અલકમલકની વાતોઃ શ્રીલંકાના પ્રોફેસરે ઢોંગી બાબાઓને આપેલી ચેલેન્જ!

0
166
Photo Courtesy: goodreads.com

આમિર ખાન અભિનીત 2014માં આવેલી ફિલ્મ ‘પીકે’ લગભગ બધાં જ ભારતીયોએ જોઈ હશે. ‘પીકે’ ફિલ્મમાં બીજા ગ્રહથી આવેલો આમિર ખાન પૃથ્વી પર ભગવાન, ઈશ્વર, અલ્લાહ, ઈસુને નામે ચાલતાં ગોરખધંધાઓ પરથી લોકોનો અંધવિશ્વાસ હટાવવાની કોશિશ કરે છે. આ ફિલ્મનો એક ફેમસ ડાયલોગ હતો – રોંગ નંબર હૈ યે! એટલે કે કોઈ ખોટી વસ્તુ દર્શાવી ‘ઠાકોરજી’ બની બેઠેલા ઢોંગી બાબાઓ કઈ રીતે લોકોને ધૂતવાના કામ કરે છે. ‘પીકે’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એવા સમાચાર હતા કે ‘પીકે’નું પાત્ર શ્રીલંકાના એક પ્રોફેસરના જીવન પરથી ઘડવામાં આવ્યું છે. એ પ્રોફેસરનું નામ છે – અબ્રાહમ કોવૂર (Abraham Thomas Kovoor).

Photo Courtesy: goodreads.com

અબ્રાહમ કોવૂરનો જન્મ 10 એપ્રિલ 1898ના રોજ ભારતના કેરળમાં તિરુવાલા ખાતે એક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. અબ્રાહમના પિતા ત્યાંના માલાબાર ચર્ચના મોભી હતા. તે એક ભારતીય પ્રોફેસર અને રેશનાલિસ્ટ હતા. કલકત્તાની બંગાબાસી કોલેજમાં શિક્ષણ લઈને અબ્રાહમે કેરળના સી.એમ.એસ. કોલેજ ખાતે વનસ્પતિશાસ્ત્રમાં લેક્ચરર તરીકે થોડો સમય કામ કર્યુ. એક ન્યાયાધીશની પુત્રી કુંજમ્મા સાથે લગ્ન કર્યા બાદ ફેબ્રુઆરી 1928 માં તેઓ શ્રીલંકાના સિલોન પહોંચ્યા. ત્યારબાદ તેમણે શ્રીલંકામાં જ પોતાનું આખું જીવન વીતાવ્યું. કોલંબોની થર્સ્ટન કોલેજમાં તેમણે હિપ્નોથેરપી અને સાયકોલોજીની પ્રેક્ટિસ પણ કરી હતી.

પોતાના કામની નિવૃત્તિ પછી તેમણે ભારત અને શ્રીલંકાના વિવિધ ઢોંગી બાબાઓ, કહેવાતા “ગોડ-મેન” અને અસામાન્ય અવૈજ્ઞાનિક ગણાતી ઘટનાઓને છેતરપિંડી તરીકે જાહેર કરવા માટે ઝુંબેશ શરૂ કરી હતી. આધ્યાત્મિક છેતરપિંડી અને સંગઠિત ધર્મોની તેમની સીધી, નિંદાત્મક ટીકાઓને જાહેર જનતા દ્વારા ઘણો ઉત્સાહ અને પ્રોત્સાહન પ્રાપ્ત થયેલા. ખાસ કરીને શ્રીલંકા અને ભારતમાં તર્કસંગતી ચળવળમાં નવી દિશા અને ગતિશીલતાની શરૂઆત તેમણે કરેલી.

કોવૂરે પોતાના જીવન દરમિયાન ઘણાં બાબાઓ, સાધુઓ, ભગવાન-પુરુષો, જ્યોતિષીઓ અને માનસિક શક્તિ હોવાનો દાવો કરનારા લોકો સાથે અસંખ્ય વાર્તાલાપ, ચર્ચાવિચારણા અને સામના કર્યા પછી એવું તારણ કાઢ્યું કે તે લોકોના દાવા જૂઠ્ઠા છે. તેમનું ઉદ્દેશ્ય સત્ય નથી. કોવૂરે લખ્યું, “કોઈની પાસે અલૌકિક શક્તિ નહોતી અને આજે પણ નથી. આવી શક્તિ ફક્ત સનસનાટીભર્યા અખબારોનાં પાનામાં જ છે. તેનું કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી.” માનસિક શક્તિનો દાવો કરનારા લોકો સાથેના તેમના આવા એન્કાઉન્ટર વિશે તેમણે કેટલાક પુસ્તકો લખ્યા છે. બીગોન ગોડમેન (Begone Godmen) અને ગોડ્સ, ડેમન્સ અને સ્પિરિટ્સ (Gods, Demons and Spirits) આ બે પુસ્તકો હજી પણ ભારત અને શ્રીલંકામાં બેસ્ટસેલર છે.

