સફળતા: દૂરદર્શનની યાદગાર સિરીયલો હવે એક જ જગ્યાએ જોવા મળશે

0
254
Photo Courtesy: twitter.com/RetroDD

છેલ્લા 14 દિવસથી દિવસમાં બે વખત રામાયણ અને મહાભારત સિરીયલોનું પુનઃપ્રસારણ દૂરદર્શન પર થઇ રહ્યું છે અને તેને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં લઈને પ્રસાર ભારતીએ એક મોટો નિર્ણય લીધો છે.

Photo Courtesy: twitter.com/RetroDD

નવી દિલ્હી: કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉનની જાહેરાત થવાની સાથે સોશિયલ મિડિયામાં કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ ખાતાને (પ્રસાર ભારતી) યુઝર્સ દ્વારા મોટી સંખ્યામાં રામાયણ અને મહાભારત જેવી અતિશય લોકપ્રિય સિરીયલોને ફરીથી શરુ કરવાની વિનંતી કરવામાં આવી હતી.

સરકારે પણ આ વિનંતીનું હકારાત્મક સંજ્ઞાન લેતા વિનંતી કર્યાના બે જ દિવસની અંદર આ બંને લોકપ્રિય સિરીયલોનું પુનઃપ્રસારણ અનુક્રમે DD National અને DD Bharati પર શરુ કર્યું હતું. દરરોજ આ બંને સિરીયલોના બે-બે એપિસોડ્સ દર્શાવવામાં આવી રહ્યા છે.

આ બંને સિરીયલોના પુનઃપ્રસારણને મળેલા જબરદસ્ત પ્રતિસાદને ધ્યાનમાં લઈને બાદમાં દૂરદર્શને સર્કસ, બ્યોમકેશ બક્ષી, બુનિયાદ, અલીફ લૈલા, ઉપનિષદ ગંગા અને ચાણક્ય જેવી નીવડેલી સિરીયલોને પણ ફરીથી પ્રસ્તુત કરી હતી. પરંતુ હવે આ તમામથી પણ એક ડગલું આગળ ચાલતા દૂરદર્શને પોતાની જૂની અને યાદગાર સિરીયલો માટે એક અલાયદી ચેનલ જ શરુ કરી દીધી છે.

આ નવી ચેનલને DD Retro નામ આપવામાં આવ્યું છે જ્યાં હવે ગણતરીની નહીં પરંતુ દૂરદર્શનની તમામ સિરીયલોને ફરીથી શરુ કરવામાં આવી છે. છેલ્લા 14 દિવસથી ચાલી રહેલી રામાયણ અને મહાભારત સિરીયલોએ દૂરદર્શનને અભૂતપૂર્વ TRP આપ્યા છે.

એક આંકડા અનુસાર રામાયણને દૂરદર્શનને સામાન્ય સંજોગોમાં મળતા દર્શકો કરતા 60 ગણા વધુ દર્શકો મળ્યા છે જ્યારે મહાભારત 208 ગણા વધુ દર્શકો મેળવવામાં સફળ રહ્યું છે. આ જ અભૂતપૂર્વ પ્રતિસાદને કારણેજ દૂરદર્શન અને પ્રસાર ભારતીને પોતાની જૂની સિરીયલો માટે અલગથી મંચ ફાળવવાની ફરજ પડી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here