આપણી ખાવાપીવાની કેટલીક એવી કુટેવો જે આપણને નુકશાન કરે છે

2
977
Photo Courtesy: bio-tricks.com

આપણું શરીર બહારના કેટલાક તત્વોથી થતું નુકશાન તો સહન કરે જ છે પરંતુ આપણે આખો દિવસ જે ખાનપાન કરીએ છીએ એ શરીરની અંદર જતા તત્વોથી પણ શરીરને નુકશાન થવાની ઘણી શક્યતાઓ છે. આજે આપણે આપણી એવીજ કેટલીક નુકશાન કરે તેવી ટેવો પર ધ્યાન આપીશું અને તેને કેવી રીતે સુધારી શકાય તે પણ જાણીશું. જો કે અહીં દર્શાવેલા તમામ સુધારાઓને જડતાથી વળગી જ રહેવું એ જરૂરી નથી.

Photo Courtesy: bio-tricks.com
 1. અધિક પાણી પીવું: એકસાથે ઘણુંબધું પાણી પીવાથી આમ (અપચો) વધે છે અને આમથી ધીરેધીરે અનેક રોગો ઉત્પન્ન થાય છે જે અંતે શરીરને નુકશાન કરે છે.
 2. સરબત/તૈયાર જ્યુસ વગેરે વધુ પીવા: ખાંડ મેળવેલું પાણી પીવાથી કફ વધે છે અને વાયુ ઘટે છે. સાકરવાળુ પાણી દોષનો નાશ કરનાર અને વિર્ય ઘટાડનાર છે. ગોળવાળુ પાણી મૂત્રકૃચ્છ્નો નાશ કરે છે અને પિત્ત તથા કફની વૃદ્ધિ કરે છે પરંતુ જુનો ગોળ નાંખ્યો હોય તો તે પિત્ત નાશક અને પથ્ય છે.
 3. જલપાન નિષેધ: શૌચ જઈ આવ્યા પછી સૂર્યના તાપમાં ફરી આવ્યા પછી આરામ લીધા વગર અને વ્યાયામ કે મહેનત કરીને તરત જ તેમજ જમવાની શરૂઆતમાં પાણી પીવું નુકશાન કરે છે.
 4. ઉષ:પાન: મળસકે ઊઠી શૌચ જતા પહેલાં પાણી પીવું હિતકારક છે પરંતુ કફનો પ્રકોપ અને નવા તાવ વગેરે રોગોમાં ઉષ:પાન ન કરવું જોઈએ.
 5. દૂધ ક્યારે ના પીવાય? તીવ્ર આમ સાથેનો નવો તાવ, મંદાગ્ની, અપચો, કુષ્ઠ, ઉદરશૂલ, કફ વગેરે રોગોમાં દૂધ નુકશાન કારક છે. અર્શના રોગીનું કાચુ દૂધ નુકશાન કરે છે. નવા ઉપદંશ, પરમિયો અને ગુમડાથી પરૂ આવતું હોય તો વધુ દૂધ પીવું કે ભેંસનું દૂધ પીવું હિતકર નથી.
 6. દૂધની પ્રતિકૂળ પદાર્થો: સિંધવ સિવાયના બીજા ક્ષારની સાથે આમળાં સિવાયની બીજી ખટાશ સાથે અને ગોળ, મૂળા, દારૂ અને માછલાં વગેરેના ભોજન સાથે દૂધનું સેવન કરવું એ નુકશાન કારક છે.
 7. છાશ ક્યારે ના પીવાય? ચાંદી, પરમિયો, પ્રમેહ, પેશાબમાં બળતરા, ભ્રમ, દાહ, તરસ, રકતપિત્ત અને અમ્લપિત્ત વગેરે રોગવાળાઓને અને દુર્બળ મનુષ્યને ગરમીના સમયમાં ગ્રીષ્મ અને શરદ ઋતુમાં છાશ ન પીવી જોઈએ.
 8. ધૃત ક્યારે ના લેવાય? તાવ સાથેનો ક્ષાય વાળા, ધાવણા બાળક અને વૃધ્ધરોગી, કફ અને કબજીયાતના રોગી, આમવાળા,અજીર્ણ જવર,મંદાગ્ની, પ્રમેહ અને બહુમૂત્રના રોગવાળા તથા અજીર્ણથી ઉત્પન્ન થનાર કોલેરાના દરદી આ બધાને જરૂર પૂરતું ઘી થોડું આપવું બહુ ન આપવું. નવા તાવમા જરા જેટલું ઘી આપવું નુકશાન કરી શકે છે. ક્ષયમાં બકરીના ઘીનો ઉપયોગ હિતકર છે, પણ ઔષધિઓથી સિધ્ધ કરેલું ઘી સર્વ રોગમાં શાસ્ત્રમાં કહયા પ્રમાણે લાભ આપનાર છે.