***

સન 1963 માં, કોવૂરે એક લાખ શ્રીલંકન રૂપિયાના ઈનામ સાથે એક પડકાર ફેંક્યો. આ ચેલેન્જમાં કોવૂરે જાહેર કર્યું કે જે કોઈ માણસ કોઈ પણ ફ્રોડ કે કપટ વગર, કોઈ પણ પ્રકારની ચિટીંગ કર્યા વગર, પોતાની અલૌકિક અથવા ચમત્કારિક શક્તિઓનું નિદર્શન કરાવી આપે તેને ઈનામ આપવામાં આવશે. આ ચેલેન્જમાં કોવૂરે 23 ‘પરાક્રમો’ની સૂચિ આપી જે કોઈપણ બાબા, સાધુ, ગોડમેન અજમાવી શકે. કોવૂરે ચેલેન્જ જાહેર કરતા કહ્યું:

“હું, પામનકડા લેન, કોલંબો-6નો રહેવાસી અબ્રાહમ ટી. કોવૂર અહીં જાહેર કરું છું કે વિશ્વના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ કે જે ફૂલ-પ્રૂફ અને કપટ વગર મેં કહેલી શરતો હેઠળ અલૌકિક અથવા ચમત્કારિક શક્તિઓનું પ્રદર્શન કરશે તેને 1,00,000 શ્રીલંકન રુપિયાનો એવોર્ડ આપવા તૈયાર છું. આ ઑફર મારા મૃત્યુ સુધી અથવા મને પ્રથમ વિજેતા નહીં મળે ત્યાં સુધી જ ચાલુ રહેશે. ગોડમેન, સંતો, યોગીઓ અને સિદ્ધો જેઓ દાવો કરે છે કે તેઓ આધ્યાત્મિક કસરત અને દૈવી વરદાન દ્વારા ચમત્કારિક શક્તિ પ્રાપ્ત કરે છે, જો તેઓ નીચેના કોઈપણ “ચમત્કારો” કરી શકે તો આ એવોર્ડ મેળવવા પાત્ર બની શકશે. મારા 23 દાવાઓ આ પ્રમાણે છેઃ

1) સીલ કરેલી ચલણી નોટનો સિરીયલ નંબર વાંચવો.

2) એ જ ચલણી નોટની સેમ-ટુ-સેમ પ્રતિકૃતિ બનાવવી.

3) પગમાં કંઈ પણ પહેર્યા વગર અડધી મિનિટ સુધી એક બળતા કોલસા પર સ્થિર ઊભા રહેવું.

4) કોઈ પણ પદાર્થ વાપર્યા વગર (હવામાંથી) હું જે વસ્તુ કહું તે બનાવી આપવી.

5) સાયકોકાઈટિક (માનસિક) પાવરનો ઉપયોગ કરીને કોઈ નક્કર વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું અથવા મરોડવું કે વાળવું.

6) ટેલિપેથિક શક્તિઓનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિના વિચારો જાણવા.

7) ઝાડ પરથી પડેલા પાંદડાને કોઈ પણ પ્રાર્થના, આધ્યાત્મિક શક્તિઓ, પવિત્ર પાણી, પવિત્ર રાખ, આશીર્વાદ વગેરે દ્વારા એક ઇંચ વધારી બતાવવું.

8) યોગી શક્તિ દ્વારા હવામાં અધ્ધર લટકી બતાવવું.

9) યોગી શક્તિ દ્વારા પાંચ મિનિટ માટે હૃદયના ધબકારા રોકી બતાવવા.

10) યોગી શક્તિ દ્વારા ત્રીસ મિનિટ માટે શ્વાસ રોકી રાખવો.

11) પાણી પર ચાલી બતાવવું.

12) શરીરને એક જગ્યાએ છોડી દઈને બીજી જગ્યાએ ફરીથી દેખાવું.

