ફિલ્મો ઉપરાંત હવે ભારતમાં વિવિધ વેબ સિરીઝનો પણ ‘જમાનો’ આવી ગયો છે. જે રીતે વિવિધ પ્લેટફોર્મ્સ પર અંગ્રેજી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વેબ સિરીઝ બની રહી છે અને રિલીઝ થઇ રહી છે તેને જોઇને એવું લાગે છે કે આ ‘જમાનો’ ઘણો લાંબો ચાલવાનો છે. વેબ સિરીઝની એક નવી કડી આવી છે એમેઝોન પ્રાઈમ પર જેનું નામ છે ‘પંચાયત’.

વેબ સિરીઝ રિવ્યુ – પંચાયત
મુખ્ય કલાકારો: જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, ચંદન રોય, ફૈસલ મલિક, બિસ્વપતિ સરકાર અને નીના ગુપ્તા
નિર્દેશક: દિપક કુમાર મિશ્રા
એપિસોડ સંખ્યા: 8 (પહેલી સિઝન)
કથાસાર
ઉત્તર પ્રદેશના બલિયા જીલ્લાના ફકૌલી તાલુકાના ફૂલેરા ગામની પંચાયતના સચિવ તરીકે અભિષેક ત્રિપાઠીની (જીતેન્દ્ર કુમાર) નિમણુંક થઇ છે. આમતો અભિષેકને કોર્પોરેટ જોબ કરીને સેટલ થવું હતું પરંતુ ભણવામાં ખાસ મહેનત ન કરતા છેવટે વીસ હજાર પ્રતિ મહિનાની આ સરકારી નોકરી કમને સ્વીકારવી પડી છે.
ફૂલેરા ગામ આમતો ભારતના અન્ય ગામો જેવું જ છે, પરંતુ અહીં થોડોઘણો વિકાસ જરૂર પહોંચ્યો છે. સરકારે થોડા વર્ષો અગાઉ આ ગામનું પ્રધાનપદ મહિલા માટે આરક્ષિત કરી દીધું છે આથી અહીના પ્રધાન આમતો મંજુ દેવી દુબે (નીના ગુપ્તા) છે, પરંતુ એમ કોઈ પુરુષ સરકારી આદેશને કારણે ગામના સર્વસત્તાધીશ તરીકેનું સન્માન કેવી રીતે જવા દે? આથી મંજુ દેવીના પતિ એટલેકે બ્રીજ ભૂષણ દુબે (રઘુબીર યાદવ) સરકારની આંખમાં ધૂળ નાખીને ‘પ્રધાન પતિ’ તરીકે ગામનો કારભાર સંભાળે છે.
આ પંચાયતમાં એક ઉપપ્રધાન અને પ્રધાનજીનો ડાબો-જમણો પ્રહલાદ પાંડે (ફૈસલ મલિક) પણ છે અને અભિષેકને રોજબરોજના કામમાં મદદ કરવા માટે સરકારે એક મદદનીશ વિકાસ (ચંદન રોય) પણ આપ્યો છે. ફૂલેરા ગામ વિષે અભિષેક માટે First impression is the last impression જેવો ઘાટ ઘડાયો છે કારણકે અભિષેકના આ ગામમાં આવવાની સાથેજ તેની સાથે એક પછી એક દુર્ઘટનાઓ ઘટવા લાગે છે.
આ દુર્ઘટનાઓ એટલી હદે અભિષેકને ઘેરી વળે છે કે એક સમયે તે આ ગામને નફરત કરવા લાગે છે. પરંતુ અભિષેક પાસે જ્યાં સુધી તે CATની પરીક્ષા પાસ કરીને MBAમાં એડમીશન ન લઈલે ત્યાં સુધી આ જ ફૂલેરા, આ જ બ્રીજ ભૂષણ દુબે, આ જ પ્રહલાદ પાંડે, આ જ વિકાસ અને આ જ ગામના લોકો સાથે પનારો પાડવાનો છે…
રિવ્યુ
વિદેશી વેબ સિરીઝો હંમેશા એકથી વધુ સિઝનની તૈયારી સાથે જ પ્રદર્શિત થતી હોય છે. ભારતમાં પણ એવી ઘણી વેબ સિરીઝ છે જેની એક કરતાં વધુ સિઝન થઇ હોય અને સફળ પણ બની હોય, પરંતુ એવી વેબ સિરીઝની સંખ્યા પણ ઘણી છે જે એક સિઝન પૂરી થયા બાદ ક્યાંક દૂર દૂર ખોવાઈ ગઈ હોય. આ પાછળ કારણ એવું હોઈ શકે કે પહેલી જ સિઝનમાં દર્શકોને એટલું બધું આપી દેવામાં આવ્યું હોય કે પછીની સિઝનમાં શું કરવું એનો માલસામાન ખૂટી પડ્યો હોય.
