લઘુકથા: ટ્રેનની એ મારી યાદગાર મુસાફરી…

2
886
Photo Courtesy: naradanews.com

મુસાફરી કરતી વખતે આપણેને ઘણી વાર અવનવા અનુભવો થતા હોય છે. અવનવા લોકોની અવનવી વાતો-કિસ્સાઓ જાણવા મળતા હોય છે. ઘણા કિસ્સા હાસ્યાસ્પદ પણ હોય છે અને ઘણા આંખ ઉઘાડનારા. આવો જ થોડોક હાસ્યાસ્પદ અને અને થોડો વિચારતા કરી દે એવો અનુભવ મને પણ થયો હતો . જેની વાત આ મુજબ છે…

 

Photo Courtesy: naradanews.com

ઘણા મહિનાઓ બાદ આજે હું ટ્રેનની મુસાફરી કરી રહી હતી. એક કામ અન્વયે મારે અને રશ્મી (મારી બહેન)ને વડોદરા જવાનું હતું. ટ્રેન આજે દોઢ કલાક મોડી હતી એટલે અમદાવાદ સ્ટેશને તેના નિર્ધારિત સમય કરતા થોડી મોડી પહોંચી હતી. ટ્રેન એક્સપ્રેસ હોવાને કારણે અમદાવાદ સુધી ખાલી જ હતી. અમદાવાદથી મુસાફરો ચડવાના શરુ થયા હતા. મારી સામેની સીટ પર એક કાકા અને એક ભાઇ આવીને બેઠા. એક બીજા ભાઈ અમારી સાથેવાળી સીટમાં બેઠા. ટ્રેન અમદાવાદ સ્ટેશન પર પંદર થી વીસ મિનીટ સુધી રોકવાની હતી. હું અને રશ્મી થોડી વાતો કરી રહ્યા હતા. ત્યાં અમારી સીટવાળા ભાઈ બોલ્યા ‘ટ્રેન આજે મોડી છે? નહિ!!’. સામેવાળા ભાઈએ માત્ર હકારમાં માથું હલાવ્યું. હવે ટ્રેન અમદાવાદ સ્ટેશનથી ઉપડી ચુકી હતી અને ધીરે-ધીરે સ્પીડ પકડી રહી હતી. સૌ પોતપાતાનામાં મશગુલ હતા ત્યાં પેલા ભાઈ ફરીથી બોલ્યા ‘આપણા દેશમાં જ આવું છે..હો!! બાકી ક્યાંય આપણા જેવું નથી!! ‘આ તો અંગ્રેજો બધી સિગ્નલ સિસ્ટમને એ બધું સેટ કરતા ગયા છે બાકી આપણી તો એવી ત્રેવડ જ નથી કે આપણે ટ્રેનના ટાઇમીંગ સેટ કરી શકીએ!!’ ’હવે બધા નું ધ્યાન પેલા ભાઈ તરફ ગયું.

મેં પણ થોડી ચીડ સાથે તેમની સામે જોયું. ’આપણે તો બધા દેશ ફરેલા હો…! જાપાન, જર્મની, અમેરિકા (ખરેખર?? એ ભાઈ જામનગર, જેતપુર ગયા હોય ને એવું પણ નહોતું લાગતું)…પણ ક્યાંય આપણા જેવું નહીં, ત્યાં શું ચોખાઈ હોય!! આપણો દેશ તો ક્યારેય ત્યાં સુધી પહોંચી નહીં શકે..’ પોતાના મોઢામાંથી બારીની બહાર માવો થુકતા તે ભાઈ બોલ્યા. ‘એ તો આગળ હોય જ ને! ત્યાં આપણી જેમ કોઈ માવા ખાઈને થુકતું નથી ને..એટલે!!’ હું મનમાં ને મનમાં બોલી.હું કઈ કહું એ પેલા સામેવાળા કાકા જે અત્યાર સુધી પોતાના મોબઈલમાં મશગુલ  હતા તેઓ બોલ્યા.’ એવું કઈ નથી.. આપણે પણ ઘણી પ્રગતિ કરી છે.જુઓ આ ટ્રેન,આ પાટા,આ સ્ટેશન આ બધું કઈ અંગ્રેજોના વખતનું તો નથી ને!! એમાં બદલાવ તો આવ્યો જ છે ને?!’

