UAE સરકારના એક નિર્ણયથી હજારો ભારતીયોને ફાયદો થશે

0
330
Photo Courtesy: khaleejtimes.com

દરેક દેશના વિસા આપવાના કેટલાક નિયમ હોય છે જે કદાચ અન્ય દેશના નિયમો સાથે મેચ ન થતા હોય એવું બને. UAE ભારતીયો ખાસકરીને કેરળના લોકો માટે રોજગારીનું ફેવરીટ ડેસ્ટીનેશન છે. UAEનો વિસા લેવો હોય તો અત્યારસુધી ભારતીયોને વિસા એપ્લિકેશન સાથે કેરેક્ટર સર્ટીફીકેટ પણ એટેચ કરવું પડતું હતું. UAE સરકારે કરેલા એક નવા નિર્ણયથી તાત્કાલિક અસરથી હવેથી ભારતીયોએ આ સર્ટીફીકેટ પોતાની વિસા એપ્લીકેશનમાં જોડવાની જરૂર નથી.

UAEના હ્યુમન રિસોર્સીઝ એન્ડ એમિરાટીસેશન મંત્રાલયે ગત રવિવારે નિર્ણય લીધો હતો કે ઉપરોક્ત ફેરફાર 1 એપ્રિલથી જ લાગુ પડી જશે.

Photo Courtesy: khaleejtimes.com

કેરેક્ટર સર્ટીફીકેટને UAEમાં પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તરીકે ઓળખવામાં આવતું હતું. આ સર્ટીફીકેટ લેવા માટે UAEનો વિસા મેળવવા ઈચ્છતા વ્યક્તિને પોતાના નજીકના પોલીસ સ્ટેશનેથી સર્ટીફીકેટ મેળવવાનું રહેતું જેમાં એવું જણાવવું જરૂરી હતું કે એ વ્યક્તિનો કોઈજ ક્રિમીનલ ઈતિહાસ નથી કે પછી તેને ભૂતકાળમાં કોઈ પ્રકારની સજા થઇ નથી.

જો કે નવી દિલ્હીના UAE વિસા સેન્ટરના ડિરેક્ટર રેહબ અલી અલ-મન્સૂરીએ સ્પષ્ટતા કરી હતી કે આ નવો નિયમ કામચલાઉ ધોરણે જ લાગુ પાડવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય ફરીથી ક્યારે લાગુ પાડવામાં આવશે તે અંગે હજી કોઈજ ચોક્કસ તારીખ આપી નહીં શકાય.

તમને ગમશે: Third time lucky – યાના નોવોત્નાને શ્રદ્ધાંજલિ

આ ઉપરાંત ભારતીયોને દેશમાં આવી ગયા બાદ પણ થતા કેટલાક સિક્યોરીટી ચેક્સથી મુક્તિ આપવાનો નિર્ણય લેવા પાછળનું કારણ જણાવતા UAEના અધિકારીઓ કહે છે કે આ ચેક્સ ઘણો સમય લેતા હતા અને ભારતીય વર્કરોની વિનંતી હતી કે તેઓ એક વખત UAE આવી જાય પછી તેમનું કામ તરત શરુ થઇ જાય એવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે.

UAE દિલ્હી, મુંબઈ અને તિરુઅનંતપુરમમાં વિસા કેન્દ્રો ધરાવે છે અને માત્ર દિલ્હીમાં જ ગયે વર્ષે 50,000 વિસા અરજીઓ આવી હતી. એક રેકોર્ડ અનુસાર ગયા વર્ષે 1.6 મિલિયન ભારતીયોએ UAEની મુલાકાત લીધી હતી જેમાંથી મોટાભાગના રોજગારી માટે ત્યાં ગયા હતા. આ પરથી સમજી શકાય છે કે UAE સરકારનો આ નિર્ણય ભારતીયો માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.

એક અંદાજ અનુસાર UAEમાં 2.6 મિલિયનથી પણ વધુ ભારતીયો વસે છે જે અન્ય કોઇપણ દેશના વતનીઓ કરતા સૌથી વધુ છે. આમાંથી 20-20 ટકા લોકો સ્કિલ્ડ વર્કર્સ તેમજ વ્હાઈટ કોલર જોબ કરનારા છે જ્યારે બાકીના બ્લ્યુ કોલર વર્કર્સ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here