પંચાયત જોતા તમને સતત એવું લાગશે કે આ સિરીઝના લેખક અને નિર્માતાઓ તેમજ નિર્દેશકની યોજના આ વેબ સિરીઝને નહીં નહીં તો ત્રણ થી ચાર સિઝન દેખાડવાની જરૂર છે. કદાચ આ જ કારણસર આપણને આ આઠ એપિસોડ્સ જોતા બે થી ત્રણ વખત એવું લાગે કે ક્યાંક કશુંક ખૂટે છે, અથવાતો હજી સારું થઇ શક્યું હોત. પરંતુ અડધા કલાકના આઠ એપિસોડ્સ ધરાવતી આ વેબ સિરીઝ ચોથા એપિસોડ પછી મન પર કબજો મેળવવાનું શરુ કરે છે અને તેની પહેલી સિઝનનો અંત, એટલેકે આઠમાં એપિસોડને જે રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને તેનો અંત લાવવામાં આવ્યો છે તેનાથી છેવટે આપણને ખ્યાલ આવી જાય છે કે બોસ્સ! આમનું પ્લાનિંગ ટેસ્ટ મેચ રમવાનું છે, Twenty20 રમવાનું નહીં.
માત્ર છઠ્ઠો એપિસોડ જેમાં ફોટો સ્ટુડિયો બહાર અભિષેકને બે લુખ્ખાઓ સાથે બાઈક પર બેસવાના મામલે જીભાજોડી થાય છે અને વાતનું વતેસર થાય છે એ એપિસોડ જરૂર બહેતર થઇ શક્યો હોત અથવાતો તેની જગ્યાએ કોઈ અન્ય મુદ્દે એપિસોડ બનાવવામાં આવ્યો હોત તો વધુ સારું રહે એવું લાગ્યું. બાકીના દરેક એપિસોડમાં ગામડાના લોકોનું ભોળપણ અને એમની સરળતા એકદમ સ્પષ્ટ દેખાય છે અને તમારું દિલ જીતી લે છે. સચિવ પાસે પૈડાવાળી ખુરશી હોય અને પોતાના પાસે ન હોય એવું દીવા જેવું સ્પષ્ટ અપમાન થયું હોવાનું પ્રધાનને લાગે ત્યારે એ ખુરશી પડાવી લેવા એ લગ્ન પ્રસંગની બબાલનો લાભ લઈને એક નાનકડું પણ ભોળું રાજકારણ રમી લે એ આ સિરીઝના બહેતરીન એપિસોડ્સમાંથી એક છે.
આ ઉપરાંત પ્રધાન સાથે નાનકડા ઝઘડા બાદ અભિષેકના તેમની સાથેના અબોલા, ઇન્સ્પેકટર સાથે ગુસ્સામાં આવી જઈને ગ્રામવાસીઓને તેમજ ફૂલેરા ગામને પણ અપમાનિત કર્યા બાદ અભિષેકના એકલા રહેવાથી આ પ્રકારની ઉભી થયેલી માનસિકતાને કારણે પ્રધાનનું મનોમંથન અને ત્યારબાદ તેનો ઉપાય જે રીતે એ ઉપપ્રધાન અને વિકાસને લઈને અભિષેક સમક્ષ લઈને આવે છે એ આખો એપિસોડ અત્યંત ઈમોશનલ છે.
એક વાત જે સતત ખટકે છે કે અભિષેકને છેક છેલ્લે સુધી નિરાશ, ગુસ્સૈલ અને નકારાત્મક જ દેખાડવામાં આવ્યો છે. એકાદ-બે એવી ઘટના છે જેમાં અભિષેક થોડુંક હસે છે કે પોઝીટીવ દેખાય છે. કદાચ અભિષેકને પોઝીટીવ દેખાડતા આનાથી વધુ પ્રસંગો થઇ શક્યા હોત, બટ અગેઇન પંચાયત કદાચ ત્રણ કરતા વધુ સિઝન ચાલવાની હોવાથી આ બધું આવનારી સિઝનમાં જોવા મળે એવી આશા રાખી શકાય.