તમને ગમશે: આવો જાણીએ One Plus 5T સ્માર્ટફોન વિષે

મેં ચમકીને પેલા કાકા સામે જોયું. હવે અહીંયા વાક-યુધ્ધ છેડાવાનું હતું એ નક્કી થઈ ગયું હતું. એટલે ધીરે-ધીરે બીજા મુસાફરોને પણ આ ચર્ચામાં રસ પડવા લાગ્યો હતો. કાકાનો જવાબ સંભાળીને પેલા ભાઈ થોડા છોભીલા પડી ગયા પણ પોતાનો મત તે કોઈ પણ કાળે નીચો પડવા દેવા માંગતા નહોતા. હવે એ ભાઈએ આગળ ચલાવ્યું. ’એ બધું તો ઠીક હવે…તોય ક્યાં બીજા દેશો અને ક્યાં આપણો દેશ! હું તમને ઉદાહરણ આપું. ગયા વર્ષે હું મલેશિયા.(?? આ વખતે મહેસાણા બાબતે પણ શંકા છે..) ગયો હતો તો ત્યાં મારે એક નાનકડી તકલીફ પડેલી તો ત્યાં ના લોકો અને ઓફિસરોએ મારી મારી કેટલી!!!!!!! (એટલું લાંબુ એ ભાઈ  બોલ્યા હતા) મદદ કરેલી અને આપણે ત્યાં??

હવે હું બીજું ઉદાહરણ આપું મારા એક મિત્ર થાઈલેન્ડથી આવ્યા હતા અને તેમનો પાસપોર્ટ ખોવાઇ ગયો તો એક મહિના સુધી પાસપોર્ટ કચેરી ના ધક્કા ખાધા. આ ડોક્યુમેન્ટ લાવો, ફલાણા આધાર આપો, ફલાણાના રેફરન્સ આપો..વગેરે વગેરે. બાકી આપણે તો આનંદીબેનને પર્સનલી ઓળખીએ બોલો (ત્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા) તોય આવું થયું પછી માંડ-માંડ આનું નિરાકરણ થયું. એની સામે બીજા દેશમાં આવું થયું  હોય તો? એ ભાઈએ ઘમંડથી કહ્યું..

‘તે ભાઈ ..તે બધી પ્રોસીઝર તો કરવી પડે. પાસપોર્ટ ખોવાવો એ કઈ નાની વાત નથી. એ બધા રેફરન્સ, આધારો બધું આપવું પડે! નહીતર કાલ સવારે કોઈ આતંકવાદી કે કોઈ બીજું ઘુસી જાય અથવા તો કઈ અજુગતું થાય તો જવાબદારી કોની? અને પ્રોબ્લેમ છે ને આપણામાં છે, મારા-તમારામાં છે. આપણે કોઈએ સિસ્ટમથી કામ જ નથી કરવું. આ તમે કેવું કીધું કે હું આનંદીબેન ઓળખું છું? તો શું પણ? તમે ઓળખો એટલે તમને વિશેષ અને  સુવિધાઓ મળવી જોઇએ એવું તમારું માનવું હતું અને બીજા સામાન્ય લોકો,  કોઈ સ્પેશ્યલ લોકો ને ના ઓળખે એટલે એમને કોઈ સુવિધા આપવાનીજ નહીં એમ?? સિસ્ટમને તો કોઈએ અનુસરવી જ નથી. શા માટે કોઈ પોતાનું કામ ના કરે? એમની ફરજ છે અને આપણો અધિકાર. જો આપણે સિસ્ટમથી કામ કરીએ તો એ લોકો એ પણ પોતાનું કામ કરવું જ પડે..!!પણ એ માટે પેલા આપણે કોઈ પણ જાતની ઓળખાણ કે અન્ય લાગવગ લગાવ્યા વિના નીતિથી પ્રયત્નો કરવા પડે.’ કાકાએ વળતો ફટકો માર્યો