 9. આદુનો નિષેધ: કુષ્ઠ, પાંડુરોગ, મૂત્રકુચ્છ, પરમિયો, રકતપિત્ત, વ્રણ, સૂકી ખાંસી, દાહ, નિંદ્રાનાશ આ રોગમાં ઉનાળો અને શરદઋતુમાં તેમાં પિત્ત પ્રધાન પ્રકૃતિવાળાને આદુનું સેવન નુકશાન કારક છે.
 10. મધનો ઉપયોગ: રોગ મટાડનાર ઔષધિ સાથે જૂનુ અને રસાયણ ગુણને માટે નવું મધ લેવું હિતકર છે. અનુપાનના મધની સાથે ઘી મેળવવું હોય તો ગાયનું ઘી લેવું. વાતકફ પ્રકૃતિ હોય તો મધ બમણું અને પિત્ત પ્રધાન પ્રકૃતિ હોય તો ઘી બમણું લેવું જોઈએ, બંન્ને સરખા ભાગે ન લેવા.
 • યુનાની વૈધકમાં મધની ચાસણી કરીને તેનો મેલ કાઢી નાંખીને ઉપયોગમાં લેવાનું વિધાન છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ મધ એક પ્રકારનું વિષ છે. એ વિષ આગ પર ગરમ કરવાથી કુપિત થાય છે આથી મધને વાસણમાં રાખવું જોઈએ. મધ બાટલી, ચિનાઈમાટીના નળા કે માટીના વાસણમાં રાખવું જોઈએ. ટીનના ડબ્બામાં છ થી આઠ મહિના સુધી રહેવાથી મધનો રંગ કાળો થઈ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે.જુના જમાના માં મધ ના કલેક્શન માં માખી ના ઈંડા શરીર ના ભાગો ભળવાથી ઝેર જેવું બની જતું અને નુકશાન કરતું, હવે એવું થતું નથી.
 • ભમરિયું મધ જાડુ, ખૂબ ગળ્યું, ભારે અને રકતપિત્તનો નાશ કરનાર છે. નાની માખીઓનું મધ હલકુ, રૂક્ષા અને શ્રેષ્ઠ છે. આ મધને ભગવાન ધન્વંતરીએ સર્વશ્રેષ્ઠ અને શ્વાસ વગેરે રોગોમાં હિતકર માન્યું છે.
 • નવું મધ વજન વધારનાર, અનુલોમન કરનાર અને કફહર છે. જુનુ મધ રૂક્ષા, કફ અને મેદનો નાશ કરનાર, ગ્રાહી અને શરીરને કૃશ બનાવી નુકશાન કરનાર છે.
 • મધ આમાશયમાં જ શોષાઈ જાય છે અને તેને આંતરડામાં જવાની જરૂર રહેતી નથી આ હેતુથી મધુમેહના રોગીને પણ મધ આપવામાં આવે છે.
 • જોરથી 4 તોલા મધ રોજ લેવામાં આવે તો હ્રદય બળવાન બને છે.
 1. જો મૂત્રની પ્રતિક્રીયા અમ્લ હોયતો ઘી વગેરે સ્નેહવાળો ખોરાક બહુ ખાવો જોઈએ.
 2. સવારના ભોજન પછી વામકુક્ષી(ડાબે પડખે લગભગ અડધો કલાક આરામ લેવો) અને સાંજે જમ્યા પછી થોડું ફરવું એ ફાયદાકારક છે.
 3. સવારે જમ્યા પછી તાજી છાશ લેવી અને સાંજે જમ્યા પછી દૂધ લેવું ફાયદાકારક છે. રાત્રે ખોરાકમાં દહીં લેવું અને જમ્યા પછી તરત અધિક પાણી પીવું એ નુકશાન કારક છે.
 4. જમ્યા પછી,પેશાબ રોકીને અને દિવસે સ્ત્રીસેવન કરવું નુકશાન કારક છે. જમ્યા પછી અને બપોરમાં સ્નાન કરવું નહીં.
 5. તાંબુલ/નાગરવેલ નું પાન સેવન – આળસ, વ્રણ, વિદ્રધિ, દંતરોગ, તાલુરોગ, ઉપજિહવા ના રોગ કેન્સર, ગલગંડ, અપચી તાલુશોષ અને કફપ્રકોપમાં પાન ખાવું હિતકર છે.
