હવામાન ખાતાંએ POK માટે આગાહી શરુ કરી; આપણે ખુશ થવાનું છે?

0
156
Photo Courtesy: opindia.com

ગઈકાલથી ભારતના હવામાન ખાતાંએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માટે પણ હવામાનની આગાહી આપવાની શરુ કરી દીધી છે, પરંતુ શું આ પગલાંથી આપણે બધાએ ખુશ થઇ જવાનું છે ખરું?

Photo Courtesy: opindia.com

ભારતનું હવામાન ખાતું (IMD) ગઈકાલે અચાનક જ સમાચારમાં ચમકવા લાગ્યું. ચોમાસાની આગાહી તો તેણે ગયા મહીને જ કરી દીધી હતી અને દેશભરમાં ગરમીના આંકડાઓ તો દરરોજ આવે જ છે, તો પછી હવામાન ખાતું અચાનક જ સમાચારોમાં કેમ ચમક્યું? કારણ એ હતું કે IMD એ ગઈકાલે કદાચ પહેલીવાર POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) માટે પણ હવામાનની આગાહી કરી છે. સ્વાભાવિક છે કે જ્યારે પણ ભારત સરકાર, પછી તે કોઈ પણ સરકાર હોય, પાકિસ્તાન માટે કોઈ આક્રમક રાજનૈતિક પગલું ભરે ત્યારે દેશપ્રેમી નાગરિકોને આનંદ થાય જ. પરંતુ હવામાન ખાતાંની આ પહેલથી ખરેખર આપણે આનંદમાં આવવા જેવું છે ખરું?

આપણે અખંડ જમ્મુ અને કાશ્મીરને ભારતનો અતૂટ હિસ્સો માનીએ છીએ, પરંતુ હકીકત એ છે કે કાશ્મીરનો મોટાભાગનો હિસ્સો જેમાં ગિલગીટ, બાલ્તીસ્તાન, મુઝફ્ફરનગર વગેરે પાકિસ્તાનના ગેરકાયદેસરના કબ્જા હેઠળ છે. ભલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં, જ્યારે કલમ 370 નાબૂદ નહોતી થઇ અને રાજ્યનું વિભાજન નહોતું થયું ત્યારે આ જ POKની 11 બેઠકોને ખાલી રાખવામાં આવતી હતી, પરંતુ એ માત્ર સાંકેતિક રાજનીતિ હતી. જેમ આગળ કહ્યું તેમ સત્ય એ છે કે POK ની હાજરી પણ છે જ. ગઈકાલનું પગલું પણ એ જ સાંકેતિક રાજનીતિને આગળ ધપાવે છે.

થોડા દિવસો પહેલાં પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે ગિલગીટ અને બાલ્તીસ્તાનમાં ચૂંટણીઓ યોજવા માટે પાકિસ્તાની સરકારને મંજૂરી આપી હતી. જો કે અત્યારસુધી અહીં થતી ચૂંટણીઓ કેવી હશે તેની કલ્પના આપણે બધાં સરળતાથી કરી જ શકીએ છીએ. પરંતુ આ વખતે ફરક એટલો આવ્યો કે ભારતીય વિદેશ મંત્રાલયે POK માં આ પ્રકારે ચૂંટણીઓ યોજવા માટે પાકિસ્તાની સરકારને ચેતવણી આપી અને ગિલગીટ અને બાલ્તીસ્તાન પોતાનો જ હિસ્સો છે એવો હુંકાર કર્યો હતો.

ત્યારબાદ બીજા રાજકીય પગલાં રૂપે ગઈકાલથી ભારતીય હવામાન ખાતાંએ આ વિસ્તારોના હવામાનની આગાહી આપવાની શરુ કરી. આ સમાચારથી સોશિયલ મિડિયામાં આનંદની લહેરખી દોડી ગઈ અને કેટલાક ઉત્સાહીઓએ હવે POK ભારતમાં ભેળવી દેવાશે એ દિવસ દુર ન હોવાની આગાહી પણ કરી દીધી. પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રકારની શતરંજ ચાલતી જ રહેતી હોય છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ.

યાદ છે કુલભૂષણ જાધવ? આંતરરાષ્ટ્રીય દબાણ ઓછું કરવા અને ભારતને નીચું દેખાડવા પાકિસ્તાને કુલભૂષણની પત્ની અને માતાને તેને મળવા દેવાની મંજૂરી આપી હતી. પરંતુ બાદમાં એ બધું ફિક્સ હતું એની આપણને જાણ છે જ. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય મંચ પર પોતે સારા અથવાતો અમુક મુદ્દે આક્રમક છીએ તેવા દેખાડવાના પ્રયાસો થતા રહેતા હોય છે પરંતુ ખરેખર જમીન પર કશું થતું હોતું નથી. આ માત્ર દબાણની જ રાજનીતિ હોય છે, જેમકે ઇઝરાયેલ અને અમેરિકા વારંવાર કરતા હોય છે.

ભારતે POKના હવામાનની આગાહી કરીને માત્ર શતરંજની ચાલ જ રમી છે. એનો મતલબ બિલકુલ એવો નથી કે આવનારા થોડા જ સમયમાં ભારતીય સેના POK પર હુમલો કરીને તેને ભારતમાં ભેળવી દેશે. હા, હાલમાં કોરોના જે રીતે પાકિસ્તાનને હેરાન કરી રહ્યો છે તેનાથી ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરી શકે તેમ છે, પરંતુ ભારત પણ એ જ કોરોનાથી પરેશાન છે એ પણ આપણે ન ભૂલવું જોઈએ. અત્યારે સમગ્ર સરકારી મશીનરી કોરોનાને મ્હાત કરવામાં વ્યસ્ત છે એવામાં POK પર હુમલો કરવાનું એ વિચારી પણ ન શકે.

એની પાછળ એક જ કારણ છે કે હાલમાં એક સાથે બે ફ્રન્ટ પર લડવું શક્ય નથી કારણકે જો ભારતીય સેના POKમાં પગપેસારો કરશે તો પાકિસ્તાન પણ વળતો જવાબ આપશે જ. ભલે એ જવાબને ખાળવા માટે ભારતીય સેના પૂરેપૂરી સક્ષમ છે, પરંતુ તેમ છતાં સરકારનું ધ્યાન તો એ તરફ દોરવાશે જ.

આથી અત્યારે તો હવામાન ખાતાંની પહેલને POK ને ભારતમાં ભેળવી દેવા પ્રત્યેનું એક નાનકડું પગલું માત્ર ગણી શકાય અને તે અત્યારે ફક્ત પાકિસ્તાનના POKમાં ચૂંટણી કરાવવાના નિર્ણયની ચાલનો જ વળતી ચાલ રૂપે જવાબ છે અને બીજું કશું નહીં.

૮ મે ૨૦૨૦, શુક્રવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here