હવે પેલા ભાઈ ગેગે-ફેફે થઇ ગયા અને અમે બધા પેલા કાકાથી પ્રભાવિત.કાકા આગળ બોલ્યા.. ’તમે ઇન્ડિયામાં રેહવાનું શા માટે પસંદ કરો છો??’ ‘મારો પરિવાર રહે છે એટલે…’એ ભાઈ ધીમા અવાજે બોલ્યા. ’ના..ના એ બધી ઇમોશનલ વાતો છોડો. થોડી વાર પરિવારને બાજુ પર મુકો. તો તમે શા માટે ઇન્ડિયામાં રેહવાનું પસંદ કરો છો?’ ‘કારણ કે મને ગમે છે અહિયાં..મારી રોજીરોટી છે અહિયાં!!! લે..મારો દેશ છે એટલે’ એ ભાઈ સાવ ધીરેથી બોલ્યા. ‘પણ હમણાં તો તમારી વાત અને તમારો ટોન બંને અલગ હતા ને?’ કાકા એ મારી સામે જોઇને હસીને કહ્યું.

પેલા ભાઈ કઈ ના બોલ્યા.’જો ભાઈ! જે દેશ આપણને રોજી રોટી આપે છે, ઘર આપે છે એના વિશે છે ને આ ર્રીતે ના બોલાય. હું માનું છુ કે આપણા દેશમાં સમસ્યા છે, ખામી પણ છે અને તમને તેના વિશે બળાપો કાઢવાનો અધિકાર પણ છે. પણ અધિકાર ની સાથે સાથે ફરજો પણ છે અને મારા મતે અધિકાર ભોગવવાનો અધિકાર પણ એને જ છે જે પોતનો ફરજો પણ પૂરી કરે. ’હવે પેલા ભાઈ સાવ જ ચુપ થાય ગયા હતા અને મને ખરેખર આનંદ થઈ રહ્યો હતો..

વડોદરા સ્ટેશન આવવાની હજી અડધી કલાક જેટલી વાર હતી. થોડી વાર સુધી કોઈ કઈ ના બોલ્યું. થોડીવાર પછી પેલા ભાઈ ફરીથી બોલ્યા .(આ વખતે બીજાભાઈને કહ્યું) ગરમી બહુ છે નહીં? ’મે અને રશ્મીએ ચમકીને તેમની સામે જોયું. ‘જનરલી તો પ્લેનમાં જ ટ્રાવેલ કરું છું. ખાલી આ વખતે જ ટ્રેનમાં બેઠો. હવે પેલા ભાઈ ફરીથી ફેકવાનું શરુ કર્યું હતું અને મારી અને રશ્મીની હાલત ભાભીજી ઘર પે હે! સીરીયલના ટીકા જેવી થઈ રહી હતી(હસવાની બાબતે). ત્યાંતો વડોદરા સ્ટેશન આવી ગયું અને અમારા ઉતરવાનો સમય થઈ ગયો. પણ પેલા ભાઈ હજુ બોલતા હતા. ‘આપણો તો મોટો બંગલો છે સાયન્સસીટી માં. આપણો કાપડનો બીઝનેસ છે. આપણું કાપડ તો 15,000 થી નીચે ના આવે ..વગેરે વગેરે….

ડબ્બામાંથી નીચે ઉતરતી વખતે મેં નજર ફેરવી અને જોયું તો બીજા કોઈને હવે એ ભાઈની ફેકમફેંકની પડી ન હતી. બધા જ પોતપોતાનામાં મસ્ત હતા. આ જોઇને એક સ્મિત આપીને હું ગાડીમાંથી પ્લેટફોર્મ પર ઉતરી ગઈ અને મારી એ યાદગાર મુસાફરી મેં પૂરી કરી.

ભાવિકા વેગડા

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here