 6. આંખોના રોગ, રકતપિત્ત, ક્ષાત, દાહ, ઝેર ના રોગી, રાજયક્ષમા, દમ, મોહ, શ્વાસ વગેરે રોગવાળાને નાગરવેલનું પાન નુકશાનકારક છે. શૌચ જઈ આવ્યા પછી, જમ્યા પહેલા, નવા સળેખમમાં, આંખો ના રોગો, કાનની શકિતનો ક્ષય, દાંતમાંથી પરૂ નીકળવું, અવાળુંની નબળાઈ અને મહેનત પછી પરસેવો થયો હોય ત્યારે પાન ન ખાવું જોઈએ. ક્ષયના રોગીને પણ પાન ન આપવું જોઈએ.
 7. આંખોને નુકશાન કારક : નહાતી વખતે માથાપર ગરમ પાણી રેડવાથી આંખોને નુકશાન થાય છે અને વલીપલિત ઉત્પન્ન થાય છે. ખૂબ થોડા કે ખૂબ પ્રકાશમાં વાંચવું- લખવું, ઝીણું કામ કરવું, સૂતા સૂતા અથવા ચાલતી ગાડીએ વાંચવું, ગરમ ચીજોનું વધારે સેવન કરવું, સિનેમા જોવા, આંખને શ્રમ પડે એવા ઝીણા કામ કરવાં, મરચાં વગેરે ઉગ્ર ચીજો ખાંડવી, ધુમાડામાં બેસવું, ચૂલો ફૂંકવો, અતિ સ્ત્રીસેવન, તમાકુનું વધારે સેવન, દેવતા પાસે લાંબો વખત બેસી રહેવું, સખ્ત તાપમાં ફરવું, સૂર્ય સામે ત્રાટક કરવું આ બધું આંખોને નુકશાનકારક છે.
 8. દાંતને નુકશાન કરનાર – પથ્થરના કોયલા, રેતી કે બીજી કઠણ વસ્તુઓથી દાંત સાફ કરવાથી દાંત ઉપરની સફેદી ખરાબ થઈ જાય છે. તેમજ સીગરેટ, બીડી, તમાકુ, દારૂ, સરકો, સખત ખટાશ, ગળ્યા પદાર્થો અને નાગરવેલનું પાન વગેરેનું વધારે સેવન કરવાથી દાંતમાં કૃમિ પડે છે કે ક્ષય થાય છે.
 9. સૂતી વખતે માથા પર કપડું બાંધવું તેમજ પગે મોજાં, સખત રહે તેવાં કપડાં કે બૂટ પહેરવાથી રકતાભિસરણ ક્રીયા રોકાય છે અને એથી તે અવયવની શકિત ઘટી જાય છે.
 10. દિવસે કોણ ઊંધી શકે? : વ્યાયામ અથવા કામ કરવાથી થાકેલા, જેણે મૈથુન કર્યું હોય, નિત્ય પ્રવાસ કરતો હોય, અતિસર, ઉદરશૂલ, શ્વાસ, તરસ, હેડકી અને આમરહિત વાતરોગવાળા, દારૂ પીને નશો કરેલો હોય, વૃદ્વ, બાળક, રાત્રે ઉજાગરો કરતો હોય, આટલા માણસોને દિવસે ભોજન પહેલાં સુવું ફાયદાકારક છે.
 11. ઉપવાસ કોણે ન કરવો? : વાતરોગી, તરસ્યો, બાળક, વૃદ્વ, સગર્ભાસ્ત્રી, તાવના રોગી, અનેક રોગથી પીડા પામેલા, થાકેલા અને ભૂખ્યા થયેલા મનુષ્યને ઉપવાસ ન કરાવવો. ઉપવાસ કરાવવાથી જેના હાડકામાં દરદ, મનમાં ભ્રમ, આંખોએ અંધારાં, હ્રદયમાં અવરોધ અને શરીરમાં બહુ અશકિત આવતી હોય, તેમને બહુ ઉપવાસ ન કરાવવા જોઈએ.
 12. દૂધ અને ફણસ વિરોધી છે. બધી જાતની માછલીઓ અને દૂધ વિરૂધ્ધ છે. દૂધ અને માછલી બંને મધુર હોવાથી એક રીતે સરખાં છે. પણ દૂધ શીતવીર્ય અને માછલી ઉષ્ણવીર્ય હોવાથી વિરોધી છે. આ બંને નું એકસાથે સેવન ન કરવું જોઈએ.
 13. દહીં ગરમ કરી ખાવું એ વિરૂદ્વ હોવાથી નુકશાન કરે છે.
 14. મધ અને ઘી સમભાગે મેળવી ખાવું નુકશાનકારક છે.
 15. એકલા જવ જ ખાવા અને બીજુ અનાજ ન ખાવું એ નુકશાનકારક છે. આ સ્વભાવ વિરૂદ્વનું ઉદાહરણ છે.

 

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here