13) ભવિષ્યની ઘટનાની આગાહી કરવી.

14) યોગિક ધ્યાન દ્વારા સર્જનાત્મક બુદ્ધિનો વિકાસ કરવો.

15) પુનર્જન્મના પરિણામે અથવા કોઈ પવિત્ર કે દુષ્ટ ભાવના દ્વારા કોઈ પણ અજાણી ભાષા બોલી અને સમજી બતાડવી.

16) એવી કોઈ ભાવના કે ભૂત ઉત્પન્ન કરવું જેનો ફોટોગ્રાફ લઈ શકાય.

17) જ્યારે ફોટો પાડવામાં આવે ત્યારે તેની નેગેટીવમાંથી અદૃશ્ય થઈ બતાવવું.

18) આધ્યાત્મિક શક્તિ દ્વારા એક બંધ ઓરડામાંથી બહાર નીકળવું.

19) દૈવી શક્તિ દ્વારા કોઈ પણ પદાર્થનું વજન વધારી બતાવવું.

20) કોઈ છુપાયેલ વસ્તુ શોધી બતાવવી.

21) પાણીને પેટ્રોલ અથવા વાઈનમાં રૂપાંતરિત કરી બતાવવું.

22) વાઈનને લોહીમાં ફેરવી બતાવવું.

23) જ્યોતિષવિદ્યા અને હસ્તરેખાશાસ્ત્રીઓ માટે ખાસઃ કોઈ પણ અજાણ્યા દસ પુરુષ કે સ્ત્રીઓના હાથની રેખાઓ જોઈને કે જ્યોતિષીય ચાર્ટના સમૂહથી, જે તે વ્યક્તિના જન્મનો ચોક્કસ સમય, અને અક્ષાંશ અને રેખાંશ સાથે જન્મ સ્થાનો આપવા. (આ આંકડાઓમાં પાંચ ટકાની છૂટ – પાંચ ટકા આમતેમ થાય તો ચલાવી લેવાશે).

આ પડકાર માટે હું નિમ્નલિખિત લોકોને આમંત્રિત કરું છું: સત્ય સાંઈબાબા, પંડ્રીમાલીઈ સ્વામીગલ, નીલકંતા તાથાજી, નિર્મલા દેવી શ્રીવાસ્તવ, પૂજ્ય દાદાજી, દત્તાબાલ, ત્રિપ્રયાર યોગિની, ગિરિદેવ આનંદમૂર્તિ, કામુભાઇ, ચિન્મયાનંદ, આચાર્ય રજનીશ, મુક્તાનંદ, સ્વામી રામ, સ્વામી હરિદાસ, શિવબાલયોગી, ભગવાન જ્ઞાનાનંદ, ગુરૂમહારાજજી, મહર્ષિ મહેશ યોગી, હજરત અલી, ડો. વડલાઇમુડી, સી.એસ. તીર્થંગર, આર.પી.તિવારી, ઉરી ગેલર, નેલ્યા મિચાઇલોવા, જીન ડિક્સન, સિબિલ લિક અને જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્રના અસંખ્ય “અધ્યાપકો”, અને અન્ય અસંખ્ય ગુરુઓ, સ્વામીજી, મહંતો, આચાર્યો!”

***

ડૉ.કોવૂરનું 18 સપ્ટેમ્બર 1978ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ સુધી કોઈ પણ બાબા, સ્વામી, મહંત આ એવોર્ડની રકમનો દાવો કરી શક્યા નહીં. ડૉ.કોવૂરના અવસાન પછી, બસવ પ્રેમાનંદ નામના તેમના શિષ્યે આ ચેલેન્જ શરૂ રાખી. પ્રેમાનંદના અવસાન બાદ, પ્રોફેસર કાર્લો ફોન્સેકાના નેતૃત્વમાં શ્રીલંકાના રેશનલિસ્ટ એસોસિએશને 2012 માં આ ચેલેન્જનું નવીનીકરણ કર્યું અને ઈનામ વધારીને 10 લાખ શ્રીલંકન રુપિયા કર્યું, પણ હજી સુધી કોઈ આ ચેલેન્જને પૂર્ણ કરી શક્યું નથી.

સંદર્ભઃ

http://hansadutta.com/krsnaworld/2011/07/04/the-challenge/

http://arumugam.tripod.com/kovoor.htm

https://www.thoughtnaction.co.in/abraham-kovoor/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here