેલો’ કહેવા જેટલું જ સહેલું છે Ola કાર બુકીંગ કરવાનું.

ઓલા કેબ્સ દરેક માટે લાભદાયક નીવડ્યું – કારના માલિકોને અને કારચાલકોને ગ્રાહક મળે, ગ્રાહકોને આરામદાયક વાહનવ્યવહાર અને ઓલા મેનેજમેન્ટને કમિશન! થોડાં જ વર્ષોમાં ઓલા ભારત દેશની સૌથી મોટી અને ઝડપથી વિકસતી કેબ અને ઓટો બુકીંગ કંપની બની ગઈ.

ઓલા દરરોજ બે લાખ લોકોને આવક અનુસાર અંગત વાહનની સુવિધા પૂરી પાડે છે. દાખલા તરીકે, ઓલા પ્રાઈમ, ઓલા સેડાન, ઓલા મિની અને માઈક્રો, મહિલાઓ માટે ઓલા પિંક અને સૌથી સસ્તી ઓલા ઓટોરીક્ષા.

સંદર્ભઃ

https://www.yosuccess.com/success-stories/bhavish-aggarwal-olacabs/

https://economictimes.indiatimes.com/news/company/corporate-trends/from-ludhiana-to-uk-via-australia-how-bhavish-aggarwals-drove-to-amazing-success/articleshow/65411768.cms

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here