સરળ, સદાય મદદરૂપ અને નવા નવા લગ્ન થયા હોવાને કારણે પત્નીપ્રેમ દર્શાવતા મદદનીશ વિકાસ તરીકે ચંદન રોયની અદાકારી વખાણવા લાયક છે. પરંતુ પ્રહલાદ પાંડે તરીકે ફૈસલ મલિક દિલ જીતી જાય છે. પંચાયતના ઉપપ્રધાન હોવા છતાં અતિશય ભોળો અને નાની નાની વાતે ખુશ થઇ જતા, કે દરેક પરિસ્થિતિમાં પોતાનું રાજકીય ભવિષ્ય દાવ પર લગાડીને પણ પ્રધાનજીને સમર્થન આપવાનો સ્વભાવ ધરાવતા વ્યક્તિને ઉપસાવવામાં ફૈસલ મલિક અત્યંત સફળ થયા છે.
નીના ગુપ્તાનો ઉપયોગ અહીં ઓછો થયો હોય અથવાતો મોડો મોડો થયો એવું લાગે પણ ફરીથી જ્યારે એવું યાદ આવે કે કદાચ આગલી સિઝનમાં, જે રીતે વાર્તા આ વખતે પૂરી થઇ છે તેને જોતા, નીના ગુપ્તા આખી વેબ સિરીઝના કેન્દ્રસ્થાને આવી જાય તો નવાઈ નહીં લાગે.
રઘુબીર યાદવ સુપર્બ! પ્રધાન તરીકે રાજકારણી હોય કે પછી ભલા ગ્રામવાસી તરીકે પોતાના ગામની સેવા કરવા આવેલા સચિવના ગુસ્સાને પારખવાનો અનુભવ દેખાડવાની વાત હોય, કે પ્રેક્ટીકલ અને થોડી જીદ્દી પત્ની પાસેથી ધાર્યું કામ કેવી રીતે કઢાવવું તેની કુશળતા દેખાડવાની હોય કે પછી પુત્રીના લગ્ન માટે ચિંતા કરતો પિતા હોય, આવી અનેકવિધ ભૂમિકાઓ રઘુબીર યાદવે આ સિઝનમાં અત્યંત સરળતાથી નિભાવી છે અને અદાકારીના મામલે તમામ કલાકારોમાં તેઓ જ સહુથી વધારે ઇમ્પ્રેસિવ દેખાય છે.
શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં પહેલીવાર જોયા બાદ વેબ સિરીઝના સુપરસ્ટાર જીતેન્દ્ર કુમારની અદાકારી જોવાનો આ ફક્ત બીજો જ વ્યક્તિગત અનુભવ હતો. જે મને શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં લાગ્યું એ જ અહીં પણ લાગ્યું કે જીતેન્દ્ર કુમાર પાસે યા તો અભિનયની તેની ક્ષમતાની પૂરેપૂરી પરીક્ષા કરવામાં નથી આવી યા તો એ એક લીમીટેડ એક્સપ્રેશન્સ ધરાવતો કલાકાર છે. કદાચ તેની અન્ય વેબ સિરીઝ જોયા પછી આ વ્યક્તિગત મત તેના વિષે બદલાય તો નવાઈ નહીં. અહીં પણ તેણે કાયમ ગુસ્સો કરતું અને ચડેલું મોઢુંજ દેખાડ્યું છે. કદાચ સ્ક્રિપ્ટની માંગ છે પરંતુ તેમ છતાં અન્ય એક્સપ્રેશન્સ દેખાડી શકવાની તેની પાસે ઘણી તક હતી એવું પણ સતત લાગ્યું.
જે રીતે સોશિયલ મિડિયા અને મેઈન સ્ટ્રીમ મિડિયામાં પંચાયતના ખોબલે ખોબલે વખાણ થયા છે તેવી ઓળઘોળ થઇ જવાય તેવી વેબ સિરીઝ તો ન લાગી, પરંતુ જો આ સિરીઝ આપણે ચર્ચા કરી તેમ બીજી સિઝન અને તેનાથી પણ આગળ વધશે તો ખરેખર ચૂકાય નહીં તેવી અને અતિશય માણવાલાયક પણ બનશે એવું આ પુત્રના લક્ષણ પારણામાં જોઇને જરૂર લાગે છે. આશા કરીએ કે આ સિઝનની વિરુદ્ધ આગામી સિઝન્સમાં આપણને પંચાયતમાં વધુને વધુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળશે.
૧૭ એપ્રિલ ૨૦૨૦, શુક્રવાર
અમદાવાદ
